આંતરડું એટલે આપણા શરીરનો મુખ્ય રક્ષણ કિલ્લો. આંતરડું માત્ર ખોરાક પચાવવાનું કામ જ નથી કરતું, પણ આપણા રોગપ્રતિકારક તંત્રના 70 ટકા જેટલા ભાગો સાથે સીધો સંબંધ રાખે છે. આથી આંતરડાંની તંદુરસ્તી સારી હશે તો રોગોથી લડવાની તાકાત પણ વધુ રહેશે. આંતરડું આપણા પાચનતંત્રનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે, જે ખોરાક પચાવવાનું તથા ખોરાકમાંથી પોષકતત્ત્વોને શોષી લેવાનું કાર્ય કરે છે તથા અવશેષોને બહાર કાઢે છે. સૌથી અગત્યની બાબત એ છે કે તે આપણા શરીરમાં રહેલા સજીવ જીવાણુઓ સાથે મળીને શરીરની ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ)ને મજબૂત બનાવે છે. આંતરડાંમાં લાખો જેટલા સજીવ બેક્ટેરિયા, ફંગસ, વાઇરસ અને અન્ય માઈક્રો ઓર્ગેનિઝમ્સ વસે છે.
‘ગટ માઈક્રોબાયોમ’ અથવા ‘ગટ માઈક્રોઓર્ગેનિઝમ્સ’ તરીકે ઓળખાતા આ સજીવો હાનિકારક જીવાણુઓ સામે શરીરનું રક્ષણ કરે છે. પોષકતત્ત્વો શોષવામાં મદદ કરે છે તથા વિટામિન બી12નું ઉત્પાદન કરે છે અને રોગપ્રતિકારક કોષોને સંકેતો આપી તેમને સક્રિય રાખે છે.
આંતરડું અને રોગપ્રતિકારક શક્તિનો
સંબંધ શા માટે વિશેષ?
• આંતરડાંની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં રોગપ્રતિકારક કોષો હાજર હોય છે, જે ભવિષ્યમાં ચેપથી બચાવ કરે છે.
• હેલ્ધી ગટ બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયાને વધવા દેતા નથી, જેના કારણે શરીર રોગો સામે લડી શકે છે.
• જ્યારે ગટ માઈક્રોબાયમ બેલેન્સમાં હોય છે ત્યારે અમુક પ્રકારના ઓટોઈમ્યુન રોગો થવાની શક્યતા ઓછી થાય છે.
આંતરડાંની તંદુરસ્તી ખરાબ થવાનાં કારણો
વધારે પડતું તળેલું અને ખાંડ ખાવાથી, ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડફૂડના વધારે પડતા સેવનથી તેમજ ઉઘાડા/વાસી ખોરાક કે પાણીના સેવનથી પણ આંતરડાંની તંદુરસ્તી જોખમાય છે. આ ઉપરાંત વધુ માત્રામાં એન્ટિબાયોટિક્સ લેવાથી આંતરડાના આરોગ્ય પર ખરાબ અસર થાય છે. તો તણાવ તથા ઊંઘની ઊણપ પણ આંતરડાંની તંદુરસ્તીને નુકસાન કરે છે.
આંતરડાનું આરોગ્ય સુધારવાના પ્રાકૃતિક ઉપાયો
સહુ કોઇ ભોજનશૈલીમાં સામાન્ય ફેરફાર કરીને આંતરડાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. આંતરડાની તંદુરસ્તી જાળવી શકે છે.
• પ્રોબાયોટિકયુક્ત આહાર જેમ કે, દહીં, છાશ, ઢોકળાં, ઈડલી વગેરેનું સેવન કરો. આ ખાદ્ય પદાર્થોમાં જીવિત સારા બેક્ટેરિયા ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જે લાભદાયી છે.
• પ્રોબાયોટિક આહાર જેમ કે રેસાદાર ફળો, શાકભાજી, આખાં અનાજનું સેવન સારા બેક્ટેરિયાને ખોરાક આપે છે, અને આંતરડાનું આરોગ્ય સુધારે છે.
• વધારે પડતા સ્ટ્રેસ (તણાવ)થી ગટ બેક્ટેરિયાનું સંતુલન ખોરવાય છે, જેથી પૂરતી ઊંઘ તથા સ્ટ્રેસનું નિયંત્રણ કરવું પણ જરૂરી છે.
• વિટામિન ડી અને ઝિંક જેવાં પોષકતત્ત્વો રોગપ્રતિકારક શક્તિને સક્રિય રાખે છે. આથી ખાસ ખ્યાલ રાખો કે તમારા શરીરમાં આ તત્વોનું પ્રમાણ નિયત માત્રાથી ઘટે નહીં.
• નિયમિત વ્યાયામ આંતરડાંની ગતિશીલતામાં સુધારો કરે છે. વ્યાયામને તમારી રોજિંદી જીવનશૈલીનો હિસ્સો બનાવો તે તમારા આંતરડા ઉપરાંત તમારા શારીરિક-માનસિક સ્વાસ્થ્યને પણ લાભકર્તા પુરવાર થશે.


