આપણું મગજ માત્ર 12 વોટ્સ ઊર્જાનો વપરાશ કરે છે

હેલ્થ બુલેટિન

Sunday 21st December 2025 11:40 EST
 
 

આપણું મગજ માત્ર 12 વોટ્સ ઊર્જાનો વપરાશ કરે છે

આજકાલ કોમ્પ્યુટર કે કૃત્રિમ બુદ્ધિ- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે નવાઈ ન પામશો, પરંતુ કોમ્પ્યુટરની સરખામણીએ આપણું મગજ ભારે કાર્યક્ષમતા ધરાવે છે. તર્કશક્તિ, સ્મૃતિસંગ્રહ અને નિર્ણયપ્રક્રિયા જેવી જટિલ કામગીરી માટે 12 વોટ્સ ઊર્જાનો વપરાશ કરે છે. મગજની કાર્યક્ષમતા તેની બાયોલોજિકલ ડિઝાઈન થકી ઉદ્ભવે છે. કરોડો વર્ષની ઊત્ક્રાંતિના પરિણામે ન્યુરોન્સ અને ચેતાતંત્ર વચ્ચે સંકેતાના વહનના બિંદુઓ-સિનેપ્સીસની મહત્ત્મ સંખ્યાનાં કારણે માહિતીના પ્રોસેસિંગમાં ઊર્જાનો વપરાશ ઘણો ઓછો થાય છે. આનાથી વિપરીત, ભાષાના ઉચ્ચતમ પ્રોસેસિંગ અથવા સમસ્યાના ઉકેલ જેવી એકસમાન પ્રક્રિયાઓ પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમને આશરે 2.7 બિલિયન વોટ્સ ઊર્જાની જરૂર પડે છે. આટલા જંગી પ્રમાણમાં ઊર્જા વપરાશનું કારણ એ છે કે AI ને ગણતરી કરવા, કૂલિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે GPUs અને ડેટા સેન્ટર્સ જેવાં વિદ્યુતલક્ષી હાર્ડવેરની જરૂર પડે છે તેમજ વિશાળ પ્રમાણમાં ગોઠવણીને લાયક જગ્યા પણ જોઈે છે. AI વિશાળ ડેટાસેટ્સનું ઝડપી પ્રોસેસિંગ કરી શકે છે, પરંતુ તેનામાં મગજના કોમ્પેક્ટ-અતિ સુક્ષ્મ અને સમાંતર પ્રોસિંગ કરતી વ્યવસ્થાનો અભાવ છે. AI સ્પીડ અને વ્યાપકતા અથવા માપક્રમકતામાં ઘણું સારું છે,પરંતુ આ વિરોધાભાસ જ ઊર્જા કાર્યક્ષમતાના સંદર્ભમાં મગજના ઉત્ક્રાંતિની સરસાઈને ઉજાગર કરે છે. ન્યૂરોમોર્ફિક કોમ્પ્યુટિંગ અથવા ઊર્જાસક્ષમ અલ્ગોરિધમ્સમાં પ્રગતિ થશે ત્યારે આ તફાવત ઘટી શકે છે. જોકે, પ્રસ્થાપિત હકીકત એ છે કે વર્તમાન AI સિસ્ટમ્સ માનવ મગજની સરખામણીએ ઘણું ઓછું કાર્યક્ષમ છે.

•••

કાઢી નાખેલા ડહાપણના દાંત કચરો નહિ, પણ ‘મેડિકલ ગોલ્ડ’

આપણે જેને ડહાપણની દાઢ કે વિઝડમ ટૂથ કહીએ છીએ તેને વિજ્ઞાનીઓ હવે ‘મેડિકલ ગોલ્ડ’ તરીકે ઓળખાવે છે. વિજ્ઞાનીઓની શોધ એમ જણાવે છે કે કાઢી નખાયેલી ડહાપણની દાઢની અંદરના સોફ્ટ ટિસ્યુઝમાં ડેન્ટલ પલ્પ સ્ટેમ સેલ્સ (DPSCs) હોય છે. આ સ્ટેમ સેલ્સ અથવા તો મૂળભૂત કોષો ભારે પરિવર્તનશીલ હોય છે, જેઓ ન્યૂરોન્સ, હાડકાં, કાર્ટિલેજ અથવા હૃદયના સ્નાયુઓમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. વિવાદાસ્પદ એમ્બ્રિયોનિક (ભ્રૂણ) સ્ટેમ સેલ્સ અને અસ્થિમજ્જા (બોન મેરો)માંથી કઢાયેલા મૂળ કોષોથી વિપરીત, સામાન્ય રીતે ફેંકી દેવાતા દાંતમાંથી આ સ્ટેમ સેલ્સ મેળવવા સહેલા રહે છે. સ્પેનમાં સંશોધન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડેન્ટલ પલ્પ સ્ટેમ સેલ્સ (DPSCs) પાર્કિન્સન્સ (કંપવાત), અલ્ઝાઈમર્સ અનેકરોડરજ્જુની ઈજાઓની સારવારમાં પણ મદદરૂપ બની શકે છે. પ્રાણીઓ પરની ટ્રાયલ્સમાં આ કોષો મારફત મોટર ફંક્શન્સ પુનઃસ્થાપિત કરાયા છે અને મગજમાં બાઝતી છારીનું પ્રમાણ ઘટાડી શકાયું છે. સૌથી સારી અને મહત્ત્વની વાત એ છે કે તમે તમારા ખુદની ડહાપણની દાઢ કે વિઝડમ ટૂથના સ્ટેમ સેલ્સને સુરક્ષિતપણે સાચવી શકો છો અને ભવિષ્યની સારવારોમાં રિજેક્શન્સના જોખમોને ઘટાડી શકો છો. એક સમયે જે નકામો દાંતનો કચરો ગણાતો હતો તે હવે વ્યક્તિગત રિજનરેટિવ મેડિસીનની ચાવી ગણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter