NHSમાં વર્ષે £૧.૨૫ બિલિયનની ચોરી!

Wednesday 06th February 2019 01:58 EST
 
 

લંડનઃ લાલચ બુરી બલા હૈ. NHS માં કૌભાંડોની હારમાળા ચાલતી રહે છે, તેમાં દર વર્ષે આશરે ૧.૨૫ બિલિયન પાઉન્ડના માલસામાનની ચોરીનો પણ સમાવેશ થાય છે. આટલી રકમમાં તો ૪૦,૦૦૦ નર્સ પાસેથી કામ મેળવી શકાય. બીબીસી વન દ્વારા પાંચ ભાગની સીરિઝ Fraud Squad NHS નું પ્રસારણ થવાનું છે, જેમાં આરોગ્ય સંસ્થામાં ચાલતી છેતરપીંડીઓની તપાસ કરવા સ્થપાયેલી એનએચએસ કાઉન્ટર ફ્રોડ ઓથોરિટીની કામગીરી દર્શાવાશે. ગયા વર્ષે ૭૦૦,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી બદલ NHSના ત્રણ મેનેજરને જેલની સજા કરાઈ હતી. વર્ષે ૫૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવતા લિવરપૂલના એક જીપી પોતાની આવક વધારવામાં ઝડપાઈ ગયા હતા. આ સીરિઝ કન્ઝ્યુમર ચેમ્પિયન મિશેલ એકર્લી દ્વારા રજૂ કરાઈ છે.

સ્કોટલેન્ડની એક હોસ્પિટલમાં કેન્સરના પેશન્ટનું ઓપરેશન રદ કરાયા પછી તપાસમાં જાણવા મળે છે કે જરૂરી સાધનોની ટ્રે મળતી ન હતી. આ ટ્રેમાં ૧૦,૦૦૦થી ૧૪,૦૦૦ પાઉન્ડની કિંમતના સાધનો હતા. વધુ તપાસ થતાં મોટા પાયે ચોરીનો કિસ્સો બહાર આવ્યો હતો. ૧.૩ મિલિયન પાઉન્ડની કુલ ૧૩૪ ટ્રે ગુમ થઈ હતી. આ ચોરીનો ગુનેગાર ઈર્વિનમાં આયરશાયર સેન્ટ્રલ હોસ્પિટલમાં સર્જિકલ સાધનોને સ્વચ્છ અને સ્ટરીલાઈઝ કરવાની જવાબદારી ધરાવતો ડેનિયલ ડ્રેઘોર્ન હતો. NHSના તપાસકારો અને તે પછી, પોલીસ તપાસમાં જણાયું કે ડ્રેઘોર્ન ચોરીનો સામાન ઊંચી કિંમતે ઓનલાઈન વેચી દેતો હતો. આ ગુના બદલ તેને ૨૦૧૫માં ચાર વર્ષની જેલની સજા કરાઈ હતી.

આ સીરિઝમાં ગ્રાન્ટ અને એલાવન્સીસના ખોટા ક્લેઈમ્સ કરી કોસ્મેટિક સર્જરી અને રજાઓ ગાળવામાં નાણાં ખર્ચતી સ્ટુડન્ટ નર્સથી માંડી હોસ્પિટલો સાથે ૧૨ મિલિયન પાઉન્ડથી વધુની ઠગાઈનું કૌભાંડ કરનારા ક્રિમિનલ્સના ગુના ખુલ્લા પાડવામાં આવ્યા છે. વૂલીચમાં મેમોરિયલ હોસ્પિટલના એકાઉન્ટ વિભાગમાં કામ કરતી બ્રેન્ડા મનીએ NHS પાસેથી લગભગ ૩૦૦,૦૦૦ની ઠગાઈ કરી હતી. તે હોસ્પિટલની પેટી કેશ પોતાના બેન્કખાતામાં જમા કરાવતી હતી. તેને પણ ૬૧ વર્ષની વયે ૨૦૧૫માં જેલની સજા થઈ હતી.

બ્લેકપૂલ નજીક વ્યસ્ત જીપી પ્રેક્ટિસના બિઝનેસ ડાયરેક્ટર માઈકલ જર્માઈન વર્ષે ૫૦,૦૦૦ પાઉન્ડ ઉપરાંત બોનસની આવક મેળવતા હતા. તેમણે ઈમેઈલમાં ખોટી રીતે સુધારો કરી પોતાને જ ભારે પગારવધારો કરી આપ્યો હતો. ઠગાઈ બહાર આવતા તેને ગયા વર્ષની જાન્યુઆરીમાં એક વર્ષ સુધી સસ્પેન્ડ કરાયેલી ૫૦ સપ્તાહની જેલની સજા કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter