NHS ડોક્ટરોએ નસોમાંથી લોહીના ગઠ્ઠા ખેંચી કાઢતું સાધન વિકસાવ્યું

Wednesday 15th May 2019 08:35 EDT
 
 

લંડનઃ શહેરનાં ૫૫ વર્ષીય જેકી ફિલ્ડ દુનિયાનાં પહેલા એવા દર્દી બન્યા છે, જેમના પગના નીચેના હિસ્સામાંથી બ્લડ ક્લોટને વર્ટેક્સ થ્રોમ્બેક્ટોમી કેથેટર ડિવાઇસની મદદથી દૂર કરવામાં આવ્યા છે. હવે તેના જીવન પર કોઈ ખતરો નથી. આ લાઇફસેવિંગ ડિવાઇસ બનાવવાનો શ્રેય બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો અને સંશોધકોને જાય છે.
જેકીને ડીપ વેન થ્રોમ્બોસિસની સમસ્યા હતી. તેમાં વ્યક્તિના શરીરના નીચેનાં ભાગના અંગોની નસોમાં લોહીની ગાંઠો બની જાય છે. આથી પગમાં સોજા આવી જાય છે. ચાલવું ભારે મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અડધાથી વધુ મામલામાં આ રોગની આગોતરી ખબર જ નથી પડતી. જ્યારે હૃદય અને ફેફસાંમાં લોહીના પરિભ્રમણમાં અવરોધ આવે છે અને જિંદગીમાં જોખમ વધી જાય છે ત્યારે આ બીમારીની જાણકારી મળે છે.
એક અભ્યાસ અનુસાર, માત્ર બ્રિટનમાં જ છ લાખ લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. દર વર્ષે ૨૫ હજાર લોકોનાં મૃત્યુ થાય છે.
જેકીએ કહ્યું હતું કે, ગયા વર્ષે નવેમ્બરમાં રાત્રે તેને અચાનક પગના પાછલા ભાગમાં ભયંકર દર્દ થયું. એ દર્દથી તેઓ ફસડાઇ પડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં. સેન્ટ થોમસ હોસ્પિટલના ડોક્ટરોને આ ડિવાઇસનો ઉપયોગ કરવા માટે આ તક યોગ્ય લાગી. ડોક્ટરોનું કહેવું છે કે, જેકીનો ઇલાજ પરંપરાગત પદ્ધતિથી શક્ય ન હતો એટલે તેમણે આ ડિવાઇસનો ઉપયોગ કર્યો.

બ્લડ ક્લોટ કઈ રીતે હટાવાય છે?

• કેથેટરને બ્લડ ક્લોટ ધરાવતી નસમાં મોકલાય છે. ત્યાર પછી ચોક્કસ જગ્યાએ તેને સ્થિર કરાય છે. • ધીમે ધીમે સ્ટેન્ટને લોહીના ગઠ્ઠાની બિલકુલ વચ્ચે પહોંચાડાય છે. ગઠ્ઠામાં જઈને તે ફેલાઈ જાય છે. • ફેલાયેલું સ્ટેન્ટ નસની દીવાલો પરથી ક્લોટિંગ દૂર કરે છે અને તે બગાડ પણ બહાર ખેંચી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter