આ ૭ સાવચેતી અપનાવીને બચી શકો છો કેન્સરથી...

Wednesday 17th February 2021 06:44 EST
 
 

આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું સૌથી મોટું કારણ કેન્સર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના રિપોર્ટ અનુસાર ૨૦૧૮માં દુનિયાભરમાં કેન્સરના ૧.૮૧ કરોડ કેસ નોંધાયા હતા. જ્યારે ૯૬ લાખના મોત થયા. માત્ર ભારતમાં જ દર વર્ષે લગભગ ૧૧.૫ લાખ લોકોને કેન્સર થાય છે. ગંભીર વાત એવી છે કે, વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેન્સર પીડિતોનો મૃત્યુદર લગભગ બમણો છે. કેન્સરથી થતા ત્રીજા ભાગના મૃત્યુ માટે ૫ કારણ મુખ્ય છેઃ મેદસ્વિતા, ભોજનમાં ફળો - શાકભાજીનો ઓછો ઉપયોગ, શારીરિક નિષ્ક્રિયતા, તમાકુ અને દારૂનું સેવન. કેન્સરથી થતા કુલ મૃત્યુમાં એકલા ૨૨ ટકા મોત તમાકુના સેવનથી થાય છે. પુરુષોમાં ફેફસાનું કેન્સર, જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વધુ થાય છે. કેટલીક વખત લોકોમાં જાગૃતિના અભાવે કેન્સર પ્રાથમિક તબક્કામાં પકડાતું નથી. આથી અહીં કેન્સરથી બચવા માટે સાત સાવચેતી દર્શાવી છે. આમાંનું એકાદ પણ લક્ષણ જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરો. સમયસરની સાવચેતી ભવિષ્યની ઘણી મોટી મુશ્કેલીથી
 બચાવી લેશે.

જો હોય આ તકલીફ તો થઇ જાઓ સતર્ક

કોઇ કારણ વિના વજન ઘટી જાય

ખાણીપીણી, દિનચર્ચા કે કસરતમાં કોઇ પણ જાતનો ફેરફાર કર્યા વગર થોડાક દિવસમાં જ જો વજન ૪ કિલોથી વધુ ઘટી જાય તો સતર્ક થઇ જાઓ. પેનક્રિયાસ, પેટ, ફેફસાના કેન્સરમાં વ્યક્તિનું વજન ઝડપથી ઘટે છે.

વધુ થાક અનુભવો છો

જો તમે તણાવમાં રહેતા હો અને સામાન્ય કરતા વધુ થાક અનુભવતા હો તો તરત જ ડોક્ટરને જણાવો. થાક બ્લડ કેન્સરનો પ્રારંભિર સંકેત હોઇ શકે છે. પ્રોસ્ટેટ કેન્સરના એડવાન્સ સ્ટેજમાં પણ વધુ થાક અનુભવાય છે.

સતત ખાંસી કે શરીરમાં દુઃખાવો

સતત ખાંસી કે છાતીમાં દુઃખાવોને નજર અંદાજ ન કરો, કેમ કે ફેફસાના કેન્સરના પ્રારંભિર લક્ષણ હોઇ શકે છે. જો ખાંસી, યુરિન, સ્ટૂલ, મોં કે નાકમાંથી લોહી પડતું હોય તો તે સર્વાઇકલ કેન્સરના લક્ષણ હોઇ શકે છે. સમગ્ર શરીરમાં અનેક દિવસો સુધી દુઃખાવો અનુભવો અને આમ થવાનું કોઇ દેખીતું કારણ ન હોય તો હાડકાં કે પેનક્રિયાસના કેન્સરના પ્રારંભિક લક્ષણ હોઇ શકે છે.

ત્વચા પર ડાઘ - ધબ્બા જોવા મળે

શરીરની ત્વચા પર મોટા અને અલગ અલગ રંગના ધબ્બા સ્પષ્ટ દેખાય તો સતર્ક થઇ જાઓ. મોઢા અને જનનાંગો પર લાંબા સમય સુધી ઘા રહે તો તે પણ કેન્સરના લક્ષણ છે. આ ઉપરાંત પેશાબ ઓછો આવવો કે પેશાબમાં અટકાવ કે તકલીફનું એક કારણ પ્રોસ્ટેટનો વધતો આકાર પણ હોઇ શકે છે.

કઇ રીતે કાળજી લઇ શકો...

• કમરનું ધ્યાન રાખોઃ પુરુષોની કમર ૩૭ ઇંચ અને મહિલાઓની કમર ૩૧.૫ ઇંચથી વધુ ન હોવી જોઇએ.
• દરરોજ કસરતઃ દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટની એક્ટિવિટી જરૂરી છે. ઇચ્છો તો ૧૦થી ૧૫ મિનિટની કસરત દિવસમાં બેથી ત્રણ વખત કરો, તેના માટે અલગ-અલગ એક્સરસાઇઝ પદ્ધતિ અપનાવી શકો છો.
• નમક પર કન્ટ્રોલઃ વધુ નમક અને સોડિયમ પ્રોસેસ્ટ ફૂડથી બચો. દરરોજ ભોજનમાં નમકનું પ્રમાણ ૨૪૦૦ મિલિગ્રામથી વધુ ન હોવું જોઇએ. ભોજનમાં મીઠાનું ઓછું પ્રમાણ તમને બીજા અનેક રોગોથી પણ બચાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter