ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ઓબેસિટીથી મોત વધ્યા, ધૂમ્રપાનથી થતાં મોત ઘટ્યા

Tuesday 16th February 2021 04:14 EST
 
 

લંડનઃ એક સમયે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ધૂમ્રપાનને કારણે સૌથી વધુ મોત થતાં હતા પરંતુ, હવે તે સ્થાન ઓબેસિટી એટલે કે સ્થૂળતાએ લીધું છે. છેક ૨૦૧૪થી થતાં મૃત્યુમાં વધુપડતા વજનના કારણે થતાં મૃત્યુનો ફાળો વધી રહ્યો છે અને હવે તે ખાઈ પણ વધતી રહી છે. યુકેમાં ધૂમ્રપાનનો દર ઘટી રહ્યો છે. યુકેની વયસ્ક વસ્તીમાં ૨૦૧૧માં ધૂમ્રપાનના કારણે થતાં મૃત્યુ ૨૦.૨ ટકા હતા જે, ૨૦૧૯માં ઘટીને ૧૪.૧ ટકા થયા હતા. આનાથી વિપરીત, ઈંગ્લેન્ડમાં ૧૯૯૩માં સ્થૂળતા અને વધુ વજનના કારણે ૧૫ ટકા મોત થયા હતા જે દર ૨૦૧૯માં વધીને ૨૮ ટકાએ પહોંચ્યો હતો.

BMC પબ્લિક હેલ્થ જર્નલમાં યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના ડો. ફ્રેડરિક હો સહિતના સંશોધકોના અભ્યાસમાં સ્મોકિંગ, ઓબેસિટી અને વધુપડતા વજનના કારણોસર મોતની સંખ્યાની ગણતરી કરાઈ હતી. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના હેલ્થ સર્વેઝના અભ્યાસમાં ૨૦૦૩થી ૨૦૧૭ સુધીના સમયગાળામાં ૧૯૨,૨૩૯ પુખ્ત લોકોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં ભાગ લેનારાની સરેરાશ વય ૫૦ વર્ષની હતી અને તેમણે પોતાની ધૂમ્રપાનની આદતો વિશે જણાવ્યું હતું. તાલીમબદ્ધ ઈન્ટરવ્યુઅર્સ અથવા નર્સીસે તેમના વજન અને ઊંચાઈ માપ્યા હતા. સંશોધકોએ આ ડેટાને સ્મોકિંગ અથવા ઓબેસિટી અને શરીરની વધારાની ચરબીના કારણે મૃત્યુના અંદાજો સાથે સાંકળ્યો હતો.

સંશોધકો દ્વારા ગણતરીઓના તારણો અનુસાર વર્તમાન અથવા પૂર્વ ધૂમ્રપાનના કારણે થયેલાં મૃત્યુ ૨૦૦૩માં ૨૩.૧ ટકા હતા તે ૨૦૧૭માં ઘટીને ૧૯.૪ ટકા થયા હતા. ઓબેસિટી અને શરીરની વધારાની ચરબીના કારણે મૃત્યુ ૨૦૦૩માં ૧૭.૯ ટકા હતા તે ૨૦૧૭માં વધીને ૨૩.૧ ટકા થયા હતા. ૨૦૧૩થી આ બે કારણોનું ક્રોસઓવર થયું હતું અને ૨૦૧૪થી સ્થૂળતા અને વધારાની ચરબીથી થતાં મૃત્યુ વધતા રહ્યા છે. ઓબેસિટીથી થતાં મૃત્યુમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં જોખમ વધારે રહે છે અને તેઓ ઓવરવેઈટ હોવાની શક્યતા વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter