સગર્ભાવસ્થામાં વધુ ગળ્યો આહાર બાળકોને અસ્થમાનું જોખમ વધારે

Sunday 06th August 2017 07:41 EDT
 
 

લંડનઃ સગર્ભાવસ્થામાં વધુ ગળપણ ધરાવતા ખાદ્યપદાર્થો ખાવામાં આવે તો જન્મનારા બાળકને અસ્થમાનું જોખમ રહે છે. સંશોધનમાં જણાયું છે કે ફ્રૂક્ટોઝથી ભરપૂર ગળ્યો ખોરાક ફેફસાને નુકસાન કરે છે. જોકે, તેનાથી એક્ઝીમા કે હે ફીવરનું જોખમ વધતું નથી.

ફેફસા સુધી પહોંચતી નળીઓમાં સોજાથી અસ્થમા થાય છે. અસ્થમાના અડધા કેસ તો ધૂળની રજકણોમાં જંતુઓ, પશુના રુંછા અથવા પરાગરજ જેવાં એલર્જન્સના કારણે થતાં હોય છે. ક્વીન મેરી યુનિવર્સિટી લંડન, બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સંશોધકો તથા અન્યો દ્વારા ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં સગર્ભા બનેલી અને તે પછી ફોલો-અપ કરાયેલી માતા-બાળકની ૯,૦૦૦ જોડીઓના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રસિદ્ધ સંશોધનમાં સગર્ભાવસ્થામાં ખાંડનું વધુ પ્રમાણ ધરાવતા ખોરાક ખાવા અને ડસ્ટ માઈટ, ઘાસ અને અસ્ધથમા વચ્ચે કડી છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

સંશોધનના તારણો મુજબ ખાંડનું ઊંચુ પ્રમાણ લેતી માતાઓને જન્મતા બાળકોને એલર્જિક અસ્થમાનું સંભવિત જોખમ ૧૦૧ ટકા હતું જેની સરખામણીએ ઓછાં ગળ્યાં પદાર્થો લેતી માતાના બાળકમાં આ જોખમ ૭૩ ટકા હતું. વધુપડતા ગળ્યા પદાર્થ ખાનારા બાળકોને એલર્જિક અસ્થમાનું જોખમ વધતું જણાયું ન હોવાથી બાળક ગર્ભાશયમાં હોય ત્યારે તેના ફેફસા સૌથી અસુરક્ષિત હોવાનું જણાવાયું હતું. ગત થોડા દાયકામાં બાળકોમાં એલર્જિક અસ્થમાનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. બીજી તરફ, ૧૯૭૦ના દાયકાની સરખામણીએ સગર્ભા માતાઓના આહારમાં ખાંડનું પ્રમાણ પણ ૨૫ ટકા જેટલું વધ્યું છે. જોકે, મુખ્ય સંશોધક અને ક્વીન મેરી યુનિવર્સિટી લંડનના પ્રોફેસર સૈફ શાહીને જણાવ્યું હતું કે આ નીરિક્ષણોના આધારે નિશ્ચિતપણે એમ કહી ન શકાય કે સગર્ભાવસ્થામાં સ્ત્રીઓ દ્વારા લેવાતું ખાંડનું ઊંચુ પ્રમાણ તેમના બાળકોમાં એલર્જી અને એલર્જિક અસ્થમાનું કારણ બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter