આંખની તપાસ એ ફક્ત દ્દષ્ટિની તપાસ નથી એ તમારા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ હોઈ શકે છે. વ્યાપક આંખની તપાસમાં ડોક્ટર માત્ર આંખની સમસ્યાઓ જ નહીં પરંતુ હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, મગજની ગાંઠો, થાઇરોઇડ સમસ્યાઓ અને કેટલાક કિસ્સામાં જાતીય રોગોના પ્રારંભિક સંકેતો પણ ઓળખી શકે છે.
અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજી અનુસાર આંખો શરીરની ચેતા અને રક્તવાહિનીઓનું સ્પષ્ટ દૃશ્ય પ્રદાન કરે છે, જેથી ઘણી બીમારીના સંકેત અહીં દેખાય છે. સંપૂર્ણ આંખની તપાસ કરવા માટે ડોકટર વિશેષ આંખના ટીપાંથી કીકીને પહોળી કરે છે અને કીકીની અંદરની બાજુની કાળજીપૂર્વક તપાસ કરે છે. આ પ્રક્રિયા ઘણા રોગના ચિહ્નો જાહેર કરી શકે છે. તેથી નિયમિત તપાસ કરાવવી જરૂરી છે જેથી બીમારી તેમના પ્રારંભિક તબક્કામાં જ ઓળખી શકાય.
આંખોની નિયમિત તપાસ સ્વસ્થ દૃષ્ટિ માટે તો આવશ્યક છે જ, પરંતુ આંખોની તપાસ આ બીમારીઓના પણ આગોતરા સંકેત આપી શકે છે.
• હાઈ બ્લડ પ્રેશરઃ આંખની પાછળ રહેલી ઝીણી લોહીની નસોમાં અસામાન્ય સોજો, વાંકાચૂંકા ફેરફાર કે લોહીના સામાન્ય ડાઘા દેખાય તો એ હાઈ બ્લડ પ્રેશરનો સ્પષ્ટ સંકેત હોઈ શકે છે. તેનાથી ભવિષ્યમાં હાર્ટ એટેકનું જોખમ પણ જાણી શકાય છે. ઉપરાંત આ સંકેતો ગ્લુકોમા, રેટિનોપથી, મેક્યુલર ડિજનરેશનનું જોખમ સૂચવે છે.
• સ્ટ્રોકઃ કેટલીક વાર રેટિના નસોમાં બ્લોકેજ અથવા ગંઠાવાનું નિર્માણ થાય છે. આનાથી દૃષ્ટિ ઝાંખી પડી શકે છે અથવા દૃષ્ટિ પહેલાં પડદા જેવી થઈ શકે છે. આ સ્ટ્રોકની નિશાની હોઈ શકે છે.
• થાઈરોઈડઃ આંખો બહાર નીકળવી અથવા પાછળ ખેંચાઈ જવી એ થાઈરોઇડની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો આંખો સામાન્ય કરતાં વધુ બહાર ઉપસી આવેલી (Bulging Eyes) લાગે અથવા આંખો ડ્રાય રહે, તો તે હાઈપરથાઈરોઈડિઝમનું પ્રારંભિક એલર્ટ હોઈ શકે છે.
• ડાયાબિટીસઃ ડાયાબિટિક રેટિનોપથી ડાયાબિટિક રેટિનોપથી એ ડાયાબિટીસ સાથે સંકળાયેલી આંખોનો સૌથી ગંભીર રોગ છે. આમાં પણ રેટિના ટેસ્ટ દ્વારા પ્રારંભિક લક્ષણો ન હોવા છતાં આ વિશે જાણ થઈ જાય છે. જેમ-જેમ રેટિનોપથી વધે તેમ આંખોની રોશની ઓછી થવા લાગે છે. જ્યારે સ્થિતિ વધુ વણસે ત્યારે રોશની સંપૂર્ણ રીતે જઈ શકે છે. રેટિનાની નસોમાંથી લોહી અથવા પીળું પ્રવાહી નીકળવું એ રેટિનોપથીની નિશાની છે. વહેલા નિદાનથી તમારી રોશની પણ બચી શકે છે.
• ગ્લુકોમાઃ આ આંખમાં દબાણ સાથે સંકળાયેલો રોગ છે, જે સામાન્ય રીતે લક્ષણો બતાવતો નથી. લાંબા સમય સુધી વધેલા દબાણને કારણે આંખની નસ એટલે કે ઓપ્ટિક નર્વ પર ખરાબ અસર પડે છે અને જોવામાં તકલીફ થાય છે. જો યોગ્યસમયે તેની સારવાર ન કરવામાં આવે તો દર્દી કાયમ માટે આંખની રોશની ગુમાવી શકે છે.
• બ્રેઈન ટ્યુમરઃ ટ્યુમર મગજમાં દબાણ વધારે છે. જે આંખો સુધી પહોંચી શકે છે. આના ચિહ્નોમાં ઓપ્ટિક નર્વમાં સોજો, દ્દષ્ટિમાં ઘટાડો, ડબલ દેખાવું ફેરફારનો સમાવેશ થાય છે.
• હાઈ કોલેસ્ટ્રોલઃ આંખની કીકી (Cornea) આસપાસ જો આછા વાદળી કે સફેદ રંગની રીંગ (Arcus) દેખાવા લાગે, તો તે શરીરમાં ઊંચા કોલેસ્ટ્રોલ સ્તર અને નસો બ્લોક થવાના સંકેત આપે છે.
• લિવરની સમસ્યાઓ કે કમળોઃ આંખનો સફેદ ભાગ પીળો પડવો એ શરીરમાં બિલીરૂબિનનું પ્રમાણ વધવાને કારણે થાય છે, જે લિવરની ખરાબી કે કમળા (Jaundice)ની પ્રારંભિક ચેતવણી છે.
• એસટીડીઃ સિફિલિસ, હર્પીસ, ક્લેમીડિયા અને એચઆઇવી જેવા જાતીય રોગ પણ આંખોને અસર કરી શકે છે. આમ આંખની તપાસથી બીમારી માટે એલર્ટ મળી શકે છે.
તમારી આંખોને પણ સનબર્ન થઈ શકે છે
જેને તબીબી ભાષામાં ફોટોકેરાટાઈટિસ કહેવાય છે. અમેરિકાના પેન્સિલવેનિયા સ્થિત જેફરસન આઈન્સ્ટાઈન ફિલાડેલ્ફિયા હોસ્પિટલના નેત્રરોગ વિશેષજ્ઞ ડો. વિન્સેન્ટના મતે તેજસ્વી સૂર્યપ્રકાશ, યુવીના લાંબો સમય સંપર્કથી લાલાશ, દુખાવો, બળતરા થઈ શકે છે. આ સ્થિતિ ઘણીવાર 1-2 દિવસમાં ઠીક થઈ જાય છે પરંતુ આંખના ટીપાં, કોલ્ડ કોમ્પ્રેસ, આરામ જરૂરી છે.


