એકાગ્રતા માટે અજમાવો ત્રાટક

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 13th April 2016 08:07 EDT
 
 

ધ્યાન અને પ્રાણાયામથી માત્ર આધ્યાત્મિક વિકાસ જ નહીં, માનસિક ક્ષમતાઓ પણ વધે છે. ધ્યાનમાં બેસવું એટલે કશું જ ન કરવું. શરૂ-શરૂમાં આ કશું ન કરવું એટલે શું કરવું એ સમજવું અઘરું પડે છે. આ માટે ત્રાટક નામની યોગક્રિયા ખૂબ જ અસરકારક છે. વિદ્યાર્થીઓથી લઈને વૈરાગીઓ સુધીની દરેક વર્ગની વ્યક્તિઓ આ ક્રિયાથી આધ્યાત્મિક તેમજ માનસિક વિકાસની સફર આગળ ધપાવી શકે છે. અલબત્ત, અનેક યોગશિબિરોમાં વિદ્યાર્થીઓને એકાગ્રતા વધારવા માટે આ ક્રિયા કરાવવામાં આવે છે. જો તમે પણ નવા જ અહેસાસની અનુભૂતિ કરવા માગતા તો થઇ જાવ તૈયાર.

ત્રાટક વિધિ માટેની પૂર્વતૈયારીઓ

એકથી દોઢ ફૂટ ઊંચું ટેબલ, એક ઘીનો દીવો અને બેસવાનું આસન લેવું. એવો રૂમ પસંદ કરવો કે જ્યાં બહારની દુનિયાનો વધુ અવાજ ન આવતો હોય. શક્ય હોય તો સંપૂર્ણ અંધારું હોય. યોગ્ય વાતાવરણ મળી રહે અને યોગક્રિયાનો મહત્તમ લાભ મળે એ માટે વહેલી સવારનો કે સાંજ પછીનો સમય પસંદ કરવો હિતાવહ છે.

એક આસનિયા પર જમીન પર બેસવું. સામે ત્રણ ફૂટ દૂર ટેબલ મૂકીને એના પર ઘીનો દીવો પ્રગટાવવો. દીવાની જ્યોત તમારી આંખની સમાંતરે આવતી હોય એ રીતે એની ઊંચાઈ એડજસ્ટ કરવી. દીવાની જ્યોત જોવા માટે તમારે આંખ કે ગરદન ઊંચી કે નીચી કરવી પડે એવું ન થવું જોઈએ.

દીવાની જ્યોત પવનને કારણે હલતી ન હોય એ જરૂરી છે. રૂમનો પંખો કે ખુલ્લી બારીઓમાંથી જરાય હવાની લહેરખી ન આવતી હોય એવી જગ્યા પસંદ કરવી. તમારા ખુદના શ્વાસોચ્છ્વાસથી જ્યોત ન હલે એટલા ડિસ્ટન્સ પર દીવો રાખવો.

તમારા અનુકૂળ આસનમાં પદ્માસન, વજ્રાસન, સિદ્ધાસન કે સાદી પલાંઠીમાં ટટ્ટાર કરોડરજ્જુ રાખીને બેસવું. એવું આસન અપનાવવું જેમાં તમે કોઈ જ દુખાવા વિના દસેક મિનિટ સળંગ હલ્યા વિના બેસી શકો. કરોડરજ્જુ ટટ્ટાર હોવી જરૂરી છે, કેમ કે એનાથી તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ થશે.

ત્રાટક કઇ રીતે કરશો?

દીવો પ્રગટાવીને બધું જ સેટ થયા પછી ઊંડા અને લાંબા શ્વાસ લઈને રિલેક્સ થાઓ એટલે તમે ત્રાટક વિધિ કરવા માટે તૈયાર થઈ ગયા.

ત્રાટક એટલે કે કોઈ એક જ વસ્તુ પર તરાપ મારવી. તમારે દીવાની જ્યોત પર તમારા સઘળા લક્ષ્યને કેન્દ્રિત કરવાનું છે. જાણે એના સિવાય રૂમમાં બીજી કોઈ ચીજ છે જ નહીં. ટેબલ પણ નહીં ને ખુદ દીવો પણ નહીં. માત્ર અને માત્ર જ્યોતને જ નિહાળ્યા કરવાની ને એ પણ એકીટશે, પલકારો માર્યા વિના.

તમારી આંખો એકધારું જ્યોતને જ જોયા કરતી હશે એટલે ધીમે-ધીમે ચારે બાજુનું દૃશ્ય ધૂંધળું થતું જશે અને અંધકાર છવાતો જશે. માત્ર જ્યોતને જોવાથી એ વધુ ને વધુ ઊજળી થતી જણાશે. અલબત્ત, પલકારો ન મારવાને કારણે આંખને થાક લાગશે. વચ્ચે એકાદ વાર બ્લિન્ક કરી દેવાનું મન થશે, પરંતુ એમ તમારે નથી જ કરવાનું.

ખૂબ થોડીક ક્ષણો માટે આ ટેન્શન ક્રીએટ થશે, પરંતુ પલકારો ન મારવાને કારણે આંખોમાંથી પાણી નીકળવા લાગશે અને આપમેળે આંખ બંધ કરવી જ પડશે.

અત્યાર સુધીની ક્રિયાને બાહ્ય ત્રાટક કહે છે. હવે શરૂ થાય છે આંતરિક જર્ની જેને આંત: ત્રાટક કહે છે. ખુલ્લી આંખે જે જ્યોત તમે જોતા હતા એને હવે બંધ આંખે બે ભ્રમરની વચ્ચેના - ત્રિનેત્રના ભાગમાં જોવાનો પ્રયત્ન કરો.

જો તમે બાહ્ય ત્રાટકમાં પૂરી એકાગ્રતા રાખી શક્યા હશો તો બંધ આંખે પણ જ્યોત સ્પષ્ટ દેખાશે. જ્યોત જેટલી ધૂંધળી એટલું તમારું બાહ્ય ત્રાટક નબળું એમ સમજવું.

થોડીક ક્ષણોમાં એ ધૂંધળી જ્યોત પણ અદૃશ્ય થઈ ગઈ હોય એવું લાગશે. એ પછી તમે આંખ ખોલી શકો છો.

ત્રાટક વિધિમાં સાવચેતી

• કોન્સન્ટ્રેશન કરતી વખતે આંખોને ઝીણી કરીને સ્નાયુઓને તાણવાની જરૂર નથી.

• જો આંખમાંથી પાણી ન નીકળે અને છતાં આંખ ખુલ્લી ન રહી શકતી હોય તો પલકારો મારવાને બદલે આંખ બંધ કરી દો ને આંત: ત્રાટક શરૂ કરી દો.

• બાહ્ય ત્રાટક જેટલું સ્પષ્ટ અને એકાગ્રચિત્તે થશે એટલો લાંબો સમય આંત: ત્રાટક ચાલશે.

ત્રાટક વિધિના ફાયદા શું?

• એકાગ્રતા, બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિ વધે.

• ચંચળ મગજ હોય તો મગજ શાંત થાય અને

આંતરિક મૌન તથા શાંતિની અનુભૂતિ થાય.

• આંખનું વિઝન સુધરે.

• સ્ટ્રેસ ઘટે અને રિલેક્સેશન મહેસૂસ થાય.

• અનિદ્રા, ભયાનક સપનાં અને ઝબકીને જાગી જવાની તકલીફો
દૂર થઈને ખલેલ વિનાની ગાઢ ઊંઘ આવે.

• ધીરજ અને સહિષ્ણુતા વધે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter