લંડનઃ શેરીઓ અને માર્ગો પર કૃત્રિમ પ્રકાશ રેલાવતી હારબંધ લાઈટ્સ મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે. યુએસની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટનાં અભ્યાસ અનુસાર રાત્રિના સમયે આવા કૃત્રિમ પ્રકાશમાં વધુ રહેવું પડે તેવી પોસ્ટ-મેનોપોઝલ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ૧૦ ટકા વધી જાય છે. વિશ્વમાં દર વર્ષે ૨૦ લાખથી વધુ વધુ સ્ત્રીઓ સ્તન કેન્સરનો શિકાર બને છે અને માત્ર યુકેમાં દર ૧૨ મહિને ૧૧,૫૦૦ સ્ત્રીઓ તેના કારણે મોતને ભેટે છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ૧૬ વર્ષ સુધી લગભગ ૨૦૦,૦૦૦ મહિલાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ધમધમતાં મહાનગરોમાં રહેવાથી રોગોનું જોખમ વધતું હોય છે. એક અમેરિકી અભ્યાસ મુજબ રાત્રિના સમયે આછાં પ્રકાશમાં રહેતી સ્ત્રીઓની સરખામણીએ પ્રકાશનું ભારે પ્રદુષણ ધરાવતા વિસ્તારોમાં મેનોપોઝમાં આવી ગયેલી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ૧૦ ટકા વધારે રહે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત અભ્યાસ માત્ર નીરિક્ષણપૂર્ણ મૂલ્યાંકન હોવાથી આ કડી માટે કોઈ કારણો અપાયાં નથી. જોકે, અગાઉના અભ્યાસોમાં જણાયું હતું કે કૃત્રિમ પ્રકાશના કારણે શરીરમાં મેલાનીન પિગમેન્ટના ઉત્પાદનમાં વિક્ષેપ થતો હોઈ શકે.
મેલાનીન ઘેરું રંગદ્રવ્ય છે જેના થકી શરીર અને વાળને રંગ મળે છે. તેનું પ્રમાણ વધારે હોય તો ત્વચાના ટિસ્યુઝ વધુ ઘેરાં જણાય છે. આ ઉપરાંત, મેલાનીન નિદ્રા દરમિયાન શરીરને સાજા થવા બાબતે અંકુશ ધરાવે છે અને શરીરને અંધકારની અપેક્ષાનું પણ નિયંત્રણ કરે છે. પરીક્ષણોમાં પણ જણાયું છે કે મેલાનીનની હાજરી શરીરમાં ટ્યુમર્સની વૃદ્ધિને અટકાવે છે. સંશોધકો કહે છે કે કૃત્રિમ પ્રકાશ શરીરની કુદરતી આંતરિક ઘડિયાળના તાલમેલમાં અવરોધ સર્જે છે અને શરીરમાં મેલાનીનના ઉત્પાદનનું પ્રમાણ ઘટે તે શક્ય છે.
યુનિવર્સિટી ઓફ એક્સટર અને બાર્સેલોના ઈન્સ્ટિટ્યૂટ ફોપ ગ્લોબલ હેલ્થના સંશોધકોના ૨૦૧૮ના અભ્યાસમાં જણાયું હતું કે જૂની પીળી લાઈટ્સની સરખામણીએ નવી પેઢીના LED સ્ટ્રીટ લેમ્પ્સ કેન્સરના કારણ માટે વધુ જોખમી છે. નોન- LED લાઈટ્સની સરખામણીએ LED લાઈટ્સથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ બમણું અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ૧.૫ ગણુ હોવાનું પણ તે અભ્યાસમાં જણાવાયું હતું.
જોકે, બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું હતું કે ઈનડોર-ઘરમાં લાઈટ્સની કેન્સરના જોખમ પર અસર હોતી નથી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચ દ્વારા વ્યક્તિદીઠ બેડરુમમાં કેટલા કૃત્રિમ પ્રકાશનો વપરાશ થાય છે તે શોધવા ૧૦૦,૦૦૦થી વધુ બ્રિટિશરોને પ્રશ્નો પૂછાયા હતા. તેમાં રાત્રે ઘરની લાઈટ્સ અને બ્રેસ્ટ કેન્સરના જોખમ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો ન હતો. બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરમાં ૨૦૧૯માં પ્રકાશિત અભ્યાસમાં ૨૦૦૩થી ૨૦૧૪ના ગાળામાં ૧૦૨,૮૬૯ સ્ત્રીઓને કેન્સરના જોખમનું મૂલ્યાંકન કરાયું હતું તેમાં પણ આ તારણોને સમર્થન અપાયું હતું.