યોગાભ્યાસની ચાહક 79 વર્ષીય અભિનેત્રી હેલન મિરેને પ્રૌઢાવસ્થામાં આવેલા લોકો માટે સલાહ આપી છે કે પ્રૌઢ લોકોએ ફિટ રહેવા માટે જીમમાં જોડાવું જરૂરી નથી માત્ર જીવનશૈલીમાં વ્યાયામ સહિત નાના ફેરફારો કરવા જોઈએ. સ્વાસ્થ્યમાં પરિવર્તન લાવી શકે તેવા નાના ફેરફારો કરવામાં ક્યારેય વિલંબ નડતો નથી. પ્રૌઢ લોકોએ વૃદ્ધ થવાનો ડર ન રાખવો જોઈએ, પરંતુ વૃદ્ધાવસ્થાને આશાવાદ અને વ્યવહારિક પ્રવૃત્તિઓ સાથે તૈયારીના રૂપમાં નિહાળવી જોઈએ. ચાલીસી અને પચાસીમાં જીવતા લોકોએ તેમના દૈનિક જીવનમાં ચાલવા અને યોગાભ્યાસ જેવી નાના પ્રમાણમાં કરાયેલી કસરતો પણ મહત્ત્વના લાભ આપે છે.
હેલન મિરેન રોયલ કેનેડિયન એર ફોર્સ (RCAF)ના XBX વર્કઆઉટ પ્લાનની હિમાયતી છે. 12 મિનિટના આ પ્લાનમાં અંગૂઠા પકડવા, સિટ-અપ્સ, પુશ-અપ્સ અને એક જ સ્થળે દોડવા જેવી પાયાની કસરતોનો સમાવેશ થાય છે. RCAFની મહિલાઓ માટે 1950ના દાયકામાં મૂકાયેલો XBX પ્લાન શક્તિ, શારીરિક લચકતા અને સહનશક્તિના નિર્માણ માટે આજે પણ લોકપ્રિય છે. મિરેન એમ પણ કહે છે કે, ‘કશું શરૂ કરવામાં ક્યારેય મોડું થતું નથી, તો તમે યુવાન હોવાના સમયે જ શા માટે પ્રયાસ ન કરી શકો?”
ચેરિટી Age UKએ 50-65 વયજૂથના લોકોને કસરતોને તેમના રોજિંદા જીવનનો ચાવીરૂપ હિસ્સો બનાવવા અપીલ કરી લોકોના વૃદ્ધ થવા સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા દર્શાવી છે તેના સંદર્ભમાં મિરેનની ટિપ્પણીઓ મહત્ત્વની છે. કાન્ટાર (Kantar ) દ્વારા 50-65 વયજૂથના 2,000થી વધુ બ્રિટિશરોનો પોલ લેવાયો ત્યારે લગભગ અડધા લોકોએ તેઓ પૂરતી કસરત કરતા ન હોવાનું જણાવ્યું હતું. નિયમિત કસરતના મુખ્ય અવરોધો તરીકે, આરોગ્યની સમસ્યાઓ, ફિટનેસનો અભાવ અને સમયના નિયંત્રણો જવાબદાર હોવાનું જણાવાયું હતું.
લૂઝ વુમનની પ્રેઝન્ટર અને કેમ્પેઈનની અન્ય દૂત ડેનિસ વેલ્ચે મિરેનના શબ્દોનો પડઘો પાડતાં જણાવ્યું હતું કે, ‘આપણે વૃદ્ધ થતાં જઈએ ત્યારે જીવન કેટલું મુશ્કેલ બની શકે છે તે તેમણે પોતાની આંખે જોયું છે. વહેલી વયે કરેલા નાના ફેરફારો આપણા પાછળનાં વર્ષોની ગુણવત્તાને ખરેખર બદલી શકે છે.’
ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર સર ક્રિસ વ્હિટ્ટીએ પણ તેમના 2023ના વાર્ષિક અહેવાલના તારણોને હાઈલાઈટ કર્યા હતા, જેમાં દર્શાવાયું હતું કે XBX પ્રોગ્રામમાં સમાવિષ્ટ સરળ શારીરિક-વજનની કસરતો નબળાઈ અટકાવવામાં અને પાછળના જીવનમાં સ્વતંત્રતા જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પ્રૌઢાવસ્થામાં ફિટ રહેવું એ વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહેવાની ‘મુખ્ય નિવારક વ્યૂહરચનાઓ’માંની એક છે. મેકમાસ્ટર યુનિવર્સિટી અને મેયો ક્લિનિકના 2021ના અભ્યાસ અનુસાર XBX રૂટિનનું સંશોધિત સ્વરૂપ પણ કાર્ડિયો-રેસ્પિરેટરી ફિટનેસમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે, જે સૂચવે છે કે જટિલતા કરતાં સાતત્ય વધુ મહત્વનું છે.


