તમે કદાચ જોયું હશે કે, ઉનાળાના આગમન સાથે હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. પરંતુ ઉનાળો ફક્ત શરીરને જ નહીં પરંતુ મનને પણ અસર કરે છે. આ લક્ષણોમાં એકાગ્રતામાં ઘટાડો, ભૂલી જવું, આળસ, ચીડિયાપણું અને એકાગ્રતાનો અભાવ પણ સામેલ છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક અભ્યાસ મુજબ, અતિશય ગરમીમાં લોકોની ધ્યાન કેન્દ્રિત કરવાની અને વિચારવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. આ કોઈ રોગ નથી, પરંતુ ગરમી અને ડિહાઇડ્રેશનની અસર છે. જેને સારી આદતોથી નિયંત્રિત કરી શકાય છે.
ઉનાળામાં ખુશીના હોર્મોન સેરોટોનિનનું સ્તર ઘટે
અતિશય ગરમીમાં લાંબા સમય સુધી રહેવાથી ચિંતા, બેચેની અને વિચારવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. ગરમી ખુશીના હોર્મોન સેરોટોનિનનું સ્તર ઘટાડે છે અને તણાવ હોર્મોન કોર્ટિસોલ વધારે છે. જેને લીધે તણાવ વધે છે મૂડ ખરાબ થાય છે. વધુમાં, શરીરની આરામ કરવાની સિસ્ટમ પણ ધીમી પડી જાય છે, જેના કારણે થાક અને આળસ અનુભવાય છે.
ઉનાળામાં સુસ્તી, થાક અને ચીડિયાપણાના કારણો
ઉનાળામાં ‘બ્રેઈન ફોગ’ થવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે. પરસેવાને લીધે ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ, ખરાબ ઊંઘ અને અનિયમિત દિનચર્યા તેમાં ફાળો આપે છે. જંક ફૂડ, ખાંડ અને કેફીનનું સેવન કરવાથી ઊર્જા પટે છે અને મગજ સુસ્ત પડે છે. પાણી પીવા અને ઠંડુ રહેવા છતાં 'બ્રેઈન ફોગ’ રહે, માથાનો તીવ્ર દુખાવો, ચક્કર અથવા બેભાન થવા જેવા લક્ષણ દેખાય તો ડોક્ટરની સલાહ લો.
‘બ્રેઈન ફોગ’થી બચવાની સરળ રીત
• પુષ્કળ પાણી પીવોઃ પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી મગજને યોગ્ય રક્ત અને ઓક્સિજનનો પુરવઠો મળે છે. ગરમીમાં પરસેવો શરીરને ડિહાઇડ્રેટ કરે છે, તેથી મગજનું યોગ્ય કાર્ય જાળવવા માટે તમારા પાણીમાં ઈલેક્ટ્રોલાઇટ્સ ઉમેરો.
• સારી ઊંઘને પ્રાથમિકતાઃ ઠંડા અને હવાની સારી અવરજવરવાળામાં રૂમમાં 7-8 કલાક ઊંઘવાથી મગજને આરામ મળે છે. પરિણામે ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ક્ષમતામાં સુધારો થાય છે. સારી અને ગાઢ ઊંઘનો અભાવ વિચારસરણીને નબળી પાડે છે.
• પૌષ્ટિક ખોરાક ખાઓઃ ફળો, શાકભાજી, પ્રોટીન અને હેલ્ધી ફેટ શરીરને સતત ઊર્જા પૂરી પાડે છે. વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાક થાકમાં વધારો કરે છે તે યાદ રાખો.
• ગરમીમાં વધુ બહાર ન રહોઃ વધુ પડતી ગરમીના સંપર્કમાં રહેવાથી માનસિક થકાવટ લાગી શકે છે. ઠંડી અને છાંયડાવાળી જગ્યામાં આરામ કરવાથી તન અને મનને રાહત વર્તાય છે.
• શરીરને ઠંડુ રાખો: હળવી કસરત, ઠંડા પાણીથી સ્નાન અને હવાની પૂરતી અવરજવરવાળું સ્થાન શરીરને ઠંડુ રાખે છે. તેનાથી મગજના સારી રીતે કામ કરે છે અને ‘બ્રેઈન ફોગ’ ઘટે છે.


