સ્ટફ્ડ પરોઠાં

Wednesday 24th June 2015 09:05 EDT
 
 

સામગ્રીઃ ચણાની દાળ - બે વાટકી • ઘઉંનો લોટ - એક વાટકી • મેંદો - અડધી વાટકી • તેલ - બે ચમચા • ડુંગળી - નંગ એક • વાટેલાં આદુ-મરચાં - એક ચમચી • કોથમીર - બે ચમચા • તજ - અડધી ચમચી • લવિંગનો ભૂક્કો - અડધી ચમચી • સંચળ - એક ચપટી • નાળિયેરની છીણ - બે ચમચાં • ચણાનો લોટ - એક ચમચો • તેલ - જરૂર મુજબ

રીતઃ ઘઉંનો લોટ તથા મેંદો ભેગા કરીને એમાં મોણ નાખી રોટલી જેવી કણક બાંધો. ચણાની દાળ પલાળી રાખો અને પછી વાટી નાંખો. ડુંગળીને પણ ઝીણી સમારી નાંખો. તેલ ગરમ કરો. પછી ધીમા તાપે ચણાનો લોટ શેકો અને બાજુ પર રાખી મૂકો. હવે કડાઈમાં તેલ ગરમ કરીને એમાં ડુંગળી નાંખીને સાંતળો. થોડી વાર પછી એમાં વાટેલી ચણાની દાળ નાંખો. ધીમા તાપે ચઢવા દો. થોડી વાર પછી એમાં આદું, મરચાં, કોથમીર, નાળિયેરની છીણ, ગરમ મસાલો, સંચળનો ભૂક્કો અને ચણાનો લોટ નાંખીને બરાબર હલાવો. પછી નીચે ઉતારી લો.

આ મિશ્રણ ઠંડુ પડે એના ગોળા વાળી લો. રોટલીની કણકના લૂઆ બનાવો. થોડી વણી લઈને વચ્ચે પુરણનો ગોળો મૂકી દો. પછી કચોરીની જેમ ગોળો વાળી લો. હવે તેની ફરીથી રોટલી વણો અને તવા પર એક ચમચી તેલ નાંખીને બન્ને તરફ દાણા પડે એ રીતે શેકી લો. પરોઠું આછા ગુલાબી રંગનું થાય એટલે નીચે ઉતારી લો. આ તૈયાર થયેલા ગરમાગરમ સ્ટફ્ડ પરોઠાંને લીલી ચટણી કે દહીં સાથે પીરસો.




to the free, weekly Gujarat Samachar email newsletter