10 કિલો વધારાનું વજન ઘટાડી શકે છે જીવનના 3 વર્ષ

Wednesday 01st February 2023 04:50 EST
 
 

આજે દુનિયાભરમાં સ્થુળતાની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બનીને ઉભરી રહી છે. જીવનશૈલીથી માંડીને ખાણીપીણીમાં આવેલા બદલાવથી આ સમસ્યા વકરી છે. વધુ પડતું વજન અનેક બીમારીનું મૂળ છે. ભારતની જ વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ સરવેના મતે ભારતમાં લગભગ 23 ટકા પુરુષ અને 24 ટકા મહિલાઓ વધુ વજન કે સ્થૂળતાનો ભોગ બનેલા છે. આટલું જ નહીં 5 વર્ષથી નાની વયના લગભગ 3.4 ટકા બાળકો પણ જાડા છે.
સ્થૂળતાની સમસ્યા ટૂંક સમયમાં જ મહામારી બનવા જઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અનુસાર વધુ બોડી ફેટથી ટાઈપ-2 ડાયાબિટીસ, 13 પ્રકારના કેન્સર, હૃદય રોગ અને ફેફસાં સંબંધિત બીમારીનું જોખમ વધે છે. આટલું જ નહીં, મગજની કામ કરવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. વર્ષ 2021માં દુનિયાભરમાં લગભગ 28 લાખ લોકોનું મૃત્યુ સ્થૂળતા સંબંધિત બીમારીને લીધે થયું છે. એક રિસર્ચ અનુસાર 10 કિલો વધારાનું વજન સરેરાશ આયુષ્યના ત્રણ વર્ષ સુધી ઘટાડી શકે છે.
યોગ્ય વજનની ફોર્મ્યુલા: ફાયદાકારક વસ્તુઓ કાયમ સામે રાખો
અમેરિકન રિસર્ચર સુજેન ફેલન કહે છે કે આપણે એ જ ખાઈએ છીએ જે નજર સામે જોઈએ છીએ. આવામાં જો તમારે વજન ઘટાડવું છે અને તેને મેઈન્ટેન રાખવા માગો છો તો ઓછી કેલરીવાળા પદાર્થો જેમ કે સિઝનના ફળ, નટ્સ, ઓટ્સ, અંકુરિત અનાજ વગેરેને વધુને વધુ નજરમાં રાખો, જેથી તમારે જ્યારે પણ ભૂખ સંતોષવી હોય તો તે જ ખાવામાં આવે. આની સાથો સાથ એ વાતની પણ કાળજી લો કે હાઈ કેલરીવાળી અને તંદુરસ્તી માટે ઓછી ફાયદાકારક વસ્તુઓ જેમ કે કોલ્ડ ડ્રિન્ક, સોડા, ચિપ્સ, પેક્ડ ફૂડ વગેરે હંમેશા નજરથી દૂર જ રહે.
આ ઉપરાંત સવારથી સાંજ સુધી તમે શું ખાઈ રહ્યા છો તેના પર નજર રાખવા તેની નોંધ જરૂર રાખો.
વજન નિયંત્રિત કરવામાં અસરકારક રીતો
• નાસ્તામાં વધુ પ્રોટીન લો, કેમ કે ભૂખવાળા હોર્મોનને સંતુલિત કરે છે. પ્રોટીનના પાચનની પ્રક્રિયા ધીમી હોય છે, સાથે જ તે ભૂખ વધારતા હોર્મોન્સને પણ ધીમા પાડે છે, જેથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. પરિણામે ભોજન તરીકે પેટમાં જતી કેલરી ઘટે છે.
• મગજને તાલીમ આપો, કેમકે સંતુલિત ભોજન એક ટેવ છે. કોઈ પણ નવી ટેવ કે દિનચર્યા અપનાવવામાં લાંબો સમય લાગે છે. તમે કોઈ નવી વસ્તુ (ઓછી કેલરી, સંતુલિત ભોજન)ને દરરોજ ફોલો કરો તો મગજ ધીમે-ધીમે તેને અપનાવી ટેવમાં બદલે છે.
• વજન ઘટાડા માટે મોટું લક્ષ્ય રાખો, કેમ કે આનાથી બેજવાબદારીની આશંકા ઘટે છે. વજન ઘટાડવાનું લક્ષ્ય હંમેશા મોટું રાખવાનું કારણ એ છે કે નાના લક્ષ્ય હાંસલ થઇ જવાની ખુશીમાં બેજવાબદારીની આશંકા વધી જતી હોય છે. પરિણામે વજન ફરીથી વધવાનું જોખમ રહે છે. મોટા લક્ષ્ય લાંબા સમય સુધી પ્રયાસ કરવા માટે પ્રેરિત કરે છે.
વજન વધારતી રોજિંદી આદતો
• સવારના સમયે પાણી ન પીવું: સવારના સમયે પીધેલું હૂંફાળુ પાણી આંતરડાને સ્વચ્છ કરી મેટાબોલિઝમ સુધારે છે. જેનાથી કેલરી વધુ બર્ન થાય છે. જ્યારે પાણી ન પીવાથી મેટાબોલિઝમ ધીમું પડે છે. વજન વધવાનું જોખમ વધે છે.
• બહુ ઓછું કે વધુ પડતું ઊંઘવુંઃ જે લોકો દર 5 કલાક કે તેના કરતાં ઓછું ઊંઘે છે તેમના અંદર બેલીફેટ વધવાની આશંકા બમણાથી વધુ હોય છે. જ્યારે 9 કલાક કે તેનાથી વધુ ઊંઘવાથી જાડા થવાનું જોખમ 21% વધે છે. આવું ભૂખ વધારનારા હોર્મોનને કારણે થાય છે.
• રાત્રે સુતા-સુતા ફોન વાપરવો: ફોનની બ્લ્યૂ લાઈટ ઊંઘની સાઈકલને નિયંત્રિત કરતા હોર્મોન મેલાટોનિનને પ્રભાવિત કરે છે. જેના કારણે ઊંઘ આવવામાં સમસ્યા થાય છે. અધૂરી ઊંઘથી હોર્મોન એન્થ્રેલિન વધવા લાગે છે, જેથી વ્યક્તિ વધુ ભોજન કરે છે અને તે સરવાળે ચરબીમાં પરિવર્તીત થઇને શરીરનું વજન વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter