આ બીટનો રસ પીતા જ મચ્છરો ખતમ થઈ જશેઃ મેલેરિયાને રોકવા નવતર પ્રયોગ

Friday 05th November 2021 10:24 EDT
 
 

સ્ટોકહોમઃ મચ્છરથી મેલેરિયા જેવા રોગ ફેલાય છે ત્યારે તેને અટકાવવા માટે સ્વીડનના વૈજ્ઞાનિકોએ હવે મચ્છરોને ઝેર આપીને મારવાનો પ્રયોગ કર્યો હતો. આ માટે મચ્છરોને ઝેરી બીટનું જ્યૂસ પીવડાવવામાં આવ્યું હતું. મચ્છરો તેને માણસનું લોહી સમજીને પી ગયા અને થોડા સમયમાં મરી ગયા હતા. આ પ્રયોગ સ્વીડનની કંપની મોલિક્યૂલ એટ્રેક્શને કર્યો હતો. જેનું કહેવું છે કે, મેલેરિયાથી પીડાઈ રહેલા દર્દીઓના લોહીમાં HMBPP મોલેક્યૂલ મળી આવે છે. આ મોલેક્યૂલ ખાસ પ્રકારની ગંધ છોડે છે, જેનાથી મચ્છરો આકર્ષિત થાય છે અને માણસનું વધારે લોહી ચૂસે છે. આ વાતને ધ્યાને રાખીને વૈજ્ઞાનિકોએ બીટના જ્યૂસમાં HMBPP મોલેક્યૂલ અને છોડમાંથી કાઢવામાં આવેલું ખાસ પ્રકારનું ઝેર મેળવ્યું હતું. મચ્છરો આના તરફ આકર્ષિત થયા અને આ લિક્વિડને પીધું જેના થોડા સમય બાદ બધા મચ્છરો મરી ગયા હતા.
HMBPP મોલેક્યૂલની ખાસ વાત એ છે કે, તે બીજા કીટકો અને પતંગિયાઓને આકર્ષિત કરતું નથી. આમ મચ્છરોને આકર્ષિત કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. વળી, અન્ય હાનિકારક કીટકનાશકોની તુલનામાં મચ્છરોને ખતમ કરવા માટે આ મિશ્રણની બહુ ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. આ ખાસ પ્રકારનું મિશ્રણ એનાફિલિસ મચ્છરોની પાંચ પ્રકારની પ્રજાતિને તેમની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યું હતું, જે મેલેરિયા ફેલાવવા માટે જવાબદાર છે. મચ્છરોને મારવાનો આ પ્રયોગ આફ્રિકા જેવા દેશોમાં કારગર સાબિત થશે, જ્યાં મેલેરિયાનાં સૌથી વધારે કેસો સામે આવે છે. નોંધનીય છે કે, દુનિયાભરમાં દર વર્ષે મેલેરિયાથી ચાર લાખ લોકોના મોત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter