એકલતાને નબળાઇ નહીં, તાકાત બનાવી શકો છો

Wednesday 03rd June 2026 08:36 EDT
 
 

સમાજ આપણને શીખવે છે કે, મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે. નજીકના મિત્રો ન હોવાને ઘણીવાર ખામી તરીકે જોવામાં આવે છે. જોકે, તાજેતરના મનોવૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે, નજીકના મિત્રો ન હોવાના પણ ફાયદા છે. કેટલીક વાર મિત્રોની ગેરહાજરી વ્યક્તિને પોતાનું સાચું સ્વરૂપ શોધવાની તક આપે છે. સલાહ આપનારું કોઈ ન હોય ત્યારે નિર્ણયો જાતે જ લેવા પડે છે, જેમ કે નોકરી બદલવી, સંબંધ નક્કી કરવો અથવા જીવનનો માર્ગ નક્કી કરવો.
મનોવિજ્ઞાનીઓ જણાવે છે કે, વારંવાર પોતાનાં નિર્ણયોની પડખે ઊભા રહેવું અંદરથી આત્મવિશ્વાસ મજબૂત કરે છે. આ જવાબદારી પર ટકેલો વિશ્વાસ હોય છે. ભાવનાત્મક શક્તિ પ્રાપ્ત થાય છેઃ મિત્રો વિના દુ:ખ સરળતાથી દૂર થતું નથી. ‘બધું સારુ થઈ જશે’ એવું કહેનારું કોઈ હાજર હોતું નથી. જોકે, સંશોધન દર્શાવે છે કે, જે લોકો તાત્કાલિક સમર્થન વિના પોતાની લાગણીઓનો સામનો કરવાનું શીખે છે, તેમની ભાવનાત્મક શક્તિ વધુ સ્થાયી હોય છે.
અમેરિકાની વિખ્યાત હોપ કોલેજના મનોવિજ્ઞાની ડેરિલ ટોન્જેરેનના અનુસાર, એકલા રહેવાથી એ સમજણ વિકસાવવામાં મદદ મળે છે કે, પીડા આવે છે. થોડા સમય માટે રહે છે અને પછી દૂર થઈ જાય છે. આ તમારા આંતરિક અવાજને સ્પષ્ટ બનાવવામાં મદદ કરે છે.
તમારા વિચારોનું સતત મૂલ્યાંકન કરવા માટે કોઈ ન હોય, ત્યારે તમે તમારી જાતને પ્રશ્ન કરો છો. તમે આત્મનિરીક્ષણ કરો છો. ફિલ્મો જોવા જાઓ છો, બહાર જમો છો અથવા એકલા મુસાફરી કરો છો. શરૂઆતમાં અસ્વસ્થતા અનુભવાય છે, પરંતુ થોડા સમય પછી તમને ખ્યાલ આવે છે કે બધું બરાબર છે. મનોવૈજ્ઞાનિકો આને આત્મવિશ્વાસ અથવા આત્મનિર્ભરતા બનવાની તાલીમ કહે છે.
મિત્રો વિના વ્યક્તિ અભિનય પણ ઓછો કરે છે. તેના પર ‘રમુજી મિત્ર’ બનવાનું દબાણ, ‘હંમેશા સ્માર્ટ’ દેખાવાની લાચારી હોતી નથી. આ ખાલીપામાં વાસ્તવિક ગમો-અણગમો વિકસે છે - શું સાચ્ચે જ સારું લાગે છે અને શું માત્ર સાથ નિભાવવા માટે કરાય છે. ડેરિલ ટોન્જેરેન કહે છે કે, અર્થપૂર્ણ જીવનની સમજણ ઘણીવાર એકાંતમાં ગાઢ બને છે. સામાજિક દબાણ ઓછો થાય છે, ત્યારે વ્યક્તિ પોતાનાં મૂલ્યો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.
જાત સાથેનો સંબંધઃ એકલતા ઘણું બધું શીખવાડે છે
નવા સંશોધનો અને જીવનના અનુભવો દર્શાવે છે કે, એકલતા હંમેશા નકારાત્મક હોતી નથી; તેના બદલે, તે તમને અંદરથી મજબૂત સ્પષ્ટ અને ભાવનાત્મક રીતે આત્મનિર્ભર બનાવવાનો પાઠ બની શકે છે. ટોન્જેરેન કહે છે કે, ગાઢ મિત્રતામાં પણ એક છુપાયેલી ગોઠવણ હોય છે. જે આપણને હસાવે તેને આગળ વધારીએ છીએ. જે અભિપ્રાય તણાવ વધારે તેને ઘટાડીએ છીએ. સમુહ સાથે તાલ-મેલ બેસાડવા લાગીએ છીએ. મિત્ર ન હોય, સમુહ ન હોય તો આ કોરિયોગ્રાફી ઓછી થાય છે. આ સ્થિતિમાં એકલા હોવાથી તમારો જાત પરનો વિશ્વાસ વધુ મજબૂત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter