લંડનઃ ’૮૦ના દાયકામાં જન્મેલી ભારતીય મહિલાઓ પોતાની કારકિર્દીને પ્રાધાન્ય આપવા સાથે મધ્ય વય સુધી સંતાનવિહોણી રહેવાનું પસંદ કરે છે. યુકેમાં તાજેતરના સંશોધન અનુસાર દર પાંચમાંથી એક મહિલામાં આ વલણ જોવા મળે છે. ’૭૦ના દાયકામાં જન્મેલી સ્ત્રીઓને સરેરાશ બે બાળકો હોય છે, જ્યારે ૧૯૮૦ના દાયકામાં જન્મેલી મહિલાને એક બાળક હોય છે અથવા તે નિઃસંતાન રહે છે. યુકેમાં બાળકના ઉછેરમાં થતાં ખર્ચને લીધે મહિલાઓમાં આ વલણ મુખ્યત્વે જોવા મળે છે.
વંશવેલો આગળ વધારવા વારસને જન્મ આપવાની એશિયન પ્રણાલિને પડકારતી હોય તેમ યુકેસ્થિત એશિયન મહિલાઓમાં આ વલણ વધ્યું છે. પોતાની પસંદગીથી સંતાનવિહોણા રહેવાની બાબતે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા ૨૦-૪૮ વયજૂથની મહિલાઓના મંતવ્યો જાણવા તેમની સાથે વાતચીત કરાઈ હતી. મુક્ત સ્વભાવની મહિલાઓએ તો સંતાનવિહોણા રહેવામાં કશું જ ખોટું ન હોવાનું જણાવ્યું હતું. તેઓ વધારાની આર્થિક અને ભાવાત્મક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.
એન્ટ્રેપ્રીન્યોર ચુમકી કોલીએ જણાવ્યું હતું કે ‘બાળકને ઉછેરવાની જવાબદારી આવે એટલે મહિલાએ જાતને ભૂલી જવી પડે. મારાં જેવી ઘણી મહિલા તેમાં જ રચીપચી રહી શકે નહિ’. લંડનમાં બેંકર તરીકે ફરજ બજાવતી એકતા સિંહે જણાવ્યું હતું કે,‘ દરેકના જીવનમાં એવો કંઈ ખાલીપો નથી હોતો કે જે માત્ર બાળક દ્વારા જ દૂર કરી શકાય. બાળક હોવું જ જોઈએ તેવું મને પોતાને ક્યારેય લાગ્યું નથી. હાલના સમયમાં જે લોકો સંતાનવિહોણા રહેવાનું અથવા બાળક દત્તક લે છે તેઓ ખરેખર પૃથ્વી માટે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. લંડનના ગાયત્રી દેસાઈએ જણાવ્યું ,‘ કોઈકે મને કહ્યું હતું કે બાળકો તમને યુવાન રાખે છે. તેથી તમને બાળક જોઈએ છે કે નહિ તેના વિશે વિચારો નહિ. તમે બાળક માટે તૈયાર થાવ ત્યાં સુધી અંડાણુને ફ્રીઝ કરી રાખો.’
કામકાજ અને જીવન વચ્ચે સમતુલા જાળવવી મહત્ત્વપૂર્ણ છે. પીડીઆટ્રિશિયન તનસીમ રુપાવાલા આ ટ્રેન્ડને ટેકો આપતાં કહે છે કે,‘ બાળક સ્વૈચ્છિક રીતે આવે અને તમે બાળકો સાથે સારો સમય વીતાવો તે સારું છે અથવા તો પોતાની મર્યાદા સમજીને બાળકોની માનસિક હાલત ખરાબ કરી શકે તેવી ટેકનો નેનીઝ દ્વારા તેનો ઉછેર થાય તેના કરતા બાળક ન હોવું વધુ સારું ગણાશે.’


