એશિયાની સૌથી મેદસ્વી મહિલાએ ૨૧૪ કિલો વજન ઘટાડ્યું

Saturday 18th May 2019 06:25 EDT
 
 

મુંબઈઃ વસઈમાં રહેતી ૪૨ વર્ષીય ગુજરાતી મહિલા અમિતા રાજાણી ૪ વર્ષ પૂર્વે મહત્તમ ૩૦૦ કિલો વજન સાથે એશિયામાં સૌથી વધુ વજન ધરાવતી મહિલા હતી. જેની પર લેપ્રોઓબેસો સેન્ટરના સ્થાપક ડો. શશાંક શાહે સર્જરી કર્યા પછી ૪ વર્ષમાં તેનું વજન ૨૧૪ કિલો ઘટીને હવે ૮૬ કિલો થઈ ગયું છે. અમિતાનું વજન નવજાતાવસ્થામાં ૩ કિલો હતું, પરંતુ ૬ વર્ષની ઉંમર પછી વજન સતત વધતું રહીને તેની સામાન્ય પ્રવૃત્તિઓ પણ અવરોધાઈ હતી. ભારત અને યુકેના અગ્રણી ડોક્ટરોને બતાવવામાં આવ્યું પણ સ્થૂળતાનું અચૂક કારણ શોધી શકાયું નહોતું. વજન વધતાં વધતાં અંતે ૩૦૦ કિલો સુધી પહોંચી ગયું હતું. ૩૦૦ કિલોની અમિતા વજન ખૂબ જ વધી જતાં ઘરની બહાર પણ નીકળી શકતી નહોતી.
સર્જરી પૂર્વે આઠ વર્ષ તે સંપૂર્ણ પથારીવશ હતી, જે પછી ડો. શાહ પાસે કેસ આવ્યો. તપાસમાં તેના તીવ્ર મરણાધીનતા સ્થૂળતા સાથે કોલેસ્ટરોલ, કિડની, શ્વાસોશ્વાસની સમસ્યા અને ટાઇપ-૨ ડાયાબીટીસનું નિદન થયું હતું. તેને મુંબઈમાં હોસ્પિટલ લાવવા માટે એમ્બ્યુલન્સનો દરવાજો કાઢી નખાયો હતો અને અંદર મોટો સોફા ગોઠવવામાં આવ્યો હતો, જે પછી હોસ્પિટલમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમિતાની માતા શું કહે છે
અમિતા માતા સાથે વસઈમાં રહે છે. પિતાનું થોડાં વર્ષો પૂર્વે નિધન થયું છે. અમિતા શેરબજાર સંબંધી કામકાજ કરતી હતી, જે હવે તે ફરીથી શરૂ કરશે. તેની માતા મમતા કહે છે, અમિતાનું વજન વધવાથી હલનચલન બંધ થતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેનાં રોજના નિત્યક્રમ, કપડાં બદલવાં, ખાવાનું ખવડાવવા સહિત તેને મદદ કરવી પડતી હતી. જોકે હવે વજન ઓછું થતાં તે પૂર્વવત કામ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter