આપણને દેખાતા રંગો તો મગજની માયાજાળ છે

Sunday 07th September 2025 06:27 EDT
 
 

આપણને દેખાતા રંગો તો મગજની માયાજાળ છે
આપણે લાલ કે લીલાં પાન, ભૂરા આકાશ કે ગોરાડું માટી વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ શું તમને જાણ છે કે રંગ જેવું કશું હોતું જ નથી અથવા તમે વાસ્તવમાં કદી રંગ નિહાળ્યા નથી? ખરેખર તો આ બધી મગજની માયાજાળ છે. આપણે જેને રંગ કે કલર કહીએ છીએ તે આપણા મગજ દ્વારા પ્રકાશની વિવિધ તરંગલંબાઈ કે વેવલેન્ગ્થ્સનું ડિકોડિંગ અથવા તો અર્થઘટન છે. પદાર્થવિજ્ઞાન કે ફીઝિક્સની વાત કરીએ તો લાલ, ભૂરો અથવા લીલો રંગ હોતો જ નથી. રંગો માત્ર વિવિધ ગતિ સાથે ધ્રૂજારી સર્જતી અદૃશ્ય ઈલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી છે. પ્રત્યેક વેવલેન્ગ્થ ચોક્કસ એનર્જી લેવલને સુસંગત હોય છે. આપણે જ્યારે લાલ રંગનો પ્રકાશ (આશરે 620–750 nm નેનોમીટરની તરંગલંબાઈ) અથવા જાંબલી રંગનો પ્રકાશ (આશરે 380–450 nm નેનોમીટરની તરંગલંબાઈ), જોઈએ તે વાસ્તવમાં રંગ નથી, પરંતુ સતત ધ્રૂજારી ઉત્પન્ન કરતી શુદ્ધ ઊર્જા-એનર્જી છે. આપણી આંખમાં કોન એટલે કે શંકુ આકારના સંવેદનશીલ ફોટોરિસેપ્ટર કોષો હોય છે, જે વિવિધ ચોક્કસ તરંગલંબાઈ સાથે ટ્યૂન્ડ રહે છે. આ ફોટોરિસેપ્ટર કોષોનું નેટવર્ક કલર ચેનલ સેન્સર્સ તરીકે કામ કરે છે. એક કોષ લાલ પ્રકાશનું તો બીજો કોષ લીલા રંગનું પ્રોસેસિંગ કરે છે, જે મગજને પહોંચાડાય છે. તેમના દ્વારા મળતી માહિતીનું મગજ વિશ્લેષણ કરે છે અને તેમાંથી મળતા સંકેતો અનુસાર આપણે રંગને કથિતપણે પારખીએ છીએ. તમે કદાચ ત્રિપાર્શ્વ કાચ જોયો હશે, તે શ્વેતરંગી હોય છે,પરંતુ તેમાંથી પ્રકાશ પરિવર્તિત થતો હોય ત્યારે અલગ અલગ પ્રકારના રંગો જોવા મળે છે. આપણે કોઈ પણ પદાર્થને જોઈએ ત્યારે વાસ્તવમાં તે કેવી રીતે પ્રકાશિત છે તે જ જોઈએ છીએ. અલગ અલગ લોકો ચોક્કસ રંગને પણ અલગ રીતે જ નિહાળે છે. ઘણાને લાલ કે લીલા રંગનો તફાવત જણાતો નથી કારણકે તેઓ કલર બ્લાઈન્ડ હોય છે એટલે કે તેમનું મગજ પ્રકાશને પારખી શકતું નથી.

•••

એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી અચાનક કાર્ડિયાક અરેસ્ટનું જોખમ

સમગ્ર વિશ્વમાં આયુષ્યમર્યાદા વધી છે, પરંતુ સતત તણાવગ્રસ્ત જીંદગી અને પ્રદૂષણના કારણે અકાળે મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. તણાવમાં રહેતા લોકો એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લેતા હોય છે, પરંતુ આ દવાઓ ભારે ખતરનાક નીવડી શકે છે. અભ્યાસો મુજબ એન્ટિ-ડિપ્રેસન્ટ પિલ્સનો સીધો સંબંધ ‘સડન કાર્ડિયાક અરેસ્ટ (SCD)’થી થતાં અકાળ મૃત્યુ સાથે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર હૃદયરોગ ધરાવતા લોકોને ડિપ્રેશન એટલે કે હતાશા, ચિંતા નું જોખમ વધારે હોય છે અને તેઓ અચાનક કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બને તેનું જોખમ વધારે હોય છે. જો કોઈ વ્યક્તિ એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ પણ લેતી હોય, તો અચાનક કાર્ડિયાક અરેસ્ટ થવાનું જોખમ નોંધપાત્રપણે 5 ગણું વધી જાય છે. વિશ્વમાં લગભગ 3.1 ટકા એટલે કે લગભગ 250 મિલિયન લોકો એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લઈ રહ્યા છે. એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી મગજમાં સેરોટોનિન, ડોપામાઇન, નોરાડ્રેનાલિન જેવા ન્યુરોટ્રાન્સમીટરનું સ્તર વધે છે, જેનાથી મૂડ-મિજાજ સુધરે છે. કોઈ વ્યક્તિ ગંભીર ડિપ્રેશનથી પીડાતી હોય ત્યારે માનસિક સ્વાસ્થ્ય માટે દવાઓ ખૂબ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. જોકે, આ દવાઓની અસર માત્ર મગજને જ નહિ, પરંતુ સૌથી વધુ અસર નર્વસ સિસ્ટમ, હોર્મોન સંતુલન અને હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સહિત સમગ્ર શરીરને થાય છે. આપણું હૃદય ચોક્કસ ગતિ અને લયથી ધબકે છે, પરંતુ કેટલીક એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ આ લયને વિક્ષેપિત કરી શકે છે, હૃદયના ધબકારા અચાનક અનિયમિત, ધીમા કે ખૂબ જ ઝડપી થઈ જાય છે. આ સ્થિતિમાં, હૃદય લોહી પંપ કરવાનું બંધ કરી દે ત્યારે વ્યક્તિ થોડીક સેકન્ડોમાં બેભાન થઈ જાય છે. જો તાત્કાલિક CPR અથવા તબીબી મદદ ન મળે તો મૃત્યુ થઈ શકે છે. અભ્યાસ મુજબ, 1-5 વર્ષથી એન્ટી-ડિપ્રેસન્ટ્સ લેનારા લોકોને અચાનક કાર્ડિયાક મૃત્યુનું જોખમ 56 ટકા વધે છે જ્યારે 6 વર્ષ કે વધુ સમયથી એન્ટિ-ડિપ્રેસન્ટ્સ લેનારાને SCDનું જોખમ 2.2 ગણું વધી જાય છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter