ન્યૂ યોર્કઃ એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગથી આંતરડાના કેન્સરનું જોખમ વધી જતું હોવાનું ચોંકાવનારું તારણ નિષ્ણાતોએ રજૂ કર્યું છે. અલબત્ત, આ જ ટેબ્લેટ એનલ કેન્સરનું જોખમ ઘટાડતું હોવાનું પણ અભ્યાસમાં જણાયું હતું.
આ અભ્યાસ હાથ ધરનાર જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે કેન્સર થવાના જોખમનો આધાર એન્ટિબાયોટિકના પ્રકાર અને વર્ગ પર પણ નિર્ભર રહે છે. એન્ટિબાયોટિક્સની આડઅસર આંતરડાથી લઈને ગુદા સુધીના વિવિધ હિસ્સા પર અલગ અલગ થતી હોય છે. સંશોધનકારોના મતે લોકોના આંતરડામાં ગટ બેક્ટેરિયાનું પ્રમાણ પણ જૂદું જૂદું હોય છે. આમ આ સંશોધનથી ફરી એક વખત પુરવાર થાય છે કે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ખૂબ જ સમજીવિચારીને કરવો જોઈએ. એન્ટિબાયોટિક્સ આંતરડામાં રહેલા માઇક્રોબાયોમ પર ગંભીર અસર કરે છે. એનાથી શરીર માટે જરૂરી અને ઉપયોગી બેક્ટેરિયા પણ નાશ પામે છે. ૨૮ હજારથી વધુ દર્દીઓ પર થયેલા રિસર્ચમાં જણાયું હતું કે આંતરડાના કેન્સરના દર્દીઓ પૈકી ૭૦ ટકા દર્દીઓને કેન્સર થવા અગાઉના વર્ષોમાં એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી.
આ સંશોધનમાં એન્ટિબાયોટિક્સના વર્ષો સુધીના ઉપયોગ અને આંતરડાના કેન્સર વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો હતો. આમાં પણ જો મેદસ્વીતા, ધૂમ્રપાન અને દારૂના સેવન સાથે એન્ટિબાયોટિક્સ માત્ર ૧૬થી વધુ દિવસ માટે લેવામાં આવી હોય તો કેન્સરનું જોખમ અનેકગણું વધી ગયેલું જોવા મળ્યું હતું. સંશોધનમાં એમ પણ જણાયું હતું કે આવા દર્દીઓને મોટા ભાગે પેનિસિલિન આપવામાં આવી હતી.