શું તમે ઓછી ઊંઘ લો છો. અપૂરતું પાણી પીઓ છો કે ભોજન સ્કીપ કરો છો? જો આમાંથી એક પણ સવાલનો જવાબ ‘હા’ હોય તો જાણી લો કે આ બધી આદતો તમારા બ્લડ સુગરને વધારી શકે છે. આ ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકો માટે જ નહીં, પણ સામાન્ય લોકો માટે પણ ખતરનાક છે. ક્યારેક સામાન્ય આદતો સુગર લેવલને બગાડી શકે છે. આ આદતો વિશે જાણો...
1. ઓછી ઊંઘ
દરરોજ સાત કલાકથી ઓછી ઊંઘ લેનારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધવાનો, સુગર લેવલ બગડવાની આશંકા વધું છે. પૂરતી ઊંઘ ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે મહત્ત્વની છે.
2. ખોટા ઉપવાસ
વજન ઘટાડવા માટે થતા ઈન્ટરમિટેન્ટ ઉપવાસ કેટલાક લોકો માટે કામ કરી શકે છે, તબીબી માર્ગદર્શન વિના આ પ્રકારના ઉપવાસ નુકસાનકારક સાબિત થઇ શકે છે. આવા ઉપવાસથી સ્ટ્રેસ હોર્મોન્સ સક્રિય થાય છે, જેના કારણે સુગરના સ્તરમાં વધઘટ થાય છે.
3. પાણીની અછત
જ્યારે શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે ત્યારે પેશાબનું પ્રમાણ વધે છે જેનાથી પાણીની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં બ્લડ સુગર વધુ ખરાબ થઈ શકે છે. તેથી પાણી પીતા રહેવું જોઈએ.
4. મહત્તમ કસરત
જો તમે આહાર લીધા વિના ખૂબ જ તીવ્ર કસરત કરી રહ્યા છો તો આ શરીરમાં સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ) વધારી શકે છે. તે સુગરનું સ્તર ઘટાડવાને બદલે તેને વધારે છે. તેથી હંમેશા ધીરે ધીરે કસરત કરો.
5. ક્રોનિક સ્ટ્રેસ
હંમેશા તણાવમાં રહેવાથી ડાયાબિટીસ વધુ વધી શકે છે. જ્યારે તમે તણાવમાં હોવ છો ત્યારે શરીરમાં હોર્મોન્સ એક્ટિવ થાય છે જે ગ્લુકોઝનું સ્તર વધારે છે.
6. મોડું ખાવાનું
ઘણા લોકો મોડી રાત્રે જમે છે અને તરત જ સૂઈ જાય છે. આનાથી શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થાય છે અને શુગરનું સ્તર વધવા લાગે છે.
7. અસંતુલિત આહાર
ઘણા લોકો રોજિંદા પૌષ્ટિક ભોજનની ઉપેક્ષા કરીને પેક્ડ સ્નેક્સ, બિસ્કિટ, ફ્રૂટ જ્યુસ વગેરે પર વધારે પડતો ખાય-પીએ છે. તેમાં વધુ શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને ઓછા પ્રોટીન હોય છે. આના કારણે સુગરમાં અચાનક વધારો થાય છે.
રોજિંદી આદતો સંબંધિત કેટલાક સવાલ-જવાબ
• ડાયાબિટીસ ન હોય તો આ આદતો નુકસાન પહોંચાડી શકે છે?
- હા. લાંબા ગાળે આ આદતો શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારી શકે છે, જે વજન વધવા જેવી સમસ્યાઓનું કારણ બને છે.
• સૌથી વધુ અવગણવામાં આવતી આદતો કઈ છે?
- ઊંઘનો અભાવ, પાણીનો અભાવ અને સતત તણાવ. આ ત્રણેય ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઘટાડે છે. અંતે તેનાથી સુગર વધે છે.
• લો કાર્બ ડાયટ અને ઉપવાસ કેટલા અસરકારક છે?
જ્યારે લોકો તેને બંધ કરે છે, ત્યારે તેમનું વજન અને સુગરનું સ્તર ફરીથી વધે છે. તેથી વ્યવસ્થિત આહાર એ યોગ્ય વિકલ્પ છે.


