એકલતાથી વધે છે હૃદયરોગનો ખતરો

Friday 04th August 2023 06:54 EDT
 
 

આહાર નિષ્ણાતો અને ચિકિત્સકો ભલે એમ કહેતા હોય કે કસરતનો અભાવ અને પોષણહીન ખોરાક હૃદય માટે ભારે જોખમ સર્જે છે પરંતુ, વાસ્તવમાં એકલતા હૃદય માટે વધુ જોખમી છે. એમ કહી શકાય કે એકલું હૃદય એટલે ભગ્ન હૃદય. બ્રિટનમાં 5 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસના શિકાર છે ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા 18,509 વયસ્કોને સાંકળતા અને યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણો કહે છે કે મિત્રોની સંગતમાં રહેતા ડાયાબિટીક્સની સરખામણીએ એકલવાયાપણું અનુભવતા દર્દીઓને હૃદયરોગ અથવા સ્ટ્રોક આવવાનું જોખમ 26 ટકા વધુ રહે છે. અભ્યાસમાં ભાગ લેનારા 37થી 73 વયજૂથના લોકો પર એક દાયકા સુધી નજર રખાઈ હતી. આ સમયગાળા દરમિયાન, 16 ટકા (3,247) ડાયાબિટીક્સને હૃદયરોગ અથવા સ્ટ્રોકનો અનુભવ થયો હતો. ડાયાબિટીક્સની પૂછપરછમાં 61 ટકાએ તેમની સાથે વાત કરનાર કોઈ નથી અથવા તેઓ એકલા હોવાનું જણાવ્યું હતું. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં હાર્ટ એટેક્સ અથવા સ્ટ્રોક્સ માટે નબળા આહાર, ધૂમ્રપાન, કસરતના અભાવ અથવા હતાશાની સરખામણીએ એકલવાયાપણું વધુ જોખમી પરિબળ છે. આ સિવાય, હૃદયરોગ માટે વધુ જોખમી પરિબળોમાં ઊંચા કોલેસ્ટરોલ અને મેદસ્વિતાને ગણી શકાય.
આ અભ્યાસમાં માત્ર ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સને જ સમાવી લેવાયા હતા પરંતુ, તબીબી નિષ્ણાતો કહે છે તેમ બાકીની વસ્તીને પણ આ ધોરણો લાગુ પડી શકે છે. એકલવાયાપણાથી બ્લડ પ્રેશરને ઊંચે લઈ જતાં કોર્ટિસોલ જેવાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધે છે. ન્યૂ ઓર્લિયન્સની ટુલાને યુનિવર્સિટીના પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય આલેખક પ્રોફેસર લુ ક્વિના કહેવા મુજબ ડાયાબિટીક્સને હૃદયના આરોગ્ય માટે કોને કેટલી વખત મળ્યા તેની સંખ્યા નહિ પરંતુ, સામાજિક સંપર્કની ગુણવત્તા વધુ મહત્ત્વ ધરાવે છે. સામાજિક પરિબળોને હૃદયરોગોના જોખમ માટે સાંકળી લેવાં આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 મહામારીમાં લદાયેલા લોકડાઉન્સ સમયે સામાજિક સંપર્કો નહિ જળવાયાથી એકલવાયાપણાના લીધે માનસિક અને શારીરિક આરોગ્યની ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter