60 પછી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો જરૂરી

Wednesday 20th March 2024 09:16 EDT
 
 

ડાયાબિટીસ એ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી એવી શારીરિક સમસ્યા છે, જેની ઉપેક્ષા શરીરમાં અન્ય ગંભીર બીમારીઓને નોતરી શકે છે. વધતી ઉંમર સાથે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો અઘરું જરૂર બની જાય છે, પરંતુ આમ નહીં કરો તો ઈન્ફેક્શનનો ભય વધી જશે તે પણ હકીકત છે. સાથે સાથે જ તે હૃદય, કિડની, સ્નાયુઓ અને આંખો માટે પણ નુકસાનકારક પુરવાર થશે. આ ઉપરાંત તેનાથી ડિમેન્શિઆ જેવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. આવી સ્થિતિ ટાળવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે વડીલોએ દવાઓથી માંડીને તેમની જીવનશૈલી સુધીની દરેક બાબતમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આ માટે આટલું અવશ્ય કરો...

• શરીરમાં ગ્લુકોઝ લેવલ નિયમિત ચકાસતા રહો. તમારી ઉંમર 60 કરતાં વધારે હોય અને જો તમને ડાયાબિટીસ છે તો તમારે સમયાંતરે બ્લડ શુગર લેવલની તપાસ કરાવતા રહેવું જરૂરી છે. આ માટે જમતા પહેલાં અને એક જમ્યાં પછી એમ દિવસમાં ઓછામાં ઓછી બે વખત શુગર ચેક ચોક્કસથી કરાવવું. તેમાં પણ ખાસ કરીને ઇન્સ્યુલિન લેનારા લોકો કે જેમને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મુશ્કેલી હોય અથવા જેમને હાઇપોગ્લાયકેમિઆ (લો બ્લડ શુગર) હોય તેઓએ તેમના બ્લડ શુગરની નિયમિત તપાસ કરાવતા રહેવું જરૂરી છે, કારણ કે લો બ્લડ શુગરમાં તમને ચક્કર આવવા, વધારે પરસેવો થવો, ભૂખ લાગવા જેવી સમસ્યાઓ સતત રહે છે. હાઇપોગ્લાયકેમિઆમાં તરત જ ખાંડ અથવા કંઈ પણ ગળ્યો પદાર્થ આરોગવો જેથી તરત જ તમારું શુગર લેવલ કંટ્રોલમાં આવી જાય.

• ગળ્યા ખાદ્ય પદાર્થો આરોગવાનું ટાળો. ગળ્યા પદાર્થો ઉપરાંત ઘણી ખાદ્ય સામગ્રી એવી છે જેમાં શુગરનું ઉંચુ પ્રમાણ રહેલું હોય છે. હાઇ કેલેરીયુક્ત અને કાર્બ્સવાળા ખાદ્ય પદાર્થોમાં પણ શુગરનું પ્રમાણ વધારે હોય છે, જેમાં ઠંડા પીણા, તળેલો આહાર અને ખાંડવાળી મીઠાઈઓનો પણ સમાવેશ થાય છે. કાર્બોહાઇડ્રેટ્સવાળા આહારમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે, જે સીધું ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય છે. આ માટે ખાંડથી ભરપૂર ખાદ્ય આહારનું સેવન ટાળવું તમારા હિતમાં છે.

• નિયમિત કસરત કરો. સપ્તાહમાં પાંચ દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. જ્યારે તમે કસરત કરો છો ત્યારે પરસેવો થાય છે અને શુગર બર્ન થાય છે, તેનાથી મેટાબોલિઝમ સારું રહે છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત તમે દિવસમાં ત્રણ વખત 10-10 મિનિટના અંતરાલમાં પણ કસરતને વિભાજિત કરી શકો છો. તેનાથી સ્નાયુઓ મજબૂત બને છે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.

• સમયસર દવાનું સેવન કરો. ઉંમર વધવાની સાથે યાદશક્તિ નબળી પડતી જાય છે. યાદશક્તિ નબળી પડતાં વસ્તુઓ યાદ રહેતી નથી અને ઘણી વખત તો દવા લેવાનું પણ ભૂલી જવાય છે. આવું ના થાય તે માટે તમે દવા લેવાના સમયનો એક ચાર્ટ બનાવી લો અને તેને તમારા બેડની બાજુમાં જ રાખો. આ ઉપરાંત તમારા મોબાઈલમાં અલાર્મ મૂકીને રિમાઈન્ડર પણ લગાવી શકો છો. ટૂંકમાં, નિયત સમય પર દવાઓ લેવાનો આગ્રહ રાખશો તો ડાયાબિટીસ અવશ્ય નિયંત્રણમાં રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter