વ્યક્તિ બ્રિટનમાં રહેતી હોય કે ભારતમાં, 65 વર્ષની ઉંમર પછી ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગનું જોખમ વધે છે. પરંતુ જો તમે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓની સાથે સાથે તમારી ખાવા-પીવાની આદતોનું પણ વિશેષ કાળજી લો છો તો તમે તેના લક્ષણોને આગળ વધતા અટકાવી શકો છો. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે ‘માઇન્ડ ડાયટ’ છે. અમેરિકામાં સંશોધન પછી તૈયાર કરાયેલા આ ‘માઇન્ડ ડાયટ’નું જે લોકો કાળજીપૂર્વક પાલન કરે છે તેમને અલ્ઝાઈમરનું જોખમ 53 ટકા ઘટી જતું હોવાનું એક અભ્યાસનું તારણ છે. તો ચાલો, આજે આપણે જાણીએ કે ‘માઇન્ડ ડાયટ’ શું છે? આપણે ભોજનું શું ખાવું જોઇએ? અને કઇ વસ્તુનું પ્રમાણ ઘટાડવું જોઈએ?
ન્યૂરોનને નુકસાન પહોંચાડે છે અલ્ઝાઇમર
અલ્ઝાઇમર એ એક એવો રોગ છે જે મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. તે મગજમાં બળતરા અને ઓક્સિડેટીવ નુકસાન વધારે છે. આ ડિમેન્શિયાનું સૌથી સામાન્ય કારણ છે. તેની અસર 65 વર્ષની ઉંમર પછી સૌથી વધુ દેખાય છે. દિલ્હી સ્થિત અલ્ઝાઈમર એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના મતે, શારીરિક અને માનસિક પ્રવૃત્તિ સાથે યોગ્ય આહાર પણ અલ્ઝાઇમરની સમસ્યાને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને એવી વસ્તુઓ ખાવી જેમાં એન્ટીઓકિસડન્ટ, ફાઇબર, કકર્યુમિન પૂરતા પ્રમાણમાં હોય.
બીમારીનાં લક્ષણો ઘટાડે છે માઈન્ડ ડાયટ
હાર્વર્ડ યુનિવર્સિટી અને રશ યુનિવર્સિટીના ન્યૂટ્રિશન એક્સપર્ટ્સે વિવિધ અભ્યાસ પછી આ ડાયટ લિસ્ટ તૈયાર કર્યું છે, જે ડિમેન્શિયા અને અલ્ઝાઈમર અટકાવવામાં અસરકારક છે. આ ‘માઇન્ડ ડાયટ’ મેડિટેરિયન ડાયટ (વધુ ફળો અને શાકભાજી, દૂધના ઉત્પાદનો નહીં, ઇંડા, માંસ કે પ્રોસેસ્ડ ખોરાક) અને DASH ડાયટ (વધુ ફળો અને શાકભાજી, ઓછી ચરબીવાળા પ્રોટીન અને મર્યાદિત મીઠું તથા ખાંડ)નું મિશ્રણ કરીને તૈયાર કરાયો છે. આ બંને ડાયટ વ્યક્તિમાં હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. તે ડિમેન્શિયા સામે રક્ષણ આપે છે. તેમાંથી જ ‘માઈન્ડ ડાયટ’ સંબંધિત 15 આહાર પસંદ કરાયા હતા, જેમાંથી 5 ટાળવાની સલાહ અપાઈ છે.
મગજનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે ‘માઇન્ડ ડાયટ’માં શું ખાવાની અને કઇ વસ્તુનું ભોજનમાં પ્રમાણ ઘટાડવાની સલાહ અપાઈ છે તે જાણીએ.
• લીલાં શાકભાજીઃ સપ્તાહમાં ઓછામાં ઓછા 6 વખત. કેળા, પાલક, લીલાં શાકભાજી અને સલાડ.
ફાયદોઃ ફાઇબરથી ભરપૂર અને કેલરી ઓછી.
• બેરીઝઃ સપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર સ્ટ્રોબેરી, બ્લ્યુબેરી, બ્લેકબેરી ખાવાની સલાહ અપાઈ છે.
ફાયદો: તેમાં મગજ માટે જરૂરી એન્ટીઓક્સિડન્ટ છે.
• જેતુનનું તેલ: ભોજન રાંધવામાં અન્ય કોઇ ઓઇલને બદલે જેતુનના તેલનો ઉપયોગ કરો.
ફાયદો: મગજની તંદુરસ્તી માટે બહુ ફાયદાકારક છે.
• આખું અનાજ: ઓટ્સ, બ્રાઉન રાઇસ, ઘઉં અને પાસ્તા તથા બ્રેડ. આનું સેવન ચોખા અને નૂડલ્સથી ઘણું સારું છે.
ફાયદોઃ ફાઇબરની સાથે અન્ય પોષક તત્વોની ભરપાઇ કરે છે.
• હળદરઃ હળદરમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ કરક્યુમિન અલ્ઝાઇમરના લક્ષણોને નિયંત્રણમાં રાખવામાં અસરકારક.
ફાયદોઃ ડિમેન્શિયાનું જોખમ પણ ટાળી શકે છે.
• બીન્સઃ સપ્તાહમાં ઓછામાં ઓછા ચાર વાર બીન્સ ખાઓ. જેમાં બધી દાળો, સોયાબીન સામેલ છે.
ફાયદોઃ આ પ્રોટીનનો બહુ સારો સ્રોત છે.
ભોજનમાં આનું પ્રમાણ ઘટાડો
રોજિંદા ભોજનમાં ઘીનું પ્રમાણ 14 ગ્રામથી ઓછું રાખો. પનીર 15 દિવસમાં એક વારથી વધુ લેવાનું ટાળો. તળેલો આહાર તો સપ્તાહમાં એક વારથી પણ ઓછો. પેસ્ટ્રી અને મિઠાઈ સપ્તાહમાં એક-બે વાર જ.