એશિયનોમાં શારીરિક નિષ્ક્રિયતા કોરોનાથી મોત તરફ ધકેલી શકે

રુપાંજના દત્તા Tuesday 02nd June 2020 23:47 EDT
 
 
લંડનઃ સરે અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસમાં જે લોકો વધુપડતા વજન અથવા સ્થૂળતા ધરાવતા હોય તેમ જ ત્વચાનો રંગ ઘેરો હોય તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ વધુ હોવાનું જણાવાયું છે. આ તારણો અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમૂહોની કોમ્યુનિટી (BAME)માં કોરોના વાઈરસના અપ્રમાણસરના ઈન્ફેક્શન્સને સમજાવવામાં મદદરુપ બની શકે છે. તેમાં વિટામીન ડીનું પ્રમાણ પણ કોમ્યુનિટીમાં કોરોના વાઈરસની અસર નક્કી કરવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

સ્થૂળતા ઈમ્યુન સિસ્ટમને નબળી બનાવે

સંશોધનના તારણો સ્પષ્ટ કરે છે કે BAME કોમ્યુનિટીના લોકોની સરખામણીએ વ્હાઈટ લોકોમાં વિટામીન ડીનું પ્રમાણ ૫૩ ટકા જેટલું ઊંચું છે જ્યારે, વધુપડતા વજનના લોકો કરતાં તંદુરસ્ત વજન સાથેના લોકોમાં તે ૨૫ ટકા વધુ છે. જે લોકોનો બોડી માસ ઈન્ડેક્સ (BMI) ૩૦થી વધુ હોય તેમને સ્થૂળ ગણવામાં આવે છે. NHS અનુસાર યુકેમાં આ સમસ્યા સામાન્ય છે અને દર ચાર વયસ્કમાંથી એક વ્યક્તિને તેમજ ૧૦-૧૧ વયજૂથના પાંચમાંથી એક બાળકને તેની અસર હોય છે. વધુપડતું વજન કે સ્થૂળતા શરીરની રોગપ્રતિકાર શક્તિને નબળી બનાવે છે પરિણામે, કોરોના વાઈરસનો ચેપ લાગવાની શક્યતા વધે છે તેમજ ચેપ સામે લડવાનું શરીર માટે મુશ્કેલ બને છે. ૪૦ કે તેથી વધુ BMI સાથેના લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગે તો કોમ્પ્લિકેશન્સ વધવાનું જોખમ વધુ રહે છે. યુકેમાં કોરોનાથી આશરે ૩૭,૦૦૦થી વધુ મોત સાથે ૨૬૧,૦૦૦થી વધુ  કેસીસ છે ત્યારે કોવિડ-૧૯ના કન્ફર્મ ૩૪ ટકા કેસ તેમજ ઈન્ટેન્સિવ કેરમાં ૩૨ ટકા મોત BAME કોમ્યુનિટીના લોકોનાં હોવાનું ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને આવરી લેતા ઈન્ટેન્સિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના આંકડા જણાવે છે. ઉલ્લેખનીય છે કે ONS ના ૨૦૧૬ના વસ્તી અંદાજો મુજબ દેશમાં BAME કોમ્યુનિટીની વસ્તીનો હિસ્સો ૧૪.૫ ટકાનો છે.

BAME કોમ્યુનિટી સામે ભારે જોખમ

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના એનાલિસીસ મુજબ શ્વેત પુરુષોની સરખામણીએ બાંગલાદેશી અથવા પાકિસ્તાની મૂળના પુરુષોના કોવિડ-૧૯થી મોત થવાનું પ્રમાણ ૧.૮ ગણું વધુ જ્યારે, શ્વેત સ્ત્રીઓ કરતાં તેમની સ્ત્રીઓનું આ પ્રમાણ ૧.૬ ગણું વધુ રહેવાની શક્યતા છે. ભારતીયો સહિત અન્ય વંશીય પશ્ચાદભૂના લોકોમાં પણ શ્વેત લોકોની સરખામણીએ મોતની શક્યતા વધુ છે. કોવિડ-૧૯થી મોત પામનારા હેલ્થકેર વર્કર્સની સંખ્યા ૨૦૦થી વધી છે ત્યારે ૧૦માં ૬થી વધુ મૃતકો BAME પશ્ચાદભૂનાં છે. ગાર્ડિયન અખબાર દ્વારા હોસ્પિટલ્સ, જીપી સર્જરીઝ, કેર હોમ્સ અને અન્યત્ર સ્થળોના એનાલિસીસમાં ૧૨૨ મૃતકો અથવા કુલ મૃતકોના ૬૧ ટકા વંશીય લઘુમતી બેકગ્રાઉન્ડના હતા. કુલ મૃતકોમાં પણ એશિયનો ૩૪ ટકા, અશ્વેત સ્ટાફ ૨૪ ટકા અને શ્વેત ૩૬ ટકા અને બાકીના અજાણ્યા હતા.સરકારી પ્રવક્તાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને ખાસ જણાવ્યું હતું કે,‘ફ્રન્ટલાઈન સ્ટાફનું રક્ષણ તેમજ તેઓ સલામતી અનુભવે તે માટે યોગ્ય ઉપકરણો તેમની પાસે હોય તે અમારી પ્રાથમિકતા છે. BAME પશ્ચાદભૂનાં લોકો પર વાઈરસની અપ્રમાણસરની અસર વિશે અમે વાકેફ છીએ. કયા જૂથને સૌથી વધુ જોખમ છે તે શોધવાનું મહત્ત્વનું છે જેથી, તેમના રક્ષણ અને જોખમને ઓછામાં ઓછું કરવાના પગલાં લઈ શકાય.વાઈરસની અસરને પ્રભાવિત કરતા વંશીયતા સહિતના વિવિધ પરિબળોને સારી રીતે સમજવા PHEને કામગીરી સોંપી છે.’

સ્થૂળતા અને કોરોના વાઈરસથી મોતનો સંબંધ

સાઉથએન્ડ-ઓન સીના ૬૬ વર્ષીય નિવૃત્ત શોપકીપર અલી કિરાઝ ઓઝેલનું જીવન પ્રવૃત્તિમય હતું પરંતુ, તેઓ સ્થૂળ હતા. કોરોના વાઈરસ રોગચાળા અગાઉ તેઓ પોતાના ગ્રાન્ડચિલ્ડ્રન સાથે દોડાદોડી કરી શકતા હતા. તેમને સાવધાની રાખવા કોઈ પત્ર મોકલાયો ન હોવાં છતાં ડાયાબિટીસના કારણે વધુ સાવચેતી રાખતા હતા. તેમને કોવિડ-૧૯ની બીમારી લાગી અને મૃત્યુ પામ્યા ત્યારે તેમના મોતનું કારણ સ્થૂળતા હોઈ શકે તેવા ખુલાસાથી અલીના કુટુંબીજનોને આઘાત લાગ્યો હતો.કોરોનાથી લોકોને હોસ્પિટાલાઈઝેશન તરફ દોરી જાય તેવા સૌથી વધુ જોખમી પરિબળોમાં સ્થૂળતા પણ હોવાનું રિપોર્ટ્સ જણાવે છે. સન અખબારમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ ૧૪ મેએ જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે ઈંગ્લેન્ડની હોસ્પિટલોમાં કોરોના વાઈરસથી થયેલા મોતમાં ૨૫ ટકા પેશન્ટ્સને ડાયાબિટીસ હતો, જે મોટા ભાગે સ્થૂળતાના કારણે થાય છે. NHSના સર્વે મુજબ વાઈરસના લીધે ICUમાં પહોંચેલા ૬૦ ટકાથી વધુ પેશન્ટ્સ ખતરનાક સ્થૂળ હોવાનું જણાયું હતું. અગાઉ પણ, વધુપડતા વજન ધરાવતા અને મેદસ્વી લોકોને ફ્લુ જેવા ચેપથી ગંભીર સમસ્સ્યાઓ અથવા મોતનું ભારે જોખમ હોવાનું અનેક અભ્યાસોએ સ્પષ્ટ કર્યું છે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન અનુસાર વધુ વજન શ્વાસ લેવાની તેમજ ધમનીઓને રુંધવાની સમસ્યા સર્જે છે.ONS કહે છે કે ઈંગ્લેન્ડમાં નવેમ્બર ૨૦૧૯ સુધીના ૧૨ મહિનામાં ૬૨.૩ ટકા (૧૮ અને વધુ વયના) પુખ્ત લોકોને વધુ વજન કે સ્થૂળતા હતી. વ્હાઈટ બ્રિટિશ વયસ્કોની સ્થૂળતા કે વજન સરેરાશ કરતાં વધુ (૬૩.૩ ટકા) હતાં જ્યારે, તમામ વંશીય સમૂહોમાં અશ્વેત વયસ્કોમાં આ પ્રમાણ ૭૩.૬ ટકા હતું. તમામ વંશીય સમૂહોમાં સૌથી ઓછું ૩૫.૩ ટકા પ્રમાણ ચાઈનીઝ વંશીય જૂથનું હતું. સ્થૂળતા કે વધુ વજનની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું પ્રમાણ એશિયન (૫૬.૨ ટકા), અન્ય વ્હાઈટ (૫૮.૧ ટકા), અન્ય (૫૨.૬ ટકા), તેમજ મિશ્ર (૫૭ ટકા) વંશીય જૂથોનું હતું.

શારીરિક નિષ્ક્રિયતા અને હૃદયરોગનું જોખમ

ક્રોયડન યુનિવર્સિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડો. શ્રીધર કૃષ્ણા કેમ્બ્રિજ યુનિવર્સિટીની પબ્લિક હેલ્થની MPhil ડીગ્રી ધરાવે છે. તેમણે શારીરિક નિષ્ક્રિયતાની હાર્ટ એટેક્સના જોખમ પરની અસરો વિશે સંશોધન કર્યું છે. ગુજરાતીઓમાં હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા વચ્ચે સંબંધ દર્શાવતા પેપર્સ પણ પ્રસિદ્ધ કર્યા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની વાતચીતમાં ડો. કૃષ્ણાએ જણાવ્યું હતું કે ‘વજનને ઊંચાઈથી ભાગાકાર કર્યા પછી મળતો આંકને બોડી માસ ઈન્ડેક્સ (BMI) કહે છે. જો તમે ખરેખર સ્થૂળ હો તો તેનો કોઈ અર્થ રહેતો નથી. જોકે, રગ્બીના ખેલાડીઓ સ્નાયુબદ્ધ હોય છે અને તેમના BMI મુજબ તેઓ સ્થૂળ ગણાવી શકાય. આથી, તેને વિશ્વસનીય માપદંડ તરીકે ગણાતો નથી. હોસ્પિટલ્સના નિર્ણય પર છોડી દેવાય છે. જો તમે એશિયન હો અને સ્થૂળ-મેદસ્વી હો તો તમારા માટે જોખમ ઊંચું છે.’ડો. કૃષ્ણા કહે છે કે,‘શારીરિક પ્રવૃત્તિ કે સક્રિયતાના અભાવથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. તમારો કામ કરવાનો પ્રકાર પણ મોટો તફાવત સર્જે છે. જો તમારું કામ ડેસ્ક પર બેસી રહેવાનું હોય અને તમે કસરત કરતા ન હો તો તમે ગંભીર મુશ્કેલીમાં છો. એશિયન વ્યક્તિમાં ચરબી જમા થવાનો માર્ગ ચરબી કોકેશિયન મૂળની વ્યક્તિથી અલગ હોય છે. એશિયનો બદનામ હોવાં છતાં આપણે નેશનલ ડેટા તરફ જોઈએ તો સામાન્ય વસ્તી કરતાં આપણે વધુ સ્થૂળ નથી. વાસ્તવમાં એશિયનો ઓછાં સ્થૂળ છે. જોકે, હૃદય માટે ઓબેસિટી કરતાં પણ ખાણીપીણીની આદતો અને જિનેટિક્સ વધુ જોખમી પરિબળ છે.’

વિટામીન ડીની ઉણપ પણ જોખમી

આપણે યુકેમાં માર્ચના ઉત્તરાર્ધ અને એપ્રિલના આરંભથી છેક સપ્ટેમ્બરના અંત સુધી સૂર્યપ્રકાશ મારફત વિટામીન ડી મેળવીએ છીએ. આપણા ભોજનમાંથી કેલ્શિયમ અને ફોસ્ફેટના શોષણમાં શરીરની મદદ માટે વિટામીન ડીની જરુર રહે છે. આ મિનરલ્સ તંદુરસ્ત હાડકાં, દાંત અને સ્નાયુઓ માટે અગત્યની છે. ડો. કૃષ્ણા કહે છે કે,‘ બધાં એશિયન લોકોએ વિટામીન ડી લેવું જ જોઈએ. વિટામીન ડીની ઉણપ હૃદયરોગથી માંડી આપઘાતની માનસિકતા સુધી સંકળાયેલી છે. ઓછું વિટામીન ડી ધરાવતા એશિયનોને કોરોના વાઈરસથી પણ ભારે ખતરો છે, જે પરિબળ તરફ પણ ધ્યાન અપાવું જોઈએ. આ ઉણપમાં ગીચ ઘરોમાં રહેવાસ જેવા ગરીબી અને સામાજિક-આર્થિક પરિબળો પણ ભાગ ભજવે છે. તમારા કામનો પ્રકાર NHS, રીટેઈલ કે ટ્રાન્સપોર્ટ હોઈ શકે અને તમને PPE ન અપાય તો વંશીય લઘુમતીના લોકો તેમની સંસ્કૃતિના કારણે ઓછો ઉહાપોહ કરશે, પરંતુ તેનાથી આરોગ્યને વધુ નુકસાન થઈ શકે છે. મારું માનવું છે કે સ્થૂળતા અને વિટામીન ડીની ઉણપ આ અપ્રમાણસરના મૃત્યુના કારણોના હિસ્સારુપ છે પરંતુ, એકમાત્ર કારણો નથી.’

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter