અજાણ્યા લોકો સાથે અચાનક થતી વાતો ખુશીમાં વધારો કરે છે

સ્વાસ્થ્ય - મૂડ તો સુધરશે જ, દુનિયા પ્રત્યેનું તમારું વલણ પણ બદલાશે

Wednesday 06th March 2024 06:44 EST
 
 

શું તમે પણ અજાણ્યા લોકો સાથે વાતચીત કરતા ખચકાટ કે સંકોચ અનુભવે છો? જો તમારો જવાબ ‘હા’ હોય તો પણ મુંઝાવા જેવું નથી. હકીકત તો એ છે કે મોટા ભાગના લોકો સાથે આવું જ થાય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે આ ખચકાટ - સંકોચના પરિણામે તમે તમારું સ્વાસ્થ્ય - મૂડ સુધારવાનો સોનેરી મોકો ગુમાવી દો છો.

સસેક્સ યુનિવર્સિટીમાં સોશ્યોલોજી ઓફ કાઇન્ડનેસના પ્રો. ગિલિયન સેન્ડસ્ટ્રોમ કહે છે કે અપરિચિત લોકો સાથે આ પ્રકારની ટૂંકી વાતચીત સ્વાસ્થ્ય, સુખ, મનોદશા અને સમગ્ર સુખાકારીમાં વધારો કરી શકે છે. પ્રો. સેન્ડસ્ટ્રોમના મતે આપણે માનીએ છીએ કે લોકો આપણી સાથે વાત કરવામાં રસ નહીં લે કે પસંદ નહીં કરે. પરંતુ સંશોધન દર્શાવે છે કે આપણે જેટલું વિચારીએ છીએ તેના કરતાં ઘણા વધુ લોકો આપણને પસંદ કરે છે.

અવસરને ટ્રેઝર હન્ટ તરીકે જૂઓઃ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વાતચીતનું કૌશલ્ય શીખનાર એલિસન બ્રૂક્સ નાની નાની વાતોથી ઉત્સાહિત થઈ જાય છે. તેઓ કહે છે, ‘મોટા ભાગના લોકો (એમબીએ વિદ્યાર્થીઓ પણ) અજાણ્યા લોકો સાથે વાતચીત કરતા ખચકાય છે કે આમ કરવાથી બચે છે. આ અભિગમને બદલવા માટે સૌપ્રથમ તો એ સ્વીકારવું જ રહ્યું કે આકસ્મિક વાતો અનિવાર્ય છે. તે સામાજિક ઔપચારિકતા છે, જેમાં અજાણ્યાઓ સાથે તમારે જોડાવું જ પડશે. તેને ટ્રેઝર હન્ટ તરીકે જુઓ, કોણ જાણે છે કે આ ટૂંકી ચર્ચાઓ તમને ક્યાં મુકામ પર લઈ જઈ શકે?

મફત માહિતીનો લાભ લોઃ કોમ્યુનિકેશન સ્કિલ એક્સપર્ટ ડેબરા ફાઈન કહે છે કે પ્રવાસ દરમિયાન ક્યારેક પ્લેનમાં બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિને પૂછો કે શું તે આ પહેલાં તે સ્થળે જઈ ચૂક્યા છે? ડેબરા તેને ફ્રી ઇન્ફર્મેશન કહે છે. જો તમે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છો તો સાથી રનરને પૂછી શકો છો કે સફળ થવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે? શું તમે ક્યારેય મેરેથોન જીતી છે?.. ડેબરા કહે છે, ‘આવી કોશિશથી તમારી લાંબી વાતચીત થઈ શકે છે.’
ઓછા મહત્ત્વના વિષય ટાળોઃ એલિસન બ્રુક્સ કહે છે કે ‘ચર્ચાના વિષયોને પિરામિડ તરીકે જુઓ, વાતાવરણમાં ફેરફાર... વિષય ચર્ચા માટે યોગ્ય છે, પરંતુ જો 15 મિનિટ તેના પર વાત કરતા રહેશો તો તમે ફસાઈ જશો. આના બદલે વ્યક્તિગત વિષયો પસંદ કરો. ઉદાહરણ તરીકે તમે સાથીદારને પૂછી શકો છો કે તેનો વિકએન્ડ કેવો રહ્યો? જો તે કહે કે સંગીતના કાર્યક્રમમાં ગયા હતા તો સમજો તમને ખજાનો મળી ગયો. હવે તમે ઘણા બધા પ્રશ્નો પૂછી શકો છો. જેમ કે, કાર્યક્રમનો ક્યો ભાગ તમને વધુ ગમ્યો? ક્યા સંગીતકાર તમારા ફેવરિટ છે? વગેરે વગેરે. તમારી ચર્ચા આગળ વધતી જ જશે.
આવા પ્રશ્નો અચૂક ટાળોઃ લગ્ન, બાળકો અને કામ વિશેના પ્રશ્નો ટાળવા જરૂરી છે. વિવાદાસ્પદ વિષયોથી પણ દૂર રહો. વૈવાહિક સ્થિતિ, સંતાનો અને નોકરી જેવા મુદ્દાઓને તમારી વાતચીતમાં સામેલ ના કરો. તમે એ રીતે પૂછી શકો કે કામ સિવાયની કઈ વાતમાં વ્યસ્ત રહો છો?
લેખક ડાયને વિન્ડિંગલેન્ડ કહે છે કે ખુલ્લા મને જવાબ આપો. તેઓ કહે છે કે અપરિચિત વ્યક્તિ સાથેની તમારી વાતચીતને રમત તરીકે જૂઓ. તમે જેટલી વધુ ઊર્જા લગાવશો, તેટલાં સારાં પરિણામો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter