ગરમીની સિઝનમાં ભોજનમાં સંતુલન જાળવવું જરૂરી થઈ જાય છે. હળવું, ઉર્જા આપનાર અને કંઈક એવું જે તમને દર કલાકે કંઈક ખાવા મજબૂર ન કરે. આ સંદર્ભે જોઇએ તો નટ્સ એક શાનદાર વિકલ્પ છે. નટ્સ માત્ર પ્રોટીનથી જ ભરપૂર નથી હોતા, પરંતુ તેમાં પોષક તત્વો પણ હોય છે, જે સ્નાયુઓની રિકવરીથી લઈને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. યોગ્ય નટ્સની પસંદગી કરવી અને તેને સાવધાનીથી ખાવા જરૂરી છે. હંમેશા યાદ રાખો કોઇ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. હંમેશા જે કંઇ ખાઓ તે તમારી વય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાશો તો કોઇ તકલીફ નહીં થાય.
• મગફળી: 28 ગ્રામમાં લગભગ 7 ગ્રામ પ્રોટીન હોય છે. તે પ્રોટીનનો શાનદાર સ્ત્રોત છે અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર છે. જે ઉર્જા ઉત્પાદન અને સ્નાયુઓનું સમારકામ કરે છે. તેને શેકીને કે ચાટના રૂપમાં ખાઈ શકો છો. આવું કંઇ ન કરવું હોય તો આગલી રાત્રે થોડાક દાણા પલાળી દો, અને દિવસ દરમિયાન ખાઓ.
• બદામ: 28 ગ્રામમાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે. બદામ ફાઇબર અને ગુડ ફેટનો સારો સ્ત્રોત છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તેને આખી રાત પલાળીને બીજા બીજા દિવસે ખાવ કે ઓટ્સની સાથે ખાઈ શકો છો.
• પિસ્તા: 28 ગ્રામમાં લગભગ 5.7 ગ્રામ પ્રોટીન. પિસ્તા ફાઇબર અને મહત્વપૂર્ણ માઇક્રોન્યુટ્રિએન્ટ્સ જેવા પોટેશિયમ અને વિટામિન બી6થી ભરપૂર હોય છે.
• કાજુ: 28 ગ્રામમાં લગભગ 5 ગ્રામ પ્રોટીન. કાજુમાં મેગ્નીશિયમ અને આયરનની માત્રા વધુ હોય છે, જે ઉર્જા સ્તર બનાવી રાખવામાં મદદ કરે છે. તેને સ્મુધીમાં કે અન્ય વસ્તુ સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે.
• હેઝલનટ્સ: 28 ગ્રામમાં લગભગ 4.2 ગ્રામ પ્રોટીન, તે ગુડ ફેટ અને વિટામિન ઈથી ભરપૂર હોય છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેનું વિવિધ રીતે સેવન કરી શકો છો.
• અખરોટ: 28 ગ્રામમાં લગભગ 4 ગ્રામ પ્રોટીન. આ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર હોય છે. જે સોજા ઘટાડી અને સ્નાયુઓની રિકવરીમાં મદદ કરે છે.


