અવકાશમાં ધાતુ એકબીજા સાથે શા માટે જોડાઈ કે ચોંટી જાય છે?
જો તમે પૃથ્વી પર ધાતુની બે પ્લેટ્સને નજીક રાખો તો કશું જ થતું નથી, પરંતુ જો આ જ પ્લેટ્સને અવકાશના શૂન્યાવકાશમાં લઈ જવાય તો તે બે પ્લેટ્સ એકબીજા સાથે સજ્જડપણે જોડાઈને એક જ બની જાય છે. આ સ્થિતિને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે, જે લાંબા સમયથી સ્પેસક્રાફ્ટ ઈજનેરો માટે માથાનો દુઃખાવો બની રહેલ છે. સવાલ એ થાય કે ધાતુના એટોમિક લેવલે ખરેખર શું થાય છે અને અવકાશમાં જ આ પ્રક્રિયા શા માટે સરળ બની જાય છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ માટે અવકાશમાં ઓક્સિજનની ગેરહાજરીને કારણભૂત ગણાવી શકાય. ધાતુઓ એવા માળખાંની બનેલી હોય છે જ્યાં તેના અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે, પરંતુ મેટલની સપાટી નજીકના અણુઓ બહા્રની તરફ કશાંની સાથે જોડાયેલા હોતા નથી. જો તેમને તક મળે તો તેઓ ધાતુના અન્ય ટુકડાની સપાટી પરના ઈલેક્ટ્રોન્સ સાથે જોડાઈ શકે છે. પૃથ્વી પર મોટા ભાગની ધાતુઓની સપાટી ઓક્સાઈડના લેયરનું કોટિંગ ધરાવે છે. આ લેયરની જાડાઈમાં થોડાં જ અણુઓ હોય છે અને ધાતુનો સંપર્ક ઓક્સિજન સાથે થવાથી ઓક્સાઈડનું લેયર બની જાય છે. આ પાતળું ઓક્સાઈડ પડ ઈન્સ્યુલેટિંગ રેપર તરીકે કામ કરે છે. ઓક્સાઈડના પાતળાં પડ વિના સપાટી પરના ઈલેક્ટ્રોન્સ ધાતુના અન્ય ટુકડા સાથેના ઈલેક્ટ્રોન્સ સાથે શેરિંગ કરવા માંડે છે. અવકાશમાં ઓક્સિજનના અભાવે પૃથ્વી પરથી લઈ જવાયેલી ધાતુની પ્લેટનું પાતળું ઓક્સાઈડ પડ બની શકતું નથી. અવકાશી ઓર્બિટમાં સોલાર અને આયોનિક રેડિયેશનના બોમ્બમારાથી સ્થિતિ વધુ ખરાબ થાય છે. અવકાશમાં રહેલી તમામ વસ્તુઓ કોલ્ડ વેલ્ડિંગ માટે તૈયાર હોય છે. માઈક્રોસ્કોપિક લેવલે ધાતુની સપાટી ખરબચડી જ હોય છે. કોઈ પણ વાઈબ્રેશનથી ઓક્સાઈડ લેયર ફાટી જાય છે અને ધાતુઓ અરસપરસ સંપર્કમાં આવતાની સાથે કોલ્ડ વેલ્ડિંગ થતું રહે છે.
•••
બિલાડીઓની જાતોનો વિકાસ કુદરતી થયો છે?
વિશ્વમાં 600 મિલિયનથી વધુ બિલાડીઓ છે તેમાંથી 10ટકાથી પણ ઓછી બિલાડી કોઈ ચોક્કસ નસ્લની છે. સવાલ એ થાય છે શુદ્ધ નસ્લની આ બિલાડીઓ માનવીની દખલગીરી થકી પેદા થઈ છે કે કેટલીક કુદરતી ઉત્ક્રાંતિના કારણે વિકસી છે? આનો ઉત્તર સરળ નથી. યુનિવર્સિટી ઓફ મિસુરી કોલેજ ઓફ વેટરનરી મેડિસીન ખાતે કેટ જિનેટિસિસ્ટ લેસ્લી એ. લીઓન્સ અનુસાર ગત 140 વર્ષોમાં બિલાડીની મોટા ભાગની જાતિ-બ્રીડ ચોક્કસ શારીરિક લક્ષણો માટે માનવીય પસંદગીના પરિણામે ઉત્પન્ન થઈ છે. જોકે, કેટલીક જાતિને ‘નેચરલ’ કેટ બ્રીડ ગણાવાય છે કારણકે તેમની પેદાઈશ હજારો વર્ષોના તેમના કુદરતી પર્યાવરણમાં પરિબળો થકી માનવીય દખલગીરી વિના ઉત્ક્રાંતિ પામેલી બિલાડીઓની વસ્તીમાંથી થઈ છે. આવી કુદરતી બ્રીડ-નસ્લમાં મેઈને કૂન્સ, સાઈબિરિયન્સ, રશિયન બ્લૂઝ, નોર્વેજિયન ફોરેસ્ટ કેટ્સ, ટર્કિશ વેન્સ અને ઈજિપ્શિયન માઉસનો સમાવેશ થાય છે. કુદરતી નસ્લના પૂર્વજ પણ જંગલી પ્રજાતિની માફક જ સમાન પરિસ્થિતિમાંથી સર્જાય છે અને પર્યાવરણીય અનુકૂલન સાધે છે. ગમે તે પ્રજાતિની બિલાડી હોય તેમના પર માનવપ્રભાવ રહે જ છે. એનિમલ જિનેટિક્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર ગત સદીમાં બિલાડીનું પસંદગીયુક્ત બ્રીડિંગ ઘણું વધી ગયું છે. આધુનિક સાઈબિરિયન બિલાડીઓ જિનેટિક અને શારીરિક દૃષ્ટિએ તેના પૂર્વજોની સમાન રહેલ છે કારણકે આ નસ્લના મૂળ વિસ્તારમાં રખડતી કે પાલતુ મળી આવેલી બિલાડીઓનો ઉપયોગ બ્રીડિંગ પ્રોગ્રામ્સમાં થતો રહે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રશિયન બ્લૂઝને નષ્ટ થતી અટકાવવા સિયામીઝ બિલાડી કૂળ સાથે ક્રોસબ્રીડિંગ કરાયું હતું અને આજે તેમનો દેખાવ પૂર્વજો કરતા ઘણો અલગ પડે છે.
•••


