લંડનઃ સરકારને સુપરત કરાયેલા અભ્યાસ અનુસાર BAME (બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક) બ્રિટિશરોમાં ડાયાબિટીસનો દર ઘણો ઊંચો હોવાથી તેમને કોરાના વાઈરસનો ચેપ લાગે તો ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ખસેડવા પડે તેવી શક્યતા વધુ રહે છે. એડિનબરા અને લિવરપૂલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલો અભ્યાસ સરકારની SAGE કમિટીને એપ્રિલના ઉત્તરાર્ધમાં સોંપી દેવાયો હતો. તેના તારણો કહે છે કે ડાયાબિટીસ બિનગોરા પેશન્ટ્સને ઈન્ટેન્સિવ કેરમાં રાખવા પડે તેનું જોખમ વધારે છે. અશ્વેત અથવા એશિયન વંશીયતાના લોકોમાં કોરોના વાઈરસથી મૃત્યુનું પ્રમાણ વધુ હોવાનું જણાવાય છે. બીજી તરફ, ઈન્ટેન્સિવ કેરના ડોક્ટર્સ જણાવે છે કે ડેટા આ સંશોધનના તારણોને સમર્થન આપતો નથી.
ઈંગ્લેન્ડની NHS હોસ્પિટલોમાં બિનગોરા પેશન્ટ્સના વધુ મોત પાછળ ડાયાબિટીસના ઊંચા દર કે તેઓ ભીડવાળી જગ્યાઓમાં રહે છે અને ગીચ વસ્તીના શહેરોમાં કામ કરે છે તેવા કારણો પણ હોઈ શકે છે. ઈંગ્લેન્ડમાં શ્વેત લોકોની ૮૬ ટકા વસ્તી સામે હોસ્પિટલોમાં કોરોના મૃત્યુમાં તેનો હિસ્સો ૮૩ ટકા છે. ભારત, બાંગલાદેશ, અને પાકિસ્તાન જેવા સાઉથ એશિયન દેશોની એશિયન વંશીયતાના કોરોના મોતનો હિસ્સો ૮ ટકા છે જ્યારે કુલ વસ્તીમાં તેમનો હિસ્સો ૭.૫ ટકા છે. સામાન્ય વસ્તીમાં અશ્વેતોનો હિસ્સો માત્ર ૩.૩ ટકા હોવાં છતાં, તમામ કોરોના વાઈરસ મોતમાં તેમનું પ્રમાણ ૬ ટકાનું છે. દરમિયાન, મિશ્ર જાતિના લોકો વસ્તીમાં ૨.૨ ટકા હિસ્સો ધરાવે છે અને તેમનું કોરોનાથી મૃત્યુનું પ્રમાણ ૧ ટકાનું છે.
બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક લોકોમાં ટાઈપ-ટુ ડાયાબિટીસનું પ્રમાણ ઊંચું હોવાના કારણે તેમને ICUમાં ખસેડવા પડે તેવી શક્યતા વધુ હોવાનું સરકારની વિજ્ઞાનીઓની સલાહકાર પેનલ SAGEને અપાયેલા સંશોધન રિપોર્ટમાં જણાવાયું છે. સંશોધન જણાવે છે કે વંશીય લઘુમતી લોકોમાં કોમોર્બિડીટીઝ – લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ હોસ્પિટાલાઈઝેશન અને ઈન્ટેન્સિવ કેરના ઊંચા પ્રમાણ માટે જવાબદાર છે.
બ્રિટનમાં કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળ્યા પછી BAME કોમ્યુનિટીઝને જોખમનો મુદ્દો સંવેદનશીલ વિષય બની રહ્યો છે અને બિનગોરા સ્ટાફ માટે વધુ સુરક્ષાની માગણી થઈ રહી છે. આંકડા દર્શાવે છે કે બ્રિટનમાં કોવિડ-૧૯થી મોત પામવામાં BAMEનો દર અપ્રમાણસરનો છે પરંતુ, વિજ્ઞાનીઓ તેને સમજાવવામાં સફળ રહ્યા નથી. સરકાર દ્વારા પ્રસિદ્ધ પેપર અનુસાર તેની ચાવી ડાયાબિટીસ હોઈ શકે છે. BAME કોમ્યુનિટીઝના લોકોમાં ઈન્ટેન્સિવ કેરમાં ગયા પછી મોતની શક્યતા વધુ હોય તેમ જણાતી ન હોવાં છતાં, તેઓ ICUમાં પહોંચે છે તેનાથી તેમના મૃત્યુની સમગ્રતયા સંભાવના વધી જાય છે.
૨૬ ટકા મૃતકોને ડાયાબિટીસ હતો
NHS ડેટા અનુસાર ઈંગ્લિશ હોસ્પિટલોમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા તમામ લોકોના ૨૬ ટકા (૫,૮૭૩)ને ડાયાબિટીસ હતો અને મોટા ભાગના કેસમાં ટાઈપ-ટુ ડાયાબિટીસ હોવાની ધારણા કરાઈ છે. શ્વેત લોકોની સરખામણીએ વંશીય અને ખાસ કરીને એશિયન લોકોમાં તેનું પ્રમાણ બમણાંથી વધુ હોવાનું અગાઉના સંશોધનોમાં જાણવા મળ્યું છે.
વર્તમાન સંશોધન યુનિવર્સિટી ઓફ એડિનબરાના પ્રોફેસર એવેન હેરિસન અને ડો. એનમેરી ડોચેર્ટી તેમજ યુનિવર્સિટી ઓફ લિવરપૂલના પ્રોફેસર કાલુમ સેમ્પલ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે ૧૧ એપ્રિલ પહેલા યુકેમાં કોવિડ-૧૯ના ૨૩,૫૭૭ હોસ્પિટલ પેશન્ટસનો અભ્યાસ કર્યો હતો, જેમાં૧૧,૬૯૦ વ્હાઈટ, ૧,૧૩૫ દર્દી વંશીય લઘુમતી, ૮૩૫ એશિયન અને ૫૬૮ અશ્વેત દર્દીનો સમાવેશ થયો હતો. વંશીય લઘુમતીના લોકો ૨૨.૬ ટકાના દર સાથે ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવાની સંભાવના હતી. આ પછી અશ્વેત અને એશિયન વંશીયતાના લોકોનું પ્રમાણ અનુક્રમે ૨૨.૫ અને ૨૨ ટકાનું હતું જ્યારે, વ્હાઈટ લોકોમાં પ્રમાણ નોંધપાત્રપણે ૧૫.૪ ટકા જેટલું નીચું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે ગ્રૂપ્સને HDU/ICUમાં દાખલ કરવા પડે તેની શક્યતા વધુ હતી. આના માટે ડાયાબિટીસ જેવી લાંબા ગાળાની આરોગ્ય સમસ્યા જવાબદાર હોઈ શકે છે.
SAGEના રિપોર્ટ પર શંકાની નજર
જોકે, SAGEનો રિપોર્ટ શંકાની નજરે જોવાય છે. ઈન્ટેન્સિવ કેરમાં કાર્યરત એક ડોક્ટરે જણાવ્યું હતું કે તેમાં રહેલા ડેટા અને વિજ્ઞાનીઓના દાવાઓ વચ્ચે સુસંગતતા નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડન્કન યંગે જણાવ્યું હતું કે,‘ અશ્વેત પેશન્ટ્સને ICU સંભાળમાં રાખવા પડે તેવું જોખમ હોવાનું શા માટે વિચારાયું તેની જાણ નથી. પરિણામો ચકાસવા તેમણે સમાન કોમોર્બિડીટીઝ, વય, જાતિ અને અન્ય સુસંગત લક્ષણો સાથેના BAME અને શ્વેત દર્દીઓ દર્દીઓ લીધા અને હોસ્પિટલમાં જીવવા સાથે સરખામણી કરી ત્યારે જણાયું હતું કે તેઓ વચ્ચે હોસ્પિટલમાં મૃત્યુદરમાં તફાવત ન હતો. કહેવાનો અર્થ એટલો જ છે કે કોરોના સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા બિનગોરાઓ માટે ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરાવાનું પ્રમાણ ઊંચુ જણાવા છતાં, BAME દર્દીઓ યુનિટ્સમાં પહોંચ્યા પછી મોતને ભેટે તેવી શક્યતા વધુ નથી.’ એક તારણ એ પણ છે કે BAME ગ્રૂપ્સ યુવાન છે અને ડાયાબિટીસ હોવાની વધુ શક્યતા રહે છે પરંતુ, કાર્ડિયોરેસ્પિરેટરી ડિસીઝ અને ક્રોનિક ન્યૂરોલોજિકલ ડિસીઝ/ડિમેન્શીઆ જેવી અન્ય કોમોર્બિડિટીઝ હોવાની શક્યતા ઓછી રહે છે.
મેદસ્વીતાનું પણ મોટું પરિબળ
પેશન્ટ કે વ્યક્તિને ઈન્ટેન્સિવ કેરમાં દાખલ થવું પડે કે કેમ તે મુદ્દે મેદસ્વીતાનું પરિબળ પણ ૮૪ ટકા જેવી નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ સંશોધન જણાવે છે. બીજી તરફ, વંશીય સમૂહોમાં મેદસ્વીતા દરમાં ખાસ તફાવત નથી જેમા અશ્વેતોમાં ૧૧.૫ ટકા, એશિયનોમાં ૯.૯ ટકા, વંશીય લઘુમતીમાં ૯ ટકા અને ગોરાં લોકોમાં ૧૦.૩ ટકાનો સમાવેશ થાય છે. જોકે, ટાઈપ-ટુ ડાયાબિટીસ અને મેદસ્વીતા ગાઢ રીતે સંકળાયેલા છે. નોન-વ્હાઈટ લોકોમાં ટાઈપ-ટુ ડાયાબિટીસનું ઊંચુ પ્રમાણ છે. જેનો દર અશ્વેત દર્દીઓમાં ૪૦.૫ ટકા, એશિયન પેશન્ટ્સમાં ૩૯.૩ ટકા, વંશીય લઘુમતીમાં ૩૨ ટકા અને વ્હાઈટ પેશન્ટ્સમાં ૨૫.૪ ટકા રહે છે.