80 વર્ષની વયે પણ મગજને તેજ રાખશે આ 6 આદત

Tuesday 05th May 2026 10:16 EDT
 
 

શું આપણું મગજ 80 વર્ષની ઉમર પછી પણ 40-50 વર્ષની વ્યક્તિ જેવું તેજ રહી શકે છે? નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું સંશોધન અને અમેરિકન ફેડરેશન ફોર એજિંગ દ્વારા કરવામાં આવેલો સુપરએજર્સ સ્ટડી રિપોર્ટ કહે છે કે જો વ્યક્તિની લાઇફસ્ટાઇલ યોગ્ય હોય તો ચોક્કસપણે આ શક્ય છે. આ તબીબી અભ્યાસ દરમિયાન એવા વડીલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમની યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા તેમની ઉંમર કરતાં પણ વધુ સારી હતી. તેમના બ્લડ ટેસ્ટ, એમઆરઆઈ અને ન્યુરોસાયકોલોજિકલ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જે વડીલોનું મગજ તેજ કામ કરી રહ્યું હતું તેમની જીવનશૈલી, ખાનપાન અને યોગ-વ્યાયામનો સમય પણ નોંધવામાં આવ્યો હતો.
અમેરિકન સ્ટડીમાં 95 વર્ષ કે તેથી વધુ ઉમરના એવા સુપરએજર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે. જ્યારે ‘એઇમ્સ’ના સંશોધનમાં 80 કે તેથી વધુ ઉમરના વડીલો અને 25 થી 50 વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બન્ને અભ્યાસમાં વડીલ વ્યક્તિની જીવનશૈલીથી લઇને ખાણીપીણી સહિતની આદતોનો અભ્યાસ કરાયો હતો. આ બંને સંશોધનોનો નિષ્કર્ષ એ છે કે ઉમર પર જીન કરતા રોજિંદી આદતોની વધુ અસર થતી હોય છે. મતલબ કે યોગ્ય દિનચર્યા અપનાવીને ઘડપણમાં પણ યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા મજબૂત બનાવી શકાય છે. આ ઊંડાણભર્યા તબીબી સંશોધનમાંથી તારવવામાં આવેલી 6 આદતો વિશે અહીં માહિતી રજૂ કરી છે.

1) નિયમિત ચાલો કે કસરત કરો

મોટી વયે સૌથી મહત્ત્વનું હોય છે મગજ સુધી વ્યવસ્થિત લોહી પહોંચતું રહે. અને આનો સૌથી અસરકારક અને એકદમ સરળ રસ્તો છે નિયમિત ચાલવું કે હળવી કસરત કરવી. રોજ 20-30 મિનિટ ઝડપી ગતિએ ચાલો. જો ઘૂંટણમાં દુખાવો હોય તો હળવી કસરત કરો.
ફાયદોઃ મગજમાં રક્ત પરિભ્રમણ વધારો થાય છે. માનસિક સુસ્તી અને થાક ઓછો થાય છે.

2) લોકો સાથે જોડાયેલા રહો

જો તમે મિત્રો-સ્વજનો સાથે જોડાયેલા રહેશો તો વધતી ઉંમરમાં એકલતાના જોખમથી બચી શકશો. આ માટે પરિવારજનો, પાડોશીઓ કે મિત્રો સાથે વાત કરો. પૌત્ર-પૌત્રીઓ સાથે સમય વિતાવો.
ફાયદોઃ મગજ સક્રિય રહે છે, ડિપ્રેશન અને ભૂલવાની સમસ્યા ઓછી થાય છે.

3) યોગ-અભ્યાસ કરો

યોગ-ધ્યાનમાં મન પરોવશો અને તેને તમારી જીવનશૈલીનો નિયમિત હિસ્સો બનાવશો તો ઘણા લાભમાં રહેશો. આનાથી તણાવ ઓછો થશે અને ફોકસ પણ સારું થાય છે. આ માટે 5-10 મિનિટ ઊંડા શ્વાસ લો. 4 સેકન્ડ અંદર લો, 4 સેકન્ડ રોકો, 6 સેકન્ડમાં બહાર કાઢો.
ફાયદોઃ સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે. યાદશક્તિની સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.

4) ઘરનું સંતુલિત ભોજન

વ્યક્તિની ઉંમર ભલે નાની હોય કે મોટી, પરંતુ તેના મગજની અસલી ઉર્જાનો સ્ત્રોત છે પૌષ્ટિક અને સંતુલિત ભોજન. રોજિંદા ભોજનમાં દાળ-રોટલી, શાકભાજી, દહીં ઉપરાંત દિવસ દરમિયાન બદામ અને અખરોટ ખાઓ. ખાંડ, તેલ, નમક તો ભોજનમાં જેટલું ઘટાડો એટલું સરવાળે સારું જ છે.
ફાયદોઃ બ્લડ પ્રેશર અને સુગર નિયંત્રિત રહે છે. હૃદય અને મગજ બંને સ્વસ્થ રહેશે તો ઘણી શારીરિક વ્યાધિને ટાળી શકશો.

5) પૂરતી અને સારી ઊંઘ

શરીરની જ નહીં, મગજની સફાઇ પણ એટલી જ જરૂરી છે. પૂરતી અને સારી ઊંઘ મગજની સફાઈનું કામ કરે છે અને હોર્મોન્સને સંતુલિત રાખે છે. આ માટે 7-8 કલાકની ઊંડી ઊંઘ લો. સૂતાં પહેલાં એક કલાક અગાઉ જ મોબાઈલ અને ટીવી બંધ કરી દો. મગજ શાંત હશે તો જલ્દી ઊંઘ આવી જશે, અને આ ઊંઘ ગાઢ હશે.
ફાયદોઃ ઊંઘમાં મગજ રીસેટ થાય છે. વિચારવાની ક્ષમતા તેજ રહે છે. શરીરમાં રહેલા આંતરિક કોષો આપમેળે રિપેર થાય છે.

6) નિયમિત તબીબી તપાસ

વયના વધવા સાથે નિયમિત તબીબી તપાસ થતી રહે તે બહુ જરૂરી છે. આનાથી તમે મોટી બીમારીને ટાળી શકશો. આવી તપાસથી તમને ભાવિ બીમારી વિશેનો આગોતરો અંદાજ મળી જતો હોવાથી સમયસર સારવાર શરૂ થઇ જાય છે. ઉપચાર કરતાં રોગને ઉગતો અટકાવવામાં જ સમજદારી છે. અને જો કદાચ બીમારીનું નિદાન થાય તો પણ તણાવ નથી રહેતો. વર્ષમાં એક વાર સુગર, બ્લડપ્રેશર, વિટામિન-ડી, થાઈરોઈડ જેવી તપાસ ખાસ કરાવો.
ફાયદોઃ કોઇ પણ બીમારીનું નિદાન શરૂઆતમાં થઇ જવાથી સારવાર કરવાનું આસાન થઇ જાય છે. મગજની કાર્યક્ષમતામાં ઘટાડો થતો અટકે છે. વિચારવાની ક્ષમતા તેજ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter