અમદાવાદમાં યોગ કરનારાની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો

Friday 23rd June 2017 03:35 EDT
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૧૫થી ૨૧ જૂનની ઉજવણી ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે કરવામાં આવી રહી છે તે સમયથી જ યોગ અંગેની જાગૃતિમાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદમાં જ યોગ કરનારાઓની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે તેમ ધ એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (‘એસોચેમ’)ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે.
આ સર્વેક્ષણ અનુસાર યોગની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. યોગ કરવાથી તેમના તન અને મનમાં ખૂબ જ હકારાત્મક અસર થઈ હોવાનું લોકોએ સ્વીકાર્યું છે. આ સર્વેક્ષણમાં ૨૦ ટકા લોકોએ એવો એકરાર કર્યો હતો કે તેમણે તાજેતરમાં જ યોગ કરવાનું શરૂ કર્યું છે. યોગથી તેમને ખૂબ જ ફાયદો થઈ રહ્યો હોવાથી તેઓ આગામી સમયમાં પણ તેને કરવાનું જારી રાખશે. યોગથી તેમનામાં સ્ફુર્તિ અને હકારાત્મકતા આવી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
સર્વેક્ષણમાં લોકોએ એમ પણ ઉમેર્યું હતું કે તેઓ સારા સ્વાસ્થ્ય માટે જીમમાં જવા કરતાં યોગ કરવાનું વધારે પસંદ કરશે. જેનું એક કારણ એ પણ છે કે યોગ માટે માત્ર સાદા પારંપરિક વસ્ત્રો અને યોગની મેટનો જ ખર્ચ કરવો પડે છે જ્યારે જીમમાં તોતિંગ ફી ચૂકવવી પડતી હોય છે. જોકે ૪૦ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ સ્વાસ્થ્ય માટે યોગ જ નહીં, કોઈ પ્રકારની કસરત કરતા નથી.
આ સર્વે અમદાવાદ ઉપરાંત બેંગ્લુરુ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, ચેન્નઈ, કોલકતા, લખનૌ, મુંબઈમાં પણ હાથ ધરાયો હતો. જોકે સર્વેમાં સાથે એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે યોગની વધતી લોકપ્રિયતા જોઈને કેન્દ્ર સરકાર દ્વારા યોગમાં બેચલર ડિગ્રી કોર્સ શરૂ કરવા અંગે વિચારવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter