લંડનઃ જીવલેણ કોરોના વાઈરસ સામે ૧૪૯ દિવસ ઝઝૂમ્યા પછી ૬૩ વર્ષના અનિલભાઈ પટેલને પહેલી ઓક્ટોબરે ઈલફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બધાએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. હવે તેઓ સઘન સારવાર અને આરામ માટે રેસિડેન્શિયલ રિહેબ સેન્ટરમાં રહેવા જશે. તેમણે કોવિડ-૧૯ અંગેના નિયંત્રણોનું પાલન નહિ કરનારા લોકોને ચેતવણી આપી તેને હળવાશથી નહિ લેવાની સલાહ પણ આપી છે.
અનિલભાઈ કોરોનાને સૌથી લાંબી લડત આપનારા બ્રિટનના બીજા પેશન્ટ છે. અગાઉ, સ્કોટલેન્ડના એડિનબરાના બ્રિઆન મીઅર્ન્સે વિક્રમજનક ૧૭૨ દિવસ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
લંડનના ચાડવેલ હીથના નિવાસી અનિલભાઈ મે મહિનાની શરૂઆતમાં કોવિડ-૧૯નો શિકાર બન્યા હતા. કોરોના સામે લડતની ૧૪૯ દિવસની લાંબી સારવાર દરમિયાન તેમને ચાર મહિના સુધી તો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી બે મહિના સુધી તેમને ભારે ડોઝ આપીને બેભાન અવસ્થામાં રાખવાની ફરજ પડી હતી. તેમણે ઓગસ્ટ મહિનામાં પોતાનો ૬૩મો જન્મદિવસ પણ પરિવારજનોથી દૂર હોસ્પિટલની પથારીમાં જ ઉજવવાની ફરજ પડી હતી. જોકે, સ્ટાફે મોટા બર્થડે કાર્ડ અને ગીતો ગાઈને જન્મદિનને યાદગાર બનાવ્યો હતો.
બે માસનું કંઇ યાદ નથી
હોસ્પિટલમાં દાખલ થયા તે દિવસને યાદ કરતા અનિલભાઇ કહે છે કે, ‘મને યાદ છે કે મારી દીકરી એમ્બ્યુલન્સ બોલાવી રહી હતી અને મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે પછીના બે મહિના શું થયું તે મને કશું યાદ નથી. હોસ્પિટલમાં મેં ગાળેલો સમય ભારે ઉતાર-ચડાવ ધરાવતો હતો. કેટલીક વાર મને ખૂબ જ ગુસ્સો આવતો હતો અને તેને લોકો પર ખોટો વરસાવી દેતો હતો પરંતુ, પાછળથી હંમેશાં માફી પણ માગી લેતો હતો. હવે મને નવજીવન મળ્યું છે અને તે હોસ્પિટલના સ્ટાફને આભારી છે. તેમણે મારું જીવન બચાવ્યું અને મારી કાળજી લીધી છે.’
પરિવારની ખોટ સાલે છે
દર્શીબહેન સાથે લગ્ન કરેલા બિલ્ડિંગ મેનેજર અનિલભાઈ અનિકા (૨૮) અને નિકીતા (૨૭), એમ બે દીકરીના વહાલસોયા પિતા છે. તેમની બંને દીકરીઓનો જન્મદિવસ નવેમ્બરમાં આવે છે ત્યારે તેને પરિવાર સાથે ઉજવવા આતુર અનિલભાઈ વેળાસર ઘેર પહોંચી જવાય તેવી આશા સેવી રહ્યા છે. તેઓ કહે છે કે, ‘મારો પરિવાર ઘણો પ્રેમાળ છે અને હું તેમની પાસે પહોંચી જવા ઉત્સુક છું. અમે વીડિયો કોલિંગ કરીએ છીએ પરંતુ, તેમાં મજા નથી. હું અત્યાર સુધી તેમને માત્ર એક વખત મળી શક્યો છું જ્યારે હોસ્પિટલના સ્ટાફ મને તેમને જોવા લઈ ગયો હતો. આ ઘણી સંવેદનશીલ પળો હતી. હોસ્પિટલમાં મારા લાંબા રોકાણ દરમિયાન પરિવાર સાથે સંપર્કે જ મને વ્યસ્ત રાખ્યો હતો. મારો ૯૦ ટકા સમય ફોન પર વાતચીતમાં જ પસાર થયો હતો. સ્ટાફ તેમજ અન્ય પેશન્ટ્સ સાથે પણ વાતચીતનો આનંદ માણ્યો હતો. મારે ત્રણ બહેનો, ભાણીઓ અને ભાણેજો અને સંખ્યાબંધ સારા મિત્રો છે.’
લાપરવાહ ન બનો
લાંબા સંઘર્ષ પછી કોરોના સામે વિજય મેળવનારા અનિલભાઈ મહામારી દરમિયાન લોકોને સલામત રાખવા માટે બનાવાયેલા નિયમોનું પાલન નહિ કરનારા લોકોને ગંભીર સંદેશો આપે છે.
તેઓ કહે છે કે, ‘હું જે સ્થિતિમાંથી પસાર થયો તેમાંથી અન્ય કોઈને પસાર થવું ન પડે તે હું ઈચ્છું છું. આથી, દરેક જણે માસ્ક પહેરવો જોઈએ અને શક્ય તમામ કાળજી લેવી જોઈએ. લોકો જે નથી કરવાનું તે કરી રહ્યા છે તેના વિશે સાંભળીને મને ગુસ્સો પણ આવે છે. મારા જેવાને પીડા સહન કરતા જોયા હોય તો તેઓ પોતાનું મન બદલી નાખશે.’
એડિનબરાના બ્રિઆન મીઅર્ન્સે માર્ચ મહિનામાં કોરોના વાઈરસના સંક્રમણ પછી હોસ્પિટલમાં દાખલ થઈ વિક્રમજનક ૧૭૨ દિવસ લાંબી સારવાર મેળવી હતી. સારવાર કરનારા ડોક્ટર્સ અને પરિવારજનોએ તેમના જીવવાની આશા છોડી દીધી હતી અને ચાર વખત તેમને અંતિમ વિદાય આપવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે દરેક વખતે બ્રિઆનનું મક્કમ મનોબળ જીત્યું હતું અને આખરે કોરોના સામેના જંગમાં તેમણે માત મેળવી હતી.