આદત કેળવવાનો અકસીર ઉપાય

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 27th January 2016 06:56 EST
 
 

• રોજ અડધો કલાક વોક કે જોગ માટે જઈશ.

• હવેથી રોજ સવારે સાડા પાંચ વાગે ઊઠી જઈશ.

• હવેથી જન્ક-ફૂડ ખાવાનું બંધ.

• સ્નેક્સમાં મલ્ટિ-ગ્રેન બિસ્કિટ્સ જ ખાઈશ.

• રોજ સવારે હેલ્ધી નાસ્તો કરીશ.

નવા વર્ષનું આગમન થાય એટલે લગભગ ૮૦ ટકા લોકો પોતાની હેલ્થ માટે જાગ્રત થઈ જાય છે! ડાહ્યા-ડાહ્યા હેલ્થમંત્રો જીવનમાં ઉતારવાના સંકલ્પો લેવાય જાય છે. જોકે આ સંકલ્પો બહુ ઝાઝું ટકતા નથી. ૧૪ જાન્યુઆરીની ઉત્તરાયણ આવે ત્યાં સુધીમાં તો બધું જ રાબેતા મુજબ જૈસે થે થઈ જતું હોય છે. આમ છતાં, નવા વર્ષે લીધેલા સંકલ્પો લેવાની પ્રથા હજી બંધ નથી થઈ. સંભવ છે કે તમે પણ આવો કોઇ સંકલ્પ કર્યો હશે, અને તૂટી ગયો હશે. જોકે તમારે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નથી.

સ્પેનના સાઈકિયાટ્રિસ્ટોની એક ટીમનું કહેવું છે કે કોઈ પણ નવો સંકલ્પ જ્યાં સુધી આદત ન બની જાય ત્યાં સુધી એ તૂટવાની સંભાવનાઓ વધુ રહે છે અને નવી આદત બનતાં ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગતા હોય છે. આનો મતલબ એ થયો કે નવા વર્ષે તમે નક્કી કરેલી એક હેલ્ધી આદત કેળવવા માટે તમારે પહેલાં ત્રણ અઠવાડિયાં સુધી ખૂબ સજાગ રહેવું પડે અને એ પછી આપમેળે તમને એમ કરવાનું મન થવા માંડશે.

સંકલ્પ પર નિર્ભર

વહેલા ઊઠવાની આદતની વાત હોય કે અમુક ચોક્કસ સમયે એકસરસાઇઝ કરવાની, જમવાની કે સમયની શિસ્ત કેળવવાની વાત હોય ત્યારે ત્રણ અઠવાડિયાં સુધી વધુ સભાનપણે અને દૃઢ મનથી સંકલ્પનું પાલન કરવું રહ્યું. આ પછીથી બોડી સાઇકલ જ એ રીતે સેટ થઈ જાય કે તમે કુદરતી રીતે જ વહેલા ઊઠવા માંડો.

જોકે આ ૨૧ દિવસનો નિયમ બધા જ સંકલ્પો માટે લાગુ નથી પડતો. વ્યસન છોડવાનું હોય કે લાઇફસ્ટાઇલમાં નિયમિત ચેન્જ લાવવાનો હોય ત્યારે માત્ર ત્રણ સપ્તાહ પૂરતા નથી. વ્યસન માટે સાઇકિયાટ્રિસ્ટોએ સરેરાશ ૧૬૬ દિવસ નક્કી કર્યાં છે. ચેઇન સ્મોકર્સ જો સળંગ ૧૬૬ દિવસ સિગારેટ ફૂંક્યા વિના કાઢી નાખે તો પછી એને ફરીથી પહેલાં જેવી સિગારેટની તલપ ક્યારેય લાગતી નથી તેવો દાવો સ્પેનના સાઇકિયાટ્રિસ્ટોનો છે.

અમર્યાદિત સંકલ્પ ન લો

મોટા ભાગના લોકો નિયમ લેતી વખતે ‘દૃઢતાપૂર્વક’ નક્કી કરે છે કે હવેથી રોજ હું અમુક-તમુક ચીજ કરીશ જ અથવા તો નહીં જ કરું. અમેરિકાના જાણીતા સેલ્ફ-ડેવલપમેન્ટ કોચ સ્ટીવન એચિસનની સલાહ છે કે કદી અમર્યાદિત કાળ માટે કોઈ નિયમ ન લો. એનાથી મન પર સંકલ્પનું વધુ ભારણ રહે છે. હવેથી સ્વીટ્સ નહીં ખાઉં એવું નક્કી કરો એને બદલે ત્રણથી ચાર વીક માટે સ્વીટ્સ નહીં ખાઉં એવું નક્કી કરવાથી આ સંકલ્પ વધુ લાંબો ચાલે છે. રોજ સવારે ચાલવા જઈશ એવું નક્કી કરવાને બદલે ત્રણ અઠવાડિયાં સુધી રોજ નિશ્ચિત સમયે એકસરસાઇઝ કરીશ એવું નક્કી કરવું બહેતર છે. એટલું જ નહીં, વેજિટેબલ જૂસ પીવાનું કે સેલડ ખાવાનું નક્કી કરો ત્યારે પણ કાયમ માટે આમ જ કરવાનું છે એવો ભાવ મનમાં ન રાખવો.

જ્યારે હંમેશા માટે તમે કોઈ નિયમ લો છો ત્યારે એને તોડવા માટેનાં અનેક બહાનાંઓ મળી રહે છે. રાત્રે કામમાં મોડું થઈ ગયું એટલે સવારે છ વાગે ઊઠી ન શકાયું એવું બહાનું તમે મનને આપી શકો છો. જ્યારે તમે નક્કી કર્યું હોય કે ચાહે કંઈ પણ થાય, આ ૨૧ દિવસ હું સવારે છ વાગ્યે જ ઊઠીશ ત્યારે તમે રાતના ઊજાગરાના, રાત્રે બરાબર ઊંઘ ન આવ્યાના, તબિયત નબળી હોવાના બહાનાને તાબે નહીં થાઓ. ધારો કે, એક વાર ઉજાગરો કરવા છતાં સવારે વહેલા ઊઠ્યા તો બીજા દિવસે જાતે જ વહેલા સૂઈ જવાની જરૂરિયાત સમજાઈ જાય છે.

દરેક કામનો નિશ્ચિત સમય

કોઈ પણ ચીજની આદત પાડવી હોય તો એને દૈનિક શિસ્તમાં લાવવી પડે અને એટલે જ અઠવાડિયામાં ત્રણ દિવસ એક કલાક ચાલવા જઈશ એવો સંકલ્પ બહુ સફળ થતો નથી, પણ રોજ અડધો કલાક ચાલવા જઈશ એવું નક્કી કરવાથી ડેઇલી ડિસિપ્લિન જળવાય છે.

બીજું, દિવસમાં એક વાર ચાલવા જઈશ એવો લૂઝ સંકલ્પ પણ કામ કરતો નથી. કાં તો રોજ સવારે અથવા તો રોજ સાંજે એમ ચોક્કસ સમય નક્કી કરીને એ જ સમયે ચાલવા જવાનું રાખવું જરૂરી છે. અમુક ચોક્કસ દિવસો સુધી દરરોજ નિયત સમયે જે-તે ચીજ કરવાનું રાખવાથી ધીમે-ધીમે કરતાં એ આદત બની જાય છે.

મનોચિકિત્સકોનું માનવું છે કે જ્યારે સવારને બદલે સાંજે કામ કરી શકાશે એવો વિકલ્પ ખુલ્લો હોય છે ત્યારે વ્યક્તિ એ કામ પાછું ઠેલે એવા ચાન્સિસ વધારો હોય છે અને એક વાર જે નિયમ પાછો ઠેલી શકાય છે એમાં અનેક બહાનાંઓ ભળી શકે છે.

ડેઇલી ડાયરી

નવો સંકલ્પ કોઈ પણ હોય, એ આજે તમે પાળ્યો કે નહીં એની સભાન નોંધ રોજેરોજ લેવાય એ જરૂરી છે. આ માટે રોજનીશી રાખવી એ મસ્ટ છે. લાંબું-લાંબુ લખવાની જરૂર નથી. પણ તમે સંકલ્પ પાળ્યો કે નહીં એની ટિકમાર્ક જરૂર કરી લેવી. આમ કરવાથી તમે પહેલી જાન્યુઆરીએ કરેલા સંકલ્પને રોજેરોજ સભાનતામાં લાવશો. દૈનિક સભાનતાને કારણે એ પૂરો કરવાનો જુસ્સો પણ મળશે.

જો તમે ૨૧ દિવસ માટે નક્કી કર્યું હોય કે રોજ સવારે સાડા પાંચ વાગે ઊઠી જ જઇશ તો ડેઇલી ડાયરીમાં તમે આજે કેટલા વાગ્યે ઊઠ્યા એની નોંધ લખવી. તમે સતત પાંચ-સાત દિવસ સુધી સંકલ્પ પાળશો તો પોઝિટિવ લાગણી થશે, જે તમારા રેઝોલ્યુશનને વધુ લાંબુ ચાલવાનું બળ આપશે. જો સંકલ્પ પાળવામાં ખાડા પાડતા હશો તો તમારા કોન્શિયસ માઇન્ડમાં એની નોંધ થશે. અને ભવિષ્યમાં તમે આવો ખાડો પાડતાં પહેલાં બે વખત વિચાર કરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter