એઆઈ નામે જાણીતું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બહુ ઝડપભેર દુનિયા બદલી રહ્યું છે તે આપણે સહુ કોઇ જાણીએ છીએ, પરંતુ શું તમે એ જાણો છો કે આપણી જિંદગીને ઝડપભેર બદલી રહેલી આ જ ટેક્નોલોજી આપણી યાદશક્તિ અને વાસ્તવિક સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે?! આવો, આજે આપણે તેની અસર અને બચાવ વિશે જાણીએ.
ડિજિટલ ડિમેન્શિયા અંગે સમજવતાં નિષ્ણાતો કહે છે કે એઆઇની જગતભરમાં બોલબાલા અને તેનો ઉપયોગ વધી રહ્યો છે તે જરૂર સાચું, પણ જે પોષતું તે મારતું એ ન્યાયે એઆઇ મગજના ન્યુરોન્સ વચ્ચેના કનેક્શન નબળા કરી રહ્યું છે.
એઆઈ અને અન્ય ડિજિટલ સાધનોને કારણે આપણે જાતે કોઈ વાત યાદ રાખવા કે વિચાર કરવા માટે મગજ પર જોર નથી આપતા. આનાથી મગજના ન્યુરોન્સ વચ્ચેના કનેક્શન નબળા પડવા લાગે છે. વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને ‘ડિજિટલ ડિમેન્શિયા’ તરીકે ઓળખવામાં આવે છે.
જોકે કેટલીક બાબતે સાવચેતી દાખવીને તમે ‘ડિજિટલ ડિમેન્શિયા’થી બચી શકો.
જેમ કે, રોજ થોડું હાથેથી લખો, મગજ સક્રિય રહેશે. ‘એક્ટિવ રિકોલ’ અપનાવો એટલે કે કોઈપણ સર્ચ કરતાં પહેલાં બે મિનિટ જાતે યાદ કરો. દરરોજ થોડું હાથેથી લખો, આનાથી મગજના ન્યુરોન્સ સક્રિય થાય છે.
નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારતા કહે છે કે એઆઇ આપણા જીવનમાં છાના પગલે એકલતા અને એગ્ઝાઇટી લાવી રહ્યું છે. લોકો એઆઈને જ પાર્ટનર કે મિત્ર સમજવાની ભૂલ કરી રહ્યા છે. ઘણા લોકોએ હવે એઆઈને જ ડિજિટલ પાર્ટનર કે મિત્ર બનાવી લીધું છે. તેઓ કલાકો સુધી તેની સાથે વાતો કરે છે અને પોતાની લાગણીઓ માટે સૂચનો લે છે. આનાથી લોકોમાં એકલતાની સમસ્યા વધી રહી છે. તેઓ ખૂબ ઝડપથી તણાવ અને એન્ઝાયટીની લપેટમાં આવી રહ્યા છે.
આનાથી બચવા આપણે શું કરી શકીએ...? પોતાના લોકો સાથે ખૂબ વાત કરો, ખુશી મળશે. તણાવ ઘટાડનાર ઓક્સિટોસિન માનવીય સંવાદથી મળે છે. એઆઈના બદલે પ્રિયજનો સાથે વાત કરો. ઊંઘતા પહેલા એક કલાક ડિજિટલ ડિટોક્સ કરો.
આ 4 રોજિંદી આદતો સહુને રાખશે સદાબહાર સ્વસ્થ
• ઓપ્ટિક ફ્લો... ચાલતી વખતે નજર સ્થિર ન રાખો. આસપાસ નજર ફેરવતાં રહો. આ ટેકનિક મગજના સતત સક્રિય ભાગને શાંત કરે છે.
• સેફાલિક ફેઝ રિસ્પોન્સ... જમતાં પહેલાં ભોજનને 30 સેકન્ડ ધ્યાનથી જુઓ અને સુગંધ લો. આનાથી મગજ પાચક એન્ઝાઇમ રિલીઝ કરવાનું સિગ્નલ આપી દે છે. પરિણામે તમારું ભોજન સરળતાથી પચી જશે. અને જેમનું પેટ સ્વસ્થ તેમનું શરીર સ્વસ્થ એ તો સહુ કોઇ જાણે જ છે.
• કોલ્ડ શાવર શોટ... જો શક્ય હોય અને શારીરિક સ્વસ્થ હો તો સ્નાનના અંતે શરીર પર 30 સેકન્ડ ઠંડુ પાણી નાખો. આમ કરવાથી ડોપામાઈન 250 ટકા સુધી વધી જાય છે, જે કોઈપણ એન્ટી-ડિપ્રેશન્ટ કરતાં ઝડપી અસર કરે છે.
• 3-2-2 ફોર્મ્યુલા... સૂવાના 3 કલાક પહેલા જમી લેવું, 2 કલાક પહેલા કામ નિપટાવી લેવું અને 2 કલાક પહેલા સ્ક્રીન બંધ કરો. તમારું આ રુટિન શરીરને સર્વાઇવલ મોડમાંથી ‘રિકવરી મોડ’માં લઈ આવશે અને સમયના વહેવા સાથે તમે તન-મનથી સ્વસ્થતા અનુભવશો.


