આત્મનિર્ભર બનો, મસ્ત રહો...

Wednesday 27th April 2022 08:10 EDT
 

મોટા ભાગના વડીલોની માનસિકતા છે કે ઉંમર વધતા અન્યો પર જ નિર્ભર રહી જીવન વિતાવવું પડે છે, પણ તેમની આ માન્યતા ભૂલભરેલી છે. જો સમય સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી બાબતો તમે જાતે જ કરી શકો છો અને અન્યો પર નિર્ભર રહેવાનો વારો આવતો નથી. હાલના ટેક્નોલોજીના સમયમાં કંઈ જ અશક્ય નથી. બસ જાત પર વિશ્વાસ રાખો અને સમય સાથે ચાલતા રહો. પછી જૂઓ જિંદગી કેવી મોજમાં વીતે છે...
• સમય સાથે અપડેટ: વ્યક્તિની ઉંમર વધવાની સાથે ઘણું બધું બદલાતું રહેતું હોય છે. આ કારણે સમય અને પરિસ્થિતિ પ્રમાણે પોતાનામાં પણ બદલાવ લાવવો જરૂરી છે. વર્તમાન સમયની ટેક્નોલોજી અને વિચારસરણી સાથે અપડેટ રહો. નવી નવી બાબતોની માહિતી મેળવતા રહો, જરૂર પડે તો પરિવારના યુવા સભ્યોની મદદ લો, મિત્રો-સ્વજનોની મદદ લો, ક્લાસીસમાં જોડાઓ, ટીવી અને ન્યૂઝપેપરના માધ્યમથી દુનિયા સાથે જોડાયેલા રહો. તમારી જીવનશૈલીમાં અને ખાણીપીણીમાં પરિવર્તન લાવો, જેથી તમે હેલ્ધી રહેશો અને પોતાના કાર્યો જાતે કરવા માટે સક્ષમ રહેશો.
• ટેક્નોલોજીને જાણો: આજના ટેક્નોલોજીના જમાનામાં ઈલેક્ટ્રિક ગેજેટ્સથી માહિતગાર રહો. હાલના સમયમાં મોટા ભાગના કામ ઘરે બેઠા મોબાઈલ દ્વાર જ પૂરા કરવામાં આવે છે. આ કારણે પરિવારની મદદ લઈને જરૂરી ગેજેટ્સ અને એપ અંગે જાણકારી મેળવો. જો વડીલ પતિ-પત્ની ઘરમાં એકલા રહેતા હોય તો મોબાઈલની મદદથી જ ઘરના લાઈટ બીલ, ગેસ બીલ, ગ્રોસરી તેમજ અન્ય જરૂરી બીલ અને ખરીદી ઘરે બેઠાં બેઠાં જ કરી શકો છો. આનાથી તમારી રોજિંદી દોડધામ ઘણી ઓછી થઇ જશે. નાના-નાના કામ માટે ધક્કા ખાવામાંથી મુક્તિ મળતાં ઘણી રાહત વર્તાશે.
• સ્વાવલંબી બનો: અન્યો પર નિર્ભર રહેવાના બદલે જાત પર જ આત્મનિર્ભર રહો. ઘરના હોય કે બહારના તમારાથી થઈ શકતા તમામ કામો જાતે જ કરો. જીવનમાં વ્યસ્ત રહેશો તો તમારો સમય પણ પસાર થઈ જશે અને સાથે સાથે તમારા કામો પણ પૂરા થઈ જશે. ક્યારેક કોઈ બાબતને લઈને મૂંઝવણ રહે તો પરિવારની મદદ લો અને જો વડીલ પતિ-પત્ની એકલા રહેતા હોય તો કોઈ પાડોશી અથવા કોઈ વિશ્વાસુની મદદ લો. અટકી પડતા કોઈની મદદ લેવામાં કોઈ વાંધો નથી, પણ પૂરેપૂરા અન્યો પર નિર્ભર રહી તેમના પર બોજરૂપ ન બનો.
• પાર્ટનરને બનો મદદરૂપ: વડીલ પતિ-પત્ની જીવનના પાછલા સમયમાં એકબીજાની ઘડપણની લાકડી બની રહે તો જીવન ઘણું સરળ થઇ જાય. જરૂરિયાત સમયે પતિ પત્નીનો સહારો બને અને પત્ની પતિનો સહારો બને. રસોડાના નાનામોટા કામમાં પતિ પત્નીને મદદરૂપ થઈ શકે છે, જેમ કે ક્યારેક રસોઈ બનાવી, સાફસફાઈમાં મદદ કરવી, પ્લાન્ટિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી પત્નીને મદદરૂપ બનો. પત્ની પણ ઈલેક્ટ્રિક ગેજેટ્સથી અપડેટ રહીને જરૂરી બીલો ભરવાથી માંડીને ઘરની જરૂરી વસ્તુઓ જાતે જ ખરીદીને પતિની મદદ કરી શકે છે.
• હંમેશા પોઝિટિવ રહો: જિંદગીમાં સુખી થવું હોય તો હંમેશાં હકારાત્મક અભિગમ અપનાવો. તેનાથી માનસિક અને શારીરિક રીતે ઘણો ફરક જોવા મળે છે. નકારાત્મક અભિગમ જોમ-જુસ્સાને તોડી પાડતા હોય છે. પરિણામે માનસિક-શારીરિક થકાવટ, કંટાળો, ચિંતા, તણાવ જેવી ફરિયાદો વધે છે. આમાંથી બચવું હોય તો દરરોજ સવારે મેડિટેશન અને યોગ કરો. લોકો સાથે હળીમળીને વિચારોની આપ-લે કરો. કોઈ પણ સમસ્યા હોય ત્યારે મૂંઝાવાને બદલે શાંત ચિતે વિચારો. સમસ્યાના મૂળિયા સુધી પહોંચો અને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter