2050 સુધીમાં કેન્સરના કેસોમાં 70 ટકા સુધીનો વધારો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને તેના ડિવિઝન ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા કરાયેલા વિશ્લેષણના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે 2050 સુધીમાં કેન્સરના કેસોમાં 70 ટકા સુધીનો વધારો જોવા મળશે. ‘નેચર મેડિસીન’માં પ્રકાશિત આ રિપોર્ટમાં જોકે એવો સધિયારો પણ અપાયો છે કે લાઈફસ્ટાઈલની પસંદગીઓમાં ફેરફારો થકી કેન્સરના નવા 10 કેસમાંથી 4 કેસને અટકાવી શકાય તેમ છે. વિશ્લેષણનું એક નોંધપાત્ર તારણ એ પણ છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને કેન્સર વધુ થાય છે. વિવિધ પ્રકારના કેન્સર સંબંધિત આ વિશ્લેષણમાં નવ પ્રકારના ઈન્ફેક્શન્સ સહિત જોખમના 30 પરિબળો પર નજર કરાઈ છે. સૌપ્રથમ વખત નવ વાઈરલ, બેક્ટેરિયલ અને પેરાસાઈટિક ઈન્ફેક્શનનો અભ્યાસ કરાયો હતો. આ પરિબળોને લાઈસ્ટાઈલમાં ફેરફાર અને આરોગ્ય વિશે કાળજીપૂર્વકના મેનેજમેન્ટ થકી નિવારી પણ શકાય તેમ છે. વિશ્વમાં 7.1 મિલિયન કેન્સર કેસીસ અચકાવી શકાય તેવા પરિબળો સાથે સંકળાયેલા છે. રિપોર્ટ એમ પણ જણાવે છે કે સમયસરના નિદાન અને સારસંભાળના અવરોધો સાથેના ઓછી આવક હેઠળના દેશો અને વિસ્તારોમાં કેન્સરના કેસીસનું પ્રમાણ વધુ રહેશે. બ્રેસ્ટ કેન્સરનું ઉદાહરણ લઈએ તો 2025માં ઊંચી આવક સાથેના 90 ટકા દેશોમાં 60 ટકાથી વધુ કેસીસનું વેળાસર નિદાન કરાયું હતું, જેની સરખામણીએ ઓછી આવક સાથેના દેશોમાં માત્ર 28 ટકા કેસીસમાં સમયસર નિદાન થઈ શક્યું હતું. IARC દ્વારા બ્રેસ્ટ, ફેફસાં, કોલોરેક્ટલ, સર્વાઈકલ, જઠર, લ્યૂકેમિયા અને ત્વચાના કેન્સર મેલેનોમા સહિત 36 પ્રકારના કેન્સર બાબતે 185 દેશોના ડેટા તપાસી વિશ્લેષણ કરાયું હતું. એનાલિસીસ અનુસાર સબ-સહારાન આફ્રિકાની સ્ત્રીઓમાં લગભગ 10માંથી 4 (38.2 ટકા) નવા કેન્સર નિદાન સુધારી શકાય તેવા હતા. બીજી તરફ, ઈસ્ટ એશિયન વિસ્તારોમાં પુરુષોમાં અટકાવી શકાય તેવા નવા કેન્સરના નિદાન 10માંથી 6 (57.2 ટકા) હતા.
•••
ચરબીથી ભરપૂર આહાર લાંબા ગાળે સ્મરણશક્તિને ઘટાડે
ચરબીથી ભરપૂર આહાર આપણને કેટલું નુકસાન કરે છે તે આપણે બધા જાણીએ છીએ. ચરબીથી શરીર વધે એટલે હૃદયરોગ સહિતના કાર્ડિયોવાસ્કુલર રોગો, ડાયાબિટીસને વગર જોઈતું આમંત્રણ મળી જાય છે. જોકે, ઊંદરો પર કરાયેલો અને જર્નલ ‘ન્યૂરોન’માં પ્રકાશિત અભ્યાસ જણાવે છે કે હાઈ ફેટ ડાયેટથી થોડા જ દિવસોમાં યાદશક્તિને ખરાબ અસર થાય છે. હૃદયરોગો, સ્ટ્રોક અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારતી આરોગ્યની સ્થિતિ મેટાબોલિક સિન્ડ્રોમ સાથે સ્મરણશક્તિની સમસ્યાઓ સંકળાયેલી છે. ઉંદરો પરનો અભ્યાસ એવા મિકેનિઝમને ઓળખી બતાવે કે હાઈ ફેટ ડાયેટ ચોક્કસ ન્યૂરલ સર્કિટરીને અસર કરે છે જેનાથી સ્મરણોની રચનામાં અવરોધો ઉભા થાય છે. જો કોઈ વ્યક્તિને પેટમાં ચરબીનું ઊંચુ સ્તર, લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સનું ઊંચુ પ્રમાણ, સારા કોલેસ્ટરોલ ‘HDL’નું નીચું પ્રમાણ, હાઈ બ્લડ સુગર પ્રમાણ અને ઊંચા બ્લડ પ્રેશરની પાંચ કન્ડિશનમાંથી ત્રણ કે વધુ સ્થિતિ દેખાય ત્યારે ડોક્ટર તે વ્યક્તિને મેટાબોલિક સિન્ડ્રોમનું નિદાન કરી શકે છે. સંશોધનોએ દર્શાવ્યું છે કે મેટાબોલિક સિન્ડ્રોમ નબળી યાદદાસ્ત, અલ્ઝાઈમર ડિસીઝ જેવા ન્યૂરોડિજનરેટિવ રોગો અને જ્ઞાનેન્દ્રિયોની ઘટતી કાર્યક્ષમતા સાથે સંકળાયેલું છે. આપણું મગજ ઊર્જાભૂખ્યું અંગ છે શરીરના વજનનો માત્ર 2 ટકા હિસ્સો ધરાવતું હોવાં છતાં તે આશરે 20 ટકા એનર્જીનો વપરાશ કરે છે. ઈંધણની આટલે ભારે જરૂરિયાત હોવાથી આપણે ખોરાકમાં શું લઈએ છીએ તેની સાથે તેને સીધો સંબંધ છે. કેટલાક અભ્યાસો અનુસાર સ્મરણોની રચના કે ઘડતર માટે મહત્ત્વપૂર્ણ મગજના હિપ્પોકેમ્પસ વિસ્તારને ચરબીથી ભરપૂર આહાર નુકસાન પહોંચાડે છે. મગજનું નબળું આરોગ્ય અને હાઈ-ફેટ ડાયેટ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ છે, પરંતુ ચોક્કસ મિકેનિઝમ બાબતે અસ્પષ્ટતા છે. આની જાણકારી મેળવવા સંશોધકોએ ઊંદરોને બે દિવસ સુધી 58 ટકા ચરબી, 25 ટકા કાર્બોહાઈડ્રેટ અને 17 ટકા પ્રોટીન સાથેના ખોરાક પર રાખી તેમની જ્ઞાનેન્દ્રિયોની કામગીરી ચકાસી હતી.
•••


