એપિલેપ્સીના દર્દીઓ માટે આશાનું કિરણઃ NHS અત્યાધુનિક લેસર થેરપીથી ટ્રીટમેન્ટ કરશે

Sunday 06th November 2022 08:14 EST
 
 

લંડનઃ અસાધ્ય ગણાયેલા એપિલેપ્સી અથવા વાઈ-ખેંચની બીમારીથી પીડાતા હજારો લોકો માટે આગામી વર્ષથી NHS દ્વારા નવીનતમ લેસર થેરપી ઓફર કરાશે. આ ટ્રીટમેન્ટ અંતર્ગત ખોપરીમાં મૂકાતા પ્રોબમાં નાજૂક લેસરની સહાયથી ડોક્ટર્સ ખેંચ લાવતા બ્રેઈનના ટિસ્યુઝનો નાશ કરી શકશે. આ સારવાર અતિશય ચોકસાઈપૂર્ણ છે તેમજ સામાન્ય બ્રેઈન સર્જરીથી ઓછી જોખમી છે તથા પેશન્ટ્સ ઝડપથી સાજા થઈ શકશે તેમ NHS Englandનું કહેવું છે. ચેરિટી એપિલ્પ્સી એક્શને જણાવ્યું છે કે આ નવી સારવાર આશાનું રોમાંચક કિરણ બની રહેશે.
યુકેમાં આશરે 600,000 લોકો એપિલેપ્સીથી પીડાય છે અને મોટા ભાગના લોકો તેમની ખેંચ પર નિયંત્રણ મેળવવા માટે મેડિસિન્સનો ઉપયોગ કરે છે. જોકે, દર ત્રણમાંથી એક વ્યક્તિ માટે આ શક્ય બનતું નથી અને આશરે 1000 દર્દીને દર વર્ષે પરંપરાગત બ્રેઈન સર્જરીની જરૂર પડે છે. જોકે, સર્જરીના સંભવિત જોખમો અને સાજા થવામાં લાંબો સમય જતો હોવાથી ઘણા લોકો આવી સર્જરી કરાવતા નથી. વાઢકાપની પરંપરાગત બ્રેઈન સર્જરી પછી દર્દીએ 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને ઘરમાં સાજા થવામાં કેટલાક મહિના લાગી જાય છે. આનાથી વિપરીત, લેસર સારવારમાં કરાતો છેદ એટલો નાનો હોય છે કે પેશન્ટ એકાદ-બે દિવસમાં ઘેર જઈ શકે છે અને એકાદ સપ્તાહમાં તો કામે ચડી શકે છે. NHS Englandના જણાવ્યા મુજબ, વર્ષ 2023માં આશરે 150 પેશન્ટ લેસર સારવારનો લાભ મેળવી શકશે અને સમયાંતરે આ સંખ્યામાં વધારો થતો રહેશે.
લેસર થેરપીની પ્રોસીજર MRI સ્કેનરમાં કરાય છે જેનાથી ડોક્ટર્સને તેઓ જે ચોક્કસ ટિસ્યુઝને કાઢવા માગે છે તેને રક્તવાહિનીઓ અને મગજના અન્ય મહત્ત્વના માળખામાં શોધવામાં મદદ મળે છે. આ પછી પ્રોબ-સાધન પર રખાયેલા અતિ સુક્ષ્મ અને ચોકસાઈપૂર્ણ લેસર બીમ ગર્મી અને પ્રકાશના ઉપયોગથી બ્રેઈનના ટિસ્યુનો નાશ કરે છે.

એપિલેપ્સી કે વાઈ-ખેંચનો રોગ શું છે?
એપિલેપ્સી મગજને અસર કરતી વિશિષ્ટ કંડીશન છે જેના કારણે વારંવાર ખેંચ આવે છે. એ કોઈ માનસિક બીમારી કે ગાંડપણ નથી. જન્મ બાદ બાળકના મગજને પૂરતો ઓક્સિજન ન મળવાથી કુમળા મગજને થતું નુકસાન, મગજની ગાંઠ, અકસ્માત અને અન્ય પ્રકારે મસ્તકની ઇજા, મગજના ચેપી રોગોથી નુકસાન, વારસાગત સહિતના કારણો આ ખામી માટે કારણભૂત હોય છે. ઘણી વખત મગજમાં ઈલેક્ટ્રિકલ એક્ટિવિટીનું પ્રમાણ ઘણું વધી જાય છે જેના કારણે મગજની સામાન્ય કામગીરીમાં અવરોધ સર્જાય છે, મગજમાં કોષોની પ્રવૃત્તિમાં વિક્ષેપ આવે છે અને શરીર ખેંચાઈ જાય છે. એપિલેપ્સીના અનેક પ્રકાર છે અને તેની શરૂઆત કોઈ પણ ઉંમરે થઈ શકે છે. કેટલીક ખેંચના પ્રકાર મર્યાદિત સમય સુધી રહે છે જ્યારે કેટલાક લોકો માટે તે જીવનભરની સમસ્યા બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter