અસ્થમા એટલે કે દમના પેશન્ટ્સ માટે રાહત અને નવી આશાના સમાચાર છે. અસ્થમાના અનિયંત્રિત અને જીવલેણ હુમલાઓમાંથી હજારો પેશન્ટ્સને રાહત આપી શકે અને વર્ષમાં માત્ર બે ઈન્જેક્શન લેવા પડે તેવી સારવાર બ્રિટનમાં થોડા જ મહિનાઓમાં મળતી થશે. ઘણા લાંબા સમય સુધી અસર કરતી ડ્રગ ડેપેમોકિમેબ (depemokimab) થકી હોસ્પિટલમાં દાખલ થવાનો દર 72 ટકા સુધી ઘટ્યો છે અને તેની આડઅસરો પણ નહિવત્ છે. બાયોલોજિક નામે ઓળખાતી ઈન્જેક્ટેબલ સારવાર ફેફસાંમાં સોજા-ઈન્ફ્લેમેશનને દબાવવા લેબોરેટરીમાં સર્જિત એન્ટિબોડીઝના ઉપયોગથી કામ કરે છે અને તેના થકી તીવ્ર અસ્થમાની સારવારનું કલેવર જ સંપૂર્ણપણે બદલાઈ જશે.
યુકેની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટર એજન્સી (MHRA)એ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ જાયન્ટ GSK દ્વારા વિકસાવાયેલી ડ્રગને માર્કેટમાં મૂકવાની પરવાનગી આપી દીધી છે અને તે એક્સડેન્સુર (Exdensur) બ્રાન્ડનેમથી માર્કેટમાં મૂકાશે. ડેપેમોકિમેબ વર્ષ2026ના પૂર્વાર્ધમાં ખાનગી રાહે પ્રાપ્ય બનશે જ્યારે NHS માટે તેને પ્રીસ્ક્રિપ્શન તરીકે મંજૂરી આપવી કે કેમ તેના વિશે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (NICE) દ્વારા વિચારણા ચાલી રહી છે. જો તેને મંજૂરી અપાશે તો સૌપ્રથમ અસ્થમા બાયોલોજિક સારવાર બનશે જેમાં વર્ષમાં માત્ર બે ઈન્જેક્શનની જરૂર રહેશે.
ઈંગ્લેન્ડમાં આશરે 6 મિલિયન લોકો અસ્થમા સાથે જીવી રહ્યા છે જેમાંથી અંદાજે 58,000 વયસ્કો અસ્થમા રોગના તીવ્ર અને અનિયંત્રિત પ્રકારથી પીડાય છે અને તેમના માટે ઈન્હેલર પૂરતું કામ આપતાં નથી અને તેમને અવારનવાર સ્ટીરોઈડ ટેબ્લેટ્સના કોર્સીસની જરૂર રહે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા રોયલ બ્રોમ્પટન હોસ્પિટલ ખાતે રેસ્પિરેટરી મેડિસિનના કન્સલ્ટન્ટ અને અસ્થમા + લંગ યુકે‘ઝ હેલ્થકેર પ્રોફેશનલ કાઉન્સિલના સભ્ય ડો. પૂજન પટેલ સાથે આ નવી સારવાર શા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે તેના વિશે વાતચીત કરવામાં આવી હતી. ડો. પૂજન પટેલે જણાવ્યું હતું કે, ‘અસ્થમા રોગ સાથેના લોકોમાંથી આશરે માત્ર 5થી 10 ટકા જ તીવ્ર અસ્થમા કેટેગરીમાં આવે છે. આ પેશન્ટ્સને વારંવાર સારવાર અને ખાસ કરીને ઓરલ સ્ટીરોઈડ ટેબ્લેટ્સના વારંવાર કોર્સીસની જરૂર રહે છે. 12 મહિનાના સમયગાળામાં બે કે ત્રણ વખત સ્ટીરોઈડની જરૂર પડે તે મોટી વાત છે.’ તીવ્ર અસ્થમા માટે બાયોલોજિક સારવારો આશરે એક દસકાથી પ્રાપ્ય બની છે, પરંતુ અત્યાર સુધી તેમણે દર બે, ચાર અથવા આઠ સપ્તાહે ઈન્જેક્શન્સ લેવા પડતા હતા. ડો. પટેલ કહે છે કે, ‘અત્યારે પાંચથી છ અલગ અલગ બાયોલોજિક્સ મળે છે. આ નવી ડ્રગનો વાસ્તવિક તફાવત તેની ફ્રિકવન્સીનો છે. નવી દવા દર છ મહિને અપાય છે એટલે કે વર્ષમાં માત્ર બે ઈન્જેક્શન લેવાં પડે.’
આઈન્જેક્શન્સ ચામડી નીચે, ખાસ કરીને સાથળ, પેટ અથવા બાવડાં પર અપાય છે અને ઘરમાં તે જાતે જ લઈ શકાય છે. જેના પરિણામે, હોસ્પિટલની વારંવાર મુલાકાતો અથવા સ્પેશિયલિસ્ટ સુપરવિઝનની આવશ્યકતા રહેશે નહિ. સતત કામકાજ, પ્રવાસ અથવા સારસંભાળની જવાબદારીઓ ધરાવતા પેશન્ટ્સ માટે આ સ્થિતિ જીવન પરિવર્તનકારી બની શકે છે. આ ઈનોવેશન તીવ્ર અસ્થમાની સારવારના સૌથી નુકસાનકારી પાસાઓમાં એક- લાંબા સમય સુધી સ્ટીરોઈડ્ઝના ઉપયોગનું નિવારણ કરે છે. ઈન્ફ્લેમેશન પર અંકુશ મેળવવામાં સ્ટીરોઈડ્સ ભારે અસરકારક છે, પરંતુ તેના વારંવારના ઉપયોગ અને ખાસ કરીને ટેબ્લેટ સ્વરૂપમાં ભારે કિંમત ચૂકવવી પડે છે.
ડો. પૂજન પટેલે જણાવ્યું હતું કે, ‘મૂળભૂતપણે અસ્થમા ઈન્ફ્લેમેટરી કંડિશન છે. આપણી પાસે સ્ટીરોઈડ્સ જ સૌથી શક્તિશાળી મેડિસિન્સ છે, પરંતુ જ્યારે ઈન્હેલર્સ પૂરતાં ન હોય અને પેશન્ટે અવારનવાર ટેબ્લેટ્સનો જ સહારો લેવો પડે ત્યારે ગંભીર આડઅસરોનો સામનો કરવાનો થાય છે.’ હજારો પેશન્ટ્સને સાંકળતા અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઓરલ સ્ટીરોઈડ્સના વારંવાર કોર્સીસથી હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ઓસ્ટીઓપોરોસિસ, વજનમાં વધારો, બ્લડ ક્લોટ્સ, ઈન્ફેક્શન્સ, એન્ગ્ઝ્યાઈટી અને ડિપ્રેશનના જોખમમાં નોંધપાત્ર વધારો થાય છે. ડો. પટેલે જણાવ્યું હતું કે, ‘દસ વર્ષ અગાઉ, ક્લિનિક્સ સ્ટીરોઈડ સંબંધિત આડઅસરોના બોજા સાથેના દયાપાત્ર અને સ્થૂળ પેશન્ટ્સથી ઉભરાતાં હતાં. બાયોલોજિક્સ ખરેખર પરિવર્તનકારી છે.’
આનાથી વિપરીત, ડેપેમોકિમેબ સહિત અસ્થમા બાયોલોજિક્સનો આડઅસરોનો પ્રોફાઈલ પ્રમાણમાં ઘણો હળવો છે. સૌથી સામાન્ય નોંધાયેલી આડઅરોમાં ટુંકા ગાળાનો માથાનો દુઃખાવો, નબળાઈ, ઈન્જેક્શનના સ્થળે લાલાશ અને કેટલાક કિસ્સામાં ગળામા કામચલાઉ સૂજન-ખરાશનો સમાવેશ થાય છે. આ લક્ષણો 24થી 48 કલાકમાં દૂર થઈ જાય છે. ડો. પટેલે કહ્યું હતું કે, ‘શરીરમાં દરેક જગ્યાએ ઈન્ફ્લેમેશનને દબાવી દેતાં સ્ટીરોઈડ્ઝથી વિપરીત બાયોલોજિક્સ ફેફસાંમાં રહેલા ઈન્ફ્લેમેટરી પાથવેઝને લક્ષ્ય બનાવે છે. આવી ચોકસાઈના કારણે જ આડઅસરો ઘણી ઓછી રહે છે.’
બાયોલોજિક્સ ખર્ચાળ હોવાથી NHS ને દર વર્ષે પ્રતિ પેશન્ટ અંદાજે 10,000 પાઉન્ડથી 15,000 પાઉન્ડનો ખર્ચ આવે ત્યારે પુરાવાઓ જણાવે છે કે તેનાથી કદાચ સમગ્રતયા હેલ્થકેર ખર્ચ ઘટી શકે છે. યુકેમાં કોસ્ટ એનાલિસિસ અનુસાર તીવ્ર અસ્થમા રોગ ન હોય તેવા પેશન્ટની સરખામણીએ તીવ્ર અસ્થમા સાથેના પેશન્ટ્સ પાછળ ચાર ગણો હેલ્થકેર ખર્ચો બેસે છે જે મુખ્યત્વે હોસ્પિટલ એડમિશન્સ અને સ્ટીરોઈડ સંબંધિત સમસ્યાઓની સારવારનાં કારણે હોય છે. ડો. પટેલે જણાવ્યું હતું કે, ‘ તીવ્ર અસ્થમા પેશન્ટ્સનું આ ગ્રૂપ ઘણું નાનું હોવાં છતાં, તેમની પાછળ હેલ્થકેર રિસોર્સીસનો અપ્રમાણસર ખર્ચ થાય છે. તેમની હોસ્પિટલમાંથી બહાર રાખવા અને લાંબા ગાળાના કોમ્પ્લિકેશન્સ ઘટાડવાથી આખરે નાણાનો બચાવ જ થાય છે.’
ડેપેમોકિમેબની ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઈ છે અને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી અપાઈ ગઈ છે એટલે આ વર્ષમાં જ તે યુનાઈટેડ સ્ટેટ્સમાં બજારમાં આવવાની સંભાવના છે. યુકેમાં NICE ની લીલી ઝંડીની રાહ જોવાય છે. NICE નો પ્રાથમિક રિવ્યુ એપ્રિલ 2026માં આવવાની ધારણા છે અને આખરી નિર્ણય વર્ષના ઉત્તરાર્ધમાં આવી જશે. જો બહાલી મળશે તો, પેશન્ટ્સને 2026ના અંત પહેલા જ NHS પર સારવાર મળતી થઈ શકે છે.
ડો. પૂજન પટેલે જણાવ્યું હતું કે, ‘તીવ્ર અસ્થમા સાથેના પેશન્ટ્સ માટે આ દવા ગેમ-ચેન્જર બની જશે. વર્ષમાં બે જ ઈન્જેક્શન, ઓછી આડઅસરો, હોસ્પેટલોમાં ઓછાં એડમિશન્સ સાથે આપણે આ રોગની સારવાર કરીએ છીએ તેમાં હરણફાળ ભરાશે.’


