આર્થરાઈટિસ સામે એકમાત્ર બચાવઃ નિયંત્રિત વજન અને હળવી કસરત

Wednesday 02nd November 2022 08:11 EDT
 
 

વધતી ઉંમરની સાથે ઘણા રોગોના જોખમ વધી જાય છે. ખોટી મુદ્રા, ખોટી રીતે કરાયેલી કસરત, નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે પણ ઘણા રોગો નાની ઉંમરમાં થઈ શઈ શકે છે. તેમાંથી જ એક છે - આર્થરાઈટિસ. એક સમયે વૃદ્ધોને થતો આ રોગ હવે બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વિશ્વભરમાં અંદાજે 30 લાખ બાળકો તેનાથી પીડિત છે. ફક્ત ભારતની જ વાત કરીએ તો દર એક હજાર બાળકોમાંથી આજે અંદાજે 40 બાળકો આ રોગથી પીડિત છે. આર્થરાઈટિસના મુખ્ય લક્ષણોમાં છેઃ સાંધામાં દુ:ખાવો અને સોજો. દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફ થાય છે. આજે આપણે જાણીએ આ રોગના લક્ષણો વિશે અને તેનાથી બચવાના ઉપાયો વિશે.

જો આર્થરાઈટિસ હોય કે થવાની સંભાવના હોય તો શું કરવું?
અફવાઓથી દૂર રહેવુંઃ આર્થરાઈટિસને લઈને ઘણી અફવાઓ ફેલાયેલી છે. જેમ કે, આ રોગ ફક્ત વૃદ્ધોને થાય છે, પરંતુ હકીકત એ છે કે આ રોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. વિશ્વભરમાં 30 લાખ બાળકોને જુવેનાઈલ આર્થરાઈટિસ છે. ઘણા લોકો કહે છે કે આ રોગ ખરાબ ભોજન આરોગવાથી થાય છે અને કોપર બ્રેસલેટ પહેરવાથી તે મટી જાય છે. જો તમને પણ આ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ.
લક્ષણોના આધારે જુદી-જુદી સારવારઃ આર્થરાઈટિસની કોઈ યુનિવર્સલ સારવાર નથી. લક્ષણોના આધારે દરેક માટે જુદી-જુદી સારવાર અપનાવવામાં આવે છે. સારવારની પ્રક્રિયા દરમિયાન ડોક્ટરને લક્ષણો અંગે માહિતી આપતા રહો. તેનાથી ડોક્ટરોને યોગ્ય સારવાર કરવામાં મદદ મળશે. તમને પણ જલ્દી રાહત થશે.
બાળકોમાં એક્સ-રે અને લેબ ટેસ્ટથી તપાસઃ જો 16 વર્ષ સુધીના બાળકો સાંધાના દુ:ખાવાની ફરિયાદ કરે છે અથવા તો સોજો આવે છે તો તબીબી માર્ગદર્શન લઇને તાત્કાલિક લેબ ટેસ્ટ કરાવવો જોઈએ. જો તકલીફ વધારે થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સારવાર શરૂ થતાં જ આરામ નહીં થાયઃ આર્થરાઈટિસના મામલામાં બની શકે છે કે કોઈક દિવસ ઓછો દુ:ખાવો થાય, તો બીજા દિવસે પીડા વધી પણ જાય. સારવાર દરમિયાન તાત્કાલિક રાહત મળવી મુશ્કેલ છે એ સત્ય સ્વીકારીને થાક્યા વગર સારવાર ચાલુ રાખો. સમયની સાથે અને યોગ્ય સારવારથી જ દર્દીને આરામ મળી શકે છે.
આર્થરાઈટિસ પછીના ડિપ્રેશનથી બચોઃ આર્થરાઈટિસની જાણ થયા પછી અને સારવાર દરમિયાન ડિપ્રેશનનો અનુભવ થાય એ સ્વાભાવિક છે. છતાય આશા રાખો. અને હા, એ એક્ટિવિટીને બિલકુલ મિસ ન કરો જેમાં તમને આનંદ મળે છે. ઉદાહરણ તરીકે વાંચવું-લખવું, ફિલ્મ જોવી વગેરે.

આટલી બાબતોની અવશ્ય કાળજી લો
• આર્થરાઈટિસ ના થાય તેના માટે...
મહિલાઓને હંમેશા વિટામિન ડીની અછતની ફરિયાદ રહેતી હોય છે. આર્થરાઈટિસના જોખમને ઘટાડવા માટે નિયમિત તેના પર નજર રાખો. ઊંચી હિલના પગરખાં લાંબા સમય સુધી પહેરવાથી બચો. સ્પોર્ટ્સમાં એક્ટિવ છો તો ઈજા ન થાય તેનું ધ્યાન રાખો. હેવી એક્સરસાઈઝ કરતા સમયે પોશ્ચર અને મિકેનિઝમનું ખાસ ધ્યાન રાખો.
• આટલું અવશ્ય ધ્યાનમાં લ્યો...
વજનને નિયંત્રિત કરો. લો ઈમ્પેક્ટ એક્સરસાઈઝ કરો. હાઈ ઈન્ટેસિટી એક્સરસાઈઝ ફાયદાની જગ્યા નુકશાન કરશે. હોટ અને કોલ્ડ થેરેપીનો વધુ ઉપયોગ કરી શકો છો. ગરમ પાણીથી ન્હાવ અને જેલ આઈસ પેક દુ:ખાવાની જગ્યાએ લગાવો. બરફને સીધો ત્વચા પર ન લગાવો. હળદરમાં કરક્યૂમિન નામનું કેમિકલ હોય છે, જે પીડા અને સોજાને ઘટાડશે. તમારા ડાેઝમાં જરૂરિયાત મુજબ હળદરને સામેલ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter