આપણા શરીરમાં કેટલા કોસ્મિક પાર્ટિકલ્સ પસાર થઈ જાય છે?
બાહ્ય અવકાશમાંથી દરરોજ અને દર સેકન્ડે પૃથ્વી પર અગણિત પાર્ટિકલ્સ અથવા તો રજકણોનો જોરદાર બોમ્બમારો થતો રહે છે. આમાંથી કેટલાક પાર્ટિકલ્સ આપણી પૃથ્વીના વાતાવરણથી અવરોધાય છે, પરંતુ સંખ્યાબંધ પાર્ટિકલ્સ વાતાવરણમાં પ્રવેશી જાય છે અને સજીવો સહિત દરેક પદાર્થમાંથી સરળતાથી પસાર થતાં રહે છે. આ કોસ્મિક પાર્ટિકલ્સ આપણા શરીરની આરપાર નીકળી જાય છે, પરંતુ તેનુી ખબર પડતી નથી. આનાથી એક પ્રશ્ન સર્જાય છે કે આપણા શરીરમાં કોઈ પણ ક્ષણે કેટલા કોસ્મિક પાર્ટિકલ્સ પસાર થઈ જાય છે? બાહ્ય અવકાશમાંથી વછૂટી આપણા શરીરમાંથી પસાર થઈ જતા સૌથી સામાન્ય પાર્ટિકલ્સ ન્યૂટ્રિનોઝ નામે ઓળખાય છે. લાસ વેગાસની યુનિવર્સિટી ઓફ નેવાડાના ફીઝિક્સના પ્રોફેસર માઈકલ પ્રાવિકાના જણાવ્યા અનુસાર દર સેકન્ડે અંદાજે 100 ટ્રિલિયન ન્યુટ્રિનોઝ આપણા દરેકના શરીરમાંથી પસાર થઈ જાય અને તેની કોઈ સાબિતી પણ મૂકતા નથી. ન્યુટ્રિનોઝ ન્યુક્લીઅર એક્ટિવિટીઝમાંથી પેદા થાય છે અને મોટા ભાગના ન્યૂટ્રિનોઝ સૂર્યને ઊર્જા આપતા ન્યૂક્લીઅર ફ્યુઝન રીએક્શનમાંથી આવે છે. જોકે, કેટલાક ન્યૂટ્રિનોઝ તો સૂર્યથી ઘણે દૂરથી અથવા તો અન્ય ગેલેક્સીઓમાંથી વછૂટતા રહે છે. પૃથ્વી પર સતત આક્રમણ કરતા અન્ય અવકાશી પાર્ટિકલ્સ કોસ્મિક કિરણો છે. ઈલેક્ટ્રિકલી ચાર્જ્ડ શક્તિશાળી રજકણો લગભગ પ્રકાશની ગતિએ દરેક દિશાએથી પ્રવાસ કરે છે. સૂર્યના ન્યુક્લીઅર રીએક્શન્સથી વછૂટતા કોસ્મિક કિરણો ઘણાં ઓછાં શક્તિશાળી હોેય છે ત્યારે મોટા ભાગના કિરણો આપણી સૂર્યમાળાથી પણ દૂરથી આવે છે. અતિશય દૂર આવેલા તારાનો વિસ્ફોટ થઈ સુપરનોવા સર્જાય, પદાર્થો અતિ મહાકાય બ્લેક હોલ્સમાં સરી પડે અથવા ગેલેક્સીઓની અથડામણ થાય ત્યારે પણ આવા કોસ્મિક કિરણો સર્જાતા હોવાનું યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા કહેવાયું છે. કોસ્મિક કિરણો મુખ્યત્વે હાઈડ્રોજન અણુના પ્રોટોન કણો હોય છે અથવા પ્રોટોન અને ન્યુટ્રોન્સ ધરાવતા ભારે તત્વોના આણ્વિક કેન્દ્ર હોય છે.
•••
આપણી પૃથ્વીનું વજન કેટલું હશે?
પૃથ્વીનું દળ અથવા દ્રવ્ય કેટલું હશે તેનું માપ કાઢતા સેંકડો વર્ષ લાગી ગયા છતાં, નિષ્ણાતો તેના ચોક્કસ આંકડા વિશે એકમત થઈ શકતા નથી. આપણી પૃથ્વી પર લાખો કિલોમીટરના સખત ખડકો અને ખનિજો ઉપરાંત, બિલિયન્સની સંખ્યામાં સજીવ પ્રજાતિઓ તેમજ અગણિત કુદરતી અને માનવસર્જિત માળખાંઓ પણ છવાયેલાં છે. આ બધાનું અલગ અલગ અને અનમોખું વજન હોય છે ત્યારે આ બધું થઈને કેટલું વજન હોઈ શકે તે પ્રશ્નનો કોઈ એક ઉત્તર મળતો નથી. માનવીનું વજન ચંદ્ર પર હોય ત્યારે ઓછું રહે છે અને પૃથ્વી પર અલગ હોય છે તેમ પૃથ્વીનું પણ એક વજન નથી. પૃથ્વીનું વજન તેને ખેંચી રહેલા ગુરુત્વાકર્ષણીય ફોર્સ પર આધારિત હોય છે. જેનો અર્થ એમ થાય કે તેનું વજન ટ્રિલિયન્સ પાઉન્ડ હોઈ શકે અથવા કશું પણ ન હોય. NASA અનુસાર પૃથ્વીનું દળ કે માસ 5.9722×10^24 (1,000,000,000,000,000,000,000,000 ) કિલોગ્રામ્સ અથવા આશરે 13.1 સેપ્ટિલિયન (septillion) પાઉન્ડ છે. આ વજન ઈજિપ્તના ખાફ્રે પિરામીડના 13 ક્વોડ્રિલિયન (એક ક્વોડ્રિલિયન એટલે 1,000,000,000,000,000) જેટલું થાય. આ પિરામીડનું જ વજન આશરે 10 બિલિયન પાઉન્ડ (4.8 બિલિયન કિલોગ્રામ) છે. આમ પૃથ્વીનું વજન આંકડામાં લખવા જઈએ તો 5,97,220,00,000,000,000,000,000,00 કિલોગ્રામ ગણી શકાય. આપણા વાતાવરણમાંથી બહાર ફેંકાતા વાયુઓ અને અવકાશી રજોટીના કારણે પૃથ્વીના દળમાં નજીવો ફેરફાર થતો રહે છે, પરંતુ આ ફેરફારોની પૃથ્વી પર અબજો વર્ષ સુધી અસર થતી નથી.
•••


