ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

Wednesday 30th April 2025 05:16 EDT
 
 

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી નથી. માત્ર 2 ટકા લોકો જ એવા છે જે 8થી 10 કલાકની ઊંઘ લે છે. આ નિષ્કર્ષ ત્રણ વર્ષ સુધી 39 હજાર લોકો પર કરાયેલા સંશોધનમાં જોવા મળ્યો છે. વાસ્તવિક્તા એ છે કે યુવાન વ્યક્તિએ ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સારી ઊંઘ માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, ઊંમર મુજબ કેટલી ઊંઘ જોઈએ. તેના અવરોધોને કેવી રીતે દૂર કરી શકાય.

નવજાત

3 મહિના પછી દિવસ-રાતમાં અંતરનું શિડ્યુલ નક્કી કરો

નવજાત ઘણી વાર 18 કલાક સુધી (ઝોંકા સહિત) પણ ઊંઘે છે. કેમ કે તેમને દિવસ-રાત વચ્ચેનુ અંતર ખબર હોતું નથી. ત્રણ મહિના પછી તેમનું દિવસ અને રાતનું શિડ્યુલ નક્કી કરી શકો છો. રાત્રે એક ચોક્કસ સમયે તેમને મસાજ કરો, સ્નાન કરાવો અને ઊંઘતા પહેલા દૂધ પીડાવો. એક વર્ષની ઉમર થતાં સુધી બાળકનો ઊંઘનો સમય ઘટવાનું શરૂ થાય છે.

12ની ઉંમર સુધી

સાંજે 7 પછી બાળકોને મોબાઈલ ન આપો

સામાન્ય રીતે 6 વર્ષથી વધુ ઉમરના બાળકોને 9થી 12 કલાકની ઊંઘ જરૂરી છે. પૂરતી ઊંઘ માટે ઊંઘવાનો ચોક્કસ સમય જરૂરી છે. આજકાલ બાળકો આ ઉમરે ફોનનો ઉપયોગ કરવા લાગે છે, જે શિડ્યુલ બગાડે છે. સ્ક્રીનની બ્લ્યુ લાઈટ ઊંઘનું ચક્ર બગાડે છે. બ્લ્યુ લાઈટમાં મસ્તિષ્કને દિવસનો આભાસ થાય છે. જેના લીધે તે મેલાટોનિન હોર્મોનનો સ્ત્રાવ ઘટાડી દે છે.

ટીનેજર

તણાવ દૂર કરવાની રીત, બ્રીધિંગ અને સ્ટ્રેચિંગ કસરત કરો

13થી 18 વર્ષ (ટીનેજર્સ)ની ઉમરે લગભગ 9 કલાકની ઊંઘ જરૂરી છે, પરંતુ સ્કૂલની પરીક્ષાઓ, લાંબો સમય મોબાઈલ-ટીવીનો ઉપયોગ અથવા ખરાબ ખાણીપીણીને લીધે તેમને આ ઊંઘ મળી શકતી નથી. કિશોરાવસ્થામાં સંબંધોના તણાવને લીધે પણ ઊંઘ બગડી શકે છે. તણાવ દૂર કરવા ઊંઘતા પહેલા બ્રીધિંગ એક્સરસાઈઝ, મેડિટેશન, હળવી સ્ટ્રેચિંગની ટેવ તેમનામાં જરૂર પાડો.

યુવાની

સ્વચ્છ પથારી, સારા હાઈજીનનું રુટિન બનાવો

યુવાનોએ ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે યુવાનો તેને પણ પૂરી કરતા નથી. કારકિર્દી, પારિવારિક જવાબદારીઓ અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓને કારણે કાયમ ઊંઘ પૂરી થતી નથી. આ સ્થિતિમાં આ ઉમરે સારી ઊંઘ માટે મેડિટેશન, સારા પુસ્તકો વાંચવા જેવી ટેવની સાથે ઊંઘનું ચોક્કસ રુટિન હોવું જરૂરી છે. સારી ઊંઘ માટે સ્વચ્છ પથારી, આરામદાયક કપડા, રૂમનું તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસનું રાખો.

65 વર્ષથી વધુ

રોજ 30 મિનિટની એક્ટિવિટી કરો, બહાર ચાલવા જરૂર જાઓ

આ ઉમર પછી હોર્મોનલ પરિવર્તન અને આરોગ્ય સમસ્યાઓને કારણે ઊંઘ પ્રભાવિત થવા લાગે છે. તદ્દઉપરાંત શરીરની નિષ્ક્રિયતાથી પણ ઊંઘની ગુણવત્તા ઘટે છે. આથી સપ્તાહમાં પાંચ દિવસ ઓછામાં ઓછી 30 મિનિટ મધ્યમ ગતિની શારીરિક ગતિવિધિઓનાં કામ જરૂર કરો. તે હોર્મોન સંતુલિત રાખવાની સાથે સારી ઊંઘમાં પણ મદદ કરે છે. કુદરતી વાતાવરણમાં ચાલવાથી ઊંઘનું ચક્ર સુધરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter