આપણાં રસોડામાં છે કેન્સરને રોકવાના ઉપાય

હળદર, આદુ, મરી, જેવા મસાલામાં રહેલા છે આપણને સ્વાસ્થ્યને સારું રાખતા અનેક ગુણ

Wednesday 29th October 2025 08:38 EDT
 
 

ભારતીય રસોડામાં ઉપલબ્ધ મસાલાઓનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને કેન્સરથી બચાવી શકે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન અને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરે હાલમાં જ એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર આપણા ઘરોમાં ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં કેન્સરથી લડવાના અનેક ગુણ જોવા મળ્યા છે. જાણીએ કયા મસાલા કેટલી માત્રામાં રોજ ઉપયોગ કરીએ અને તેમાં રહેલા કયા તત્વો કેન્સરથી લડવામાં મદદ કરે છે.

• લસણઃ લસણમાં રહેલું તત્વ ડીએનએને નુકસાન થતું અટકાવીને કેન્સરથી બચાવે છે. તેમાં સલ્ફરના કમ્પાઉન્ડ્સ મળી આવે છે. તે કોલોરેક્ટલ કેન્સરના જોખમને ઓછું કરે છે. એલિસિન યૌગિક પણ તેમાં હોય છે, જે ડીએનએ ક્ષતિ રોકવા અને કેન્સર સેલ્સનો ગ્રોથ ઓછો કરવામાં સહાયક છે. પેટ, કોલન અને ફેફસાંના કેન્સરથી બચાવમાં ફાયદારૂપ છે.
માત્રાઃ રોજ 1-2 કાચી કળીઓ

• હળદરઃ તેમાં રહેલું કરક્યૂમિનનું તત્વ કેન્સર રોકે છે હળદરમાં જોવા મળતા કરક્યૂમિનમાં કેન્સર પ્રતિરોધક ગુણો હોવાની આધુનિક વિજ્ઞાને પણ પુષ્ટિ કરી છે. હળદર પ્રોસ્ટેટ, પાચન તંત્ર, માથા અને ગરદનના કેન્સરથી બચાવમાં સહાયક થઈ શકે છે. તે બ્રેઈન, બ્રેસ્ટ અને કોલન કેન્સરની વિરુદ્ધ પણ પ્રભાવી હોઈ શકે છે. હળદરમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે.
માત્રાઃ રોજ 1/2થી 1 ચમચીની માત્રામાં હળદર ઉપયોગી હોય છે.
• આદુઃ શરીરમાં કેન્સર સેલ્સને વધવાથી રોકે છે. આદુમાં મળતા જિંજરોલ કેમિકલ એન્ટીઓક્સિડેન્ટ અને સોજા અટકાવવાના ગુણો માટે જાણીતું છે. તે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરી કેન્સર સેલ્સને વધતા રોકે છે. કોલન, પેન્ક્રિયાઝ અને ઓવેરિયન કેન્સર રોકવામાં સહાયક છે.
માત્રાઃ દિવસમાં 1-2 ગ્રામ આદુનો પાવડર કે 1-2 ઈંચ તાજું આદુ.

• મરીઃ મરીમાં પણ કેન્સરને રોકવાના ગુણ છે. તેમાં ફ્લેવેનોઇડ્સ અને ફેનોલિક એસિડ મળી આવે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે આ બન્ને તત્વો શરીરમાં કેન્સરના વિકાસને રોકી શકે છે. આ ઉપરાંત મરીમાં પાઈપરિન પણ હોય છે જે કરક્યૂમિનના અવશોષણને 2000 ટકા સુધી વધારી દે છે. કેન્સર-પ્રતિરોધક પ્રભાવ વધારે છે.
માત્રાઃ રોજ 1/4થી વધુમાં વધુ 1/2 ચમચી મરી, ખાસ તો હળદરની સાથે.

• તજઃ એન્ટીઓક્સિડેન્ટ ગુણ કેન્સર રોકી શકે છે, તેમાં સિનામાલ્ડિહાઈડ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે કેન્સર સેલ્સનો વિકાસ રોકી શકે છે. બ્લડ શુગરને નિયંત્રિત રાખીને કેન્સરના રિસ્કને ઓછું કરવામાં મદદ કરે છે. પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં ઉપયોગી હોવાનું સામે આવ્યું છે.
માત્રાઃ રોજ 1/2થી 1 ચમચી પાવડર લેવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter