આપણે બધા મૂળભૂત સાફ-સફાઈનું ધ્યાન તો રાખીએ છીએ. તેમ છતાં જાણતા-અજાણતા આપણી કેટલીક આદતો ઘરમાં ગંદકી અને બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની જાય છે. આ કારણે ન માત્ર આપણે બીમાર પડીએ છીએ, પણ ઘરના અન્ય સભ્યોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકીએ છીએ. જાણો એવી 5 સામાન્ય આદતો વિશે જેને બદલીને આપણે આપણું પોતાનું અને આપણા પરિવારનું ધ્યાન રાખી શકીએ છીએ.
1) ગંદા પગરખાં ઘરની બહાર ઉતારો
પગરખાં આખો દિવસ ધૂળ-માટી સાથે બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આપણે આ પગરખાં સાથે બેક્ટેરિયાને પણ ઘરમાં લાવીએ છીએ. માટે બહાર પહેરવાના પગરખાંને ઘરની બહાર જ ઉતારવા જોઈએ અને ઘરની અંદર અલગ ચપ્પલ વાપરવા જોઈએ.
2) કમોડનું ઢાંકણું બંધ કરો
પશ્ચિમી શૈલીની ટોઈલેટ સીટનું ઢાંકણ બંધ કર્યા વિના ફ્લશ કરવાથી બેક્ટેરિયા હવામાં આવે છે અને બાથરૂમમાં રાખેલા ટૂથબ્રશ, ટુવાલ અને અન્ય સામાનને સંક્રમિત કરી શકે છે. આથી ટોઈલેટનો ઉપયોગ કર્યા પછી સીટને હંમેશા ઢાંકીને રાખવી જોઈએ.
3) સૂટકેસ બેડ પર ન રાખો
યાત્રા દરમિયાન સૂટકેસ ઘણી જગ્યાએ કિટાણુ અને ગંદકીના સંપર્કમાં આવે છે. બેડ પર તેને રાખવાથી તે બેક્ટેરિયા ફેલાય શકે છે અને સંક્રમિત કરી શકે છે. આથી ટ્રિપ પરથી આવીને સૂટકેસના હેન્ડલ અને વ્હીલ્સને અચૂક સેનિટાઈઝ કરો.
4) સીધા પથારી પર ન બેસો
ઘણીવાર આપણે ઘરે જઈને કપડાં બદલ્યા વગર જ બેડ પર બેસી જઈએ છીએ. તેનાથી આખો દિવસ આપણાં કપડાંમાં લાગેલા બેક્ટેરિયા બેડને સંક્રમિત કરી શકે છે. બહારથી આવો તો પહેલાં કપડાં બદલો પછી જ બેડ પર બેસો કે અન્ય કામ કરો.
5) સારી રીતે હાથ ધૂઓ
ઘરની બહાર આપણા હાથ લિફ્ટ, દરવાજાના હેન્ડલ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સીટ અને એવી ઘણી જગ્યાએ અડે છે જેથી સરળતાથી કીટાણુ હાથો પર લાગી જાય છે. આ કીટાણુ આપણા થકી ઘરમાં પણ ફેલાઈ શકે છે. માટે ઘરે આવીને સૌ-પ્રથમ સારી રીતે સાબુથી હાથ ધુઓ.


