લંડનઃ તમારી પાસે દાન કરવા નાણા ન હોય કે સેવા આપવાનો સમય ન હોય, તો પણ કોઈને માત્ર સ્મિત આપી થેન્ક યુ કહેશો તો દરરોજ તમારા અને અન્યોના જીવનમાં નાનો સરખો પણ તફાવત લાવી શકાય છે. ‘થેન્ક યુ’ માત્ર બે જ શબ્દો છે. પરંતુ, બીજા લોકોને ‘થેન્ક યુ’ કહેવાથી ડિપ્રેશનને નિવારી શકાય છે. એક અભ્યાસના દાવા મુજબ વિનમ્રતાના આ પાયાના કૃત્યથી રોજિંદા જીવનમાં આભારની લાગણી પ્રગટે છે. યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન, ટેક્સાસ અને પેનસિલ્વેનિયા તેમજ માઈકલ ઈ દબેકી વેટરન્સ એફેર્સ મેડિકલ સેન્ટર દ્વારા કરાયેલા સંશોધનમાં ૧૮થી ૫૮ વયજૂથના ૩૫૨ પુરુષ અને મહિલાને તેમના વ્યક્તિત્વને સંબંધિત વિવિધ પ્રશ્રો પૂછવામાં આવ્યા હતા. તેના આધારે તૈયાર કરાયેલી દરેકની પ્રોફાઈલ દ્વારા તેઓ કેટલી વખત ડિપ્રેશન અથવા આભારની લાગણી અનુભવે છે અને તેઓ તાણ અને અન્ય લોકોનો કેવી રીતે સામનો કરે છે તેના વિશે જાણવા મળ્યું હતું.
કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાથી મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવામાં અને તેનું રૂપાંતરણ હકારાત્મક કરવાની સાથે સંકળાયેલી છે.
દરમિયાન, પોતે ખરેખર કેવું અનુભવે છે તે અન્ય લોકોને દર્શાવવાના ડરથી - એમ્બિવેલન્ટ ઈમોશનલ એક્સપ્રેશન- પીડાતા લોકોમાં ડિપ્રેશન ખૂબ સામાન્ય જણાયું હતું. થેન્ક યુ કહેવાની ટેવ અસરકારક ટોનિક પૂરવાર થઈ શકે છે. ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીના હેલ્થ સાઈકોલોજિસ્ટ ડો. સીન્થીયા મેકવેએ જણાવ્યું હતું કે આભાર વ્યક્ત કરવાથી લોકોને તેમના માટે સારું લાગશે એટલું જ નહિ તેમને વળતો પ્રતિભાવ પણ મળશે. આભાર વ્યક્ત કરવાથી પોતાની લાગણી વ્યક્ત કરવામાં મુશ્કેલી અનુભવતી સામેની વ્યક્તિ અન્ય લોકો સાથે ખૂલીને વાત કરતી થાય છે, વણબોલાયેલા નકારાત્મક વિચારોથી તેમનું મન અન્યત્ર વળે છે.
NHS દ્વારા ડિપ્રેશનની દવા માટે ૨૦૧૫માં ૬૦ મિલિયન પ્રિસ્ક્રિપ્શન અપાયા હતા, જે અગાઉના દાયકા કરતાં બમણા હતા. આ સંખ્યામાં દર વર્ષે ૭ ટકાનો વધારો થાય છે. ૧૯૯૫માં લોકો ૧૧૨ દિવસ એન્ટિ- ડિપ્રેશન દવાઓ પર રહેતા હતા તેને બદલે હાલ ૧૬૯ દિવસ તેની સારવાર પર રહે છે.


