એક વ્યક્તિનું ચક્ષુદાન, બે વ્યક્તિને દષ્ટિ

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 09th September 2015 08:41 EDT
 
 

આમ તો આપણા શરીરનો દરેક ભાગ, દરેક અંગ અતિ અગત્યના છે. પરંતુ તેમાં ય સૌથી વધુ અગત્યતા પાંચ ઈન્દ્રિયોની છે, જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુને અનુભવીએ છીએ. આ પાંચ ઈન્દ્રિયોમાંની એક છે દૃષ્ટિ. જો આંખ ન હોય તો? કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. જોઈ ન શકતી વ્યક્તિનું જીવન ખૂબ જ સીમિત બની જતું હોય છે અને એ સીમિત હોવાથી ખૂબ કપરું પણ હોય છે.

ભારતમાં ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર સુધી આઈ ડોનેશન ફોર્ટનાઈટ ઉજવાયું. આ દિવસો દરમિયાન દેશભરમાં લોકોને નેત્રદાન માટે જાગૃત કરાયા અને કેટલાય નવા આઈ-ડોનર નોંધાયા. ચક્ષુદાન પખવાડિયું ભલે ભારતમાં ઉજવાયું હોય, પણ નેત્રદાનનું મહત્ત્વ ભારત હોય કે બ્રિટન, દિલ્હી હોય કે લંડન... જરાય ઓછું નથી. આ એક એવી ઝૂંબેશ છે જે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં સતત ચાલતી રહે તે જરૂરી છે.

એક અંદાજ પ્રમાણે, દુનિયાના તમામ દૃષ્ટિહિન લોકોમાંથી ૨૦ ટકા લોકો કોર્નિયલ ડિસીઝને કારણે જોઈ શકતા નથી. આમાંથી લગભગ ૧.૨૦ લાખ ભારતમાં છે અને દર વર્ષે તેમાં ૨૫થી ૩૦ હજાર લોકો ઉમેરાતા રહે છે. આ તો માત્ર ભારતનો આંકડો થયો. વિશ્વભરમાં વસતાં પ્રજ્ઞાચક્ષુઓના આંકડાનો સરવાળો ક્યાં પહોંચે?

વિશ્વભરમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માને છે કે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ વધુમાં વધુ ચક્ષુદાન છે. મૃત્યુ પછી દાનમાં દીધેલી આંખો કોઈ બીજાના જીવનને પ્રકાશ આપી જાય એ માટે વધુમાં વધુ લોકો નેત્રદાન કરે એ જરૂરી છે. નેત્રદાન કઈ રીતે કરી શકાય, કોણ કરી શકે અને એ દાન કરેલી આંખ કોને કામ લાગી શકે એ બાબતે આજે વિસ્તારથી જાણીએ.

કોર્નિયલ ડિસીઝ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ દુનિયામાં દૃષ્ટિહિન થવાનું સૌથી મોટું કારણ કોર્નિયલ ડિસીઝ છે. એ પછી બીજા નંબરે ગ્લુકોમા અને ત્રીજા નંબરે મોતિયો આવે છે. આંખમાં આમ તો નાના-નાના ઘણા ભાગો છે, જેમાં આંખની આગળના ભાગમાં એક પારદર્શક પટલ (કોર્નિયા) હોય છે જે આપણી દૃષ્ટિ માટે અત્યંત ઉપયોગી છે.

આ કોર્નિયા કોઈ પણ રીતે ડેમેજ થાય છે તો માણસ દૃષ્ટિહિન થઈ શકે છે. એમાં પણ જો મધ્ય ભાગથી ડેમેજ થયો હોય તો વ્યક્તિ સંપૂર્ણ રીતે દૃષ્ટિહિન બની જાય છે. કોર્નિયાના પ્રોબ્લેમથી કોણ દૃષ્ટિહિન બની શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં કોર્નિયા, કેટરેક્ટ અને રીફ્રેક્ટિવ સર્જરી નિષ્ણાતો કહે છે કે વિટામીન-એની ઉણપ કોઈ પણ પ્રકારની ઈન્જરી કે એક્સિડેન્ટ, કોઈ ખાસ ઈન્ફેક્શનને કારણે કોર્નિયા ડેમેજ થઈ શકે છે. કેટલાક કેસમાં જ્યારે મોતિયાનું ઓપરેશન વ્યવસ્થિત ન થયું ત્યારે પણ કોર્નિયા ડેમેજ થઈ શકે છે. બાળકોમાં આ પ્રોબ્લેમ ખુબ ઓછો જોવા મળે છે. મોટા ભાગે મોટી ઉંમરે આ પ્રોબ્લેમ આવે છે. ૪૦ વર્ષે આંખની પાછળના ભાગમાં પાણી ભરાવા લાગે છે. જેથી વ્યક્તિને કોર્નિયલ ડિસીઝ થાય છે. નહીંતર ૫૫-૬૦ વર્ષે આ પ્રકારની તકલીફ થઈ શકે છે.

કોર્નિયા-ટ્રાન્સપ્લાન્ટ

કોર્નિયલ ડિસીઝને કારણે જે અંધાપો આવે એ માત્ર ને માત્ર કોર્નિયા-ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જ સોલ્વ થઈ શકે. આ ટ્રાન્સપ્લાન્ટ જ એનો એક માત્ર ઇલાજ છે. અને એ તો જ થઈ શકે જો આ દરદીઓને કોઈ બીજી વ્યક્તિનો કોર્નિયા મળે. એ માટે નેત્રદાન જરૂરી છે. ટ્રાન્સપ્લાન્ટની સમજ આપતાં નિષ્ણાતો કહે છે કે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ-રેટ ૯૫ ટકા જેટલો ઊંચો છે. એક વ્યક્તિ જે નેત્રદાન કરે છે એના દ્વારા બે વ્યક્તિનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. પહેલાં એવું હતું કે દરદીનો આખો કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થતો. હવે એવું છે કે કોર્નિયાના આગળના કે પાછળના ક્યા ભાગમાં તકલીફ છે એ જાણીને ફક્ત એ ભાગ જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમ જો એક વ્યક્તિ નેત્રદાન કરે તો બે વ્યક્તિઓને દૃષ્ટિ આપી શકે છે.

નેત્રદાન કોણ કરી શકે?

બીજા અંગદાન કરતાં નેત્રદાન એક એવું દાન છે જેનો લહાવો બધી જ વ્યક્તિ લઈ શકે છે; કારણ કે લિવર, કિડની, હાર્ટ વગેરે અંગોના દાન માટે માણસ બ્રેઇન-ડેડ હોવો જરૂરી છે. એટલે કે કોઈ કારણસર માણસ મગજથી મૃત્યુ તો પામ્યો હોય છતાં તેનું હાર્ટ ધબકતું હોય અને તેના જીવવાની કોઈ આશા ન હોય ત્યારે એવી વ્યક્તિ જ લિવર, કિડની, હાર્ટ જેવાં અંગો દાન કરી શકે છે; જ્યારે નેત્રદાનમાં એવી કોઈ શરત નથી. કોઈ પણ રીતે મૃત્યુ પામેલી વ્યક્તિ નેત્રદાન કરવાને લાયક હોય છે.

ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે અમારી આંખો નબળી છે કે ચશ્માં આવ્યાં છે અથવા આંખનો કોઈ પણ રોગ જેમ કે ગ્લુકોમા કે મોતિયો થયો છે તો અમે આંખ દાન કરી શકીએ કે નહીં? વળી ઘણા લોકો માને છે કે એ પોતે ઘણા વૃદ્ધ છે તો વૃદ્ધ હોવાને કારણે તેમની દૃષ્ટિ નબળી પડી ગઈ છે, આ હાલતમાં તે નેત્રદાન કરી શકે કે નહીં?

આ મૂંઝવણનો જવાબ આપતાં નેત્ર-નિષ્ણાતો કહે છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ, કોઈ પણ રોગ કે આંખમાં તકલીફ ધરાવતી વ્યક્તિ નેત્રદાન કરી શકે છે. નેત્રદાન માટે જરૂર છે ફક્ત વ્યક્તિની ઇચ્છાની અને તેના પરિવારના સભ્યોની મંજૂરીની. જે વ્યક્તિને એચઆઈવી કે કેન્સર જેવી બીમારી હોય તે પણ નેત્રદાન કરી શકે છે, કારણ કે નેત્રદાનની મંજૂરી જીવિત વ્યક્તિ આપે છે અને તે મરી જાય પછી તેનું નેત્રદાન લેવામાં આવે છે. જ્યારે એ દાન લેવામાં આવે ત્યારે ડોક્ટર ચેક કરે છે કે તેમની આંખો ઉપયોગમાં આવી શકશે કે નહીં. આમ દાતાએ ફક્ત દાન કરવું જરૂરી છે.

સૌથી મહત્ત્વનો સવાલઃ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યાના કેટલા સમયમાં નેત્રદાન થવું જરૂરી છે? એક કલાકની અંદર મૃત વ્યક્તિનો કોર્નિયા કાઢી નાખવામાં આવે એ આદર્શ રીતે યોગ્ય ગણાય છે. બાકી મૃત્યુના ૬-૮ કલાકની અંદર પણ કોર્નિયા કાઢવામાં આવે તો પણ એનો ઉપયોગ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter