લંડનઃ વધતી જતી વયને અટકાવી શકાતી નથી અને સભ્ય સમાજમાં વૃદ્ધત્વને એકલતામાં સહન કરાવું ન જોઈએ. આમ છતાં, બ્રિટનમાં સંખ્યાબંધ વૃદ્ધ લોકો માટે એકલતા હકીકત છે. આયુષ્યમર્યાદામાં વૃદ્ધિ એ ૨૦મી સદીની મહાન દેણ છે, પરંતુ તેનાથી આવતી એકલતા ૨૧મી સદીનો મોટો પડકાર છે. ક્રિસમસ ચેરિટી અપીલ માટેની લાભાર્થી એક સંસ્થા ‘Contact The Elderly’ વૃદ્ધોની એકલતાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ સંસ્થા વૃદ્ધોને ચા પીવા બહાર લઈ જાય છે. મહિનામાં એક વખત કોઈ વોલન્ટીઅર દ્વારા અપાતી પાર્ટીમાં આઠ વૃદ્ધોને લઈ જવાની જવાબદારી અન્ય વોલન્ટીઅર સંભાળે છે. વોલન્ટીઅર્સ અને સ્થળ બદલાય છે, પરંતુ મહેમાનો એક જ રહે છે. આના પરિણામે, તેઓ વચ્ચે મિત્રતા બંધાય છે અને એકલતા ઘટે છે. આ ક્રિસમસમાં આ સંસ્થાને સહાય, મદદ કે દાન આપવાનું યોગ્ય ગણાશે.
૫૦ વર્ષ અગાઉ સ્થાપિત ‘Contact The Elderly’ રાષ્ટ્રીય ચેરિટી છે, જેણે આમનેસામને મુલાકાતો થકી વૃદ્ધોમાં એકલતા દૂર કરવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વોલન્ટીઅર્સ મદદ વિના ઘરની બહાર નીકળી ન શકતા અતિશય વૃદ્ધોને મળવા પણ સપ્તાહમાં એક અથવા વધુ વખત જાય છે. સંસ્થાના ૮,૦૦૦ જેટલા વોલન્ટીઅર્સ ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ૬૦૦થી વધુ ગ્રૂપ ધરાવે છે. સાથે મળીને તેઓ ૭૫થી વધુ વયના એકલવાયા ૪,૮૦૦ લોકોને ચા, કેક અને મિત્રતા માટે બહાર લઈ જાય છે. ચેરિટી આ દાયકાના અંત સુધીમાં લાભાર્થીની સંખ્યા બમણી કરવાની આશા રાખે છે.
મેળમિલાપથી વૃદ્ધોની ખુશી વધે છે, કેટલાક તો સમાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાય છે અને ઘણાએ તેમની તબિયત સુધરી હોવાનું પણ જણાવ્યું છે. ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર એકલતા અને બીમાર અવસ્થા વચ્ચે મજબૂત કડી હોય છે. વહેલા મોતના પરિબળ તરીકે એકલતાને દિવસના ૧૫ સિગારેટ પીવાના જોખમની સમકક્ષ ગણી શકાય છે. વૃદ્ધો લાંબો સમય સુધી સક્રિય અને સમાજ સાથે સંકળાયેલા રહે ત્યારે સરકાર પર સામાજિક સંભાળ, તબીબી સારવાર અને હોસ્પિટલાઈઝેશનનો બોજ ઘટે છે.
૮૦થી વધુ વયના લગભગ અડધા લોકો એકલતાથી પીડાતા હોવાનું સ્વીકારે છે. આમાંથી ૩.૯ મિલિયન લોકો માટે તો ટેલિવિઝન જ સાથીદાર બની રહે છે અને સમસ્યા વધતી જાય છે. આગામી પાંચ વર્ષમાં દેશની વસ્તીમાં ત્રણ વધારો થવાની ધારણા સામે ૬૫થી વધુ વયના લોકોની સંખ્યા ૧૨ ટકા, ૮૫થી વધુ વયના લોકોની સંખ્યા ૧૮ ટકા અને સદીવીરોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થશે.


