આમ ફાટી ન પડાય... (હાસ્યરચના)

હાસ્યરચના

- સાંઈરામ દવે Sunday 29th March 2020 06:39 EDT
 
 

દેશવિદેશમાં આગવી નામના ધરાવતા ગુજરાતના હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કોરોના વાઇરસને કેન્દ્રમાં રાખીને હળવી શૈલીમાં, પરંતુ આ બીમારી સામે સાવચેતી દાખવવાનો સીધો-સરળ સંદેશો આપતું એક ગીત રચ્યું છે, જે અહીં સાભાર પ્રસ્તુત છે. આ ગીત આપ યુટ્યુબ પર તેમના જ અવાજમાં પણ માણી શકો છો. આ માટે વેબબ્રાઉઝરમાં ટાઇપ કરો આ લિન્કઃ https://bit.ly/2J1VldS

કોરોના કેમ થાય? થોડું સમજાવે ‘સાંઈ’
થોડી ધીરજ ધરાય, કાંઈ ફાટી ન પડાય
માથું દુઃખે નાક વહે થોડી ખાંસી થાય
શરદીને ખાંસી પરથી સમજી શકાય
હવાથી ફેલાતો નથી આ કોરોના
ગરમીમાં ટકતો નથી આ કોરોના
શેકહેન્ડ છોડી બધા કરો નમસ્તે
આફૂડો કોરોના ભાગે એના રસ્તે
એકબીજાનું જો ધ્યાન રાખે
કોરોના શું એના બાપુજી પણ ભાગે
થોડું સમજાવે ‘સાંઈ’ થોડી ધીરજ ધરાય
કંઈ ફાટી ન પડાય, કંઈ ફાટી ન પડાય

થૂંકો નહીં, છીંકો નહીં ચારે બાજુ ભાઈ
સાવચેતી રાખો જરા આજુબાજુ ભાઈ
તુલસી મરી નો રોજ ઉકાળો પીવો
રાય અને મીઠાની નાસ લીયો
ગુગળ લોબાન રાય મીઠું લીંબડો
કપૂર નગોળા ઘીના ધુપીયા કરો
ગાયના છાણાનો ધુપ યજ્ઞ કરો
વૈદિક ભારત બાજુ પાછા ફરો
હળદરને મીઠાના કોગળા કરો
કાળી દ્રાક્ષ ખાવ પછી લેર કરો

ટોળામાં જાવ નહીં ઘરે રહોને ભાઈ
હોટલમાં ખાવ નહીં ઘરે રહોને ભાઈ
અફવા ફેલાવો નહીં ઘરે રહોને ભાઈ
ઝાઝા ડાહ્યા થાવ નહીં ઘરે રહોને ભાઈ
થોડું સમજાવે ‘સાંઈ’ થોડી ધીરજ ધરાય
કંઈ ફાટી ન પડાય, કંઈ ફાટી ન પડાય
ગુજરાતીઓએ જોયા કેટલા દુકાળ
હરાવી ન શક્યા એને તોય કદી કાળ
ત્સુનામી ભૂકંપ જોઈ મચ્છુ વિકરાળ
પ્લેગ જોયા વાવાઝોડા જાણે મહાકાળ
શાકાહારી બનવાનો કરો નિર્ધાર
ઝટ ઝટ માંસાહાર થાય તડીપાર

નિયમનું પાલન જો કરશો નહીં,
તો રેશન કાર્ડમાં કોઈ વધશો નહીં
મહામારીને હસી કાઢશો નહીં
સીરીયસ થાવ પણ ડરશો નહીં
આફતને હિંમતથી કરો હદ પાર
તો ચાઈનાનો રોગ ટકે નહીં ઝાઝીવાર
કોરોનાથી ડરો ના
સમજાવે ‘સાંઈ’ થોડી ધીરજ ધરાય
કંઈ ફાટી ન પડાય, કંઈ ફાટી ન પડાય
એમ કંઈ નો થાય
માતાજીની દયા ભાઈ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter