ઓકિનાવાનાં લોકોના દીર્ઘાયુ જીવનનું રહસ્ય

15 પ્રકારનાં ભોજન અને નીચે બેસવાની ટેવ

Wednesday 20th May 2026 07:44 EDT
 
 

જાપાનની દક્ષિણે આવેલું ઓકિનાવા નગર તેની ત્રણ આગવી વિશેષતા માટે જાણીતું છે. એક તો તેની અનન્ય સંસ્કૃતિ. બીજું, સુંદર દરિયાકિનારો અને ત્રીજું, શતાયુ નાગરિકોની બહોળી વસ્તી. ટાપુઓના સમૂહથી બનેલું આ શહેર વિશ્વના એવા બહુ જૂજ સ્થળોમાંનું એક છે જ્યાંના લોકોનું આયુષ્ય સૌથી વધુ જોવા મળે છે, એટલું જ નહીં 100 વર્ષથી વધુ જીવતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આનું મુખ્ય કારણ છે તેમની જીવનશૈલી, પૌષ્ટિક આહાર અને ‘ઈકિગાઈ’ (જીવન જીવવાનો હેતુ) છે.
ઓકિનાવા આ પૂર્વે ‘ર્યુક્યુ કિંગડમ’ (Ryukyu Kingdom) તરીકે ઓળખાતું હતું. તેથી, અહીંની સંસ્કૃતિ, સંગીત, ભાષા અને ખાણીપીણી મુખ્ય જાપાન કરતાં તદ્દન અલગ છે.
ઓકિનાવાના લોકો સ્વિમિંગ બહુ પસંદ કરે છે. ભોજનમાં લીલાં શાકભાજી અને માછલી આરોગે છે. અહીંના વૃદ્ધોના ડાયેટમાં હળદર પણ સામેલ હોય છે. જોકે આપણા બધા માટે સૌથી જરૂરી બાબત છે ઓકિનાવાના એક શબ્દ ‘યુઈમાહરુ’નો અર્થ સમજવો. યુઈમાહરુનો અર્થ છે - આંતરિક સહયોગ કે મદદ કરવાની ટેવ. અહીં વસતાં 79 વર્ષનાં મિયાજાતો હાત્સુકો દરરોજ ચાલવા જાય છે અને તેમના દિવસનો એક હિસ્સો ઓકિનાવાના બજારમાં પોતાનાં મિત્રો સાથે પસાર કરવાનો છે. મિત્ર સાથે એક સ્ટોલ પર બેસેલાં મિયાજાતો હાત્સુકો જણાવે છે કે, ઓકિનાવાનું ભોજન સૌથી શ્રેષ્ઠ હોય છે. એ જ તમારું આયુષ્ય વધારે છે. અહીં આરોગ્ય સુવિધાઓ પણ ખૂબ સારી છે. જો તમે બીમાર પડો છો તો આશા રાખી શકો કે, તમે સાજા થઈને જલ્દી ઘરે પાછા આવી જશો અને ફરીથી ભોજનનો આનંદ લેશો. તેઓ પોતાનાં ઘુંટણ પર હાથ મુકતાં જણાવે છે કે, જૂઓ આજે પણ મારા ઘુંટણ એકદમ સાજા છે. ઓકિનાવા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ક્રેગ વિકલોક્સ લાંબા સમયથી ઓકિનાવાના વૃદ્ધોની જીવનશૈલી પર અભ્યાસ કરી રહ્યા છે. તેમની નજરે જાણીએ અહીંના લોકોના દીર્ઘાયુનું રહસ્ય...

જીવનને આશા આપતી ચાર સારી ટેવો

1) ઓકિનાવાના લોકોનું આયુષ્ય વધુ કેમ છે?
ભોજન એક મુખ્ય કારણ છે. તેમનું ભોજન ઓછી કેલરીવાળું અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.
• દિવસભર સક્રિય રહે છે. વૃદ્ધો પણ નિયમિત ચાલવા જવું, ગાર્ડનિંગ જેવા કામ રોજ કરે છે.
• મિત્રોનાં ગ્રૂપ છે, જે સોશિયલ નેટવર્કિંગને મજબૂત બનાવે છે. • તેમને આનુવાંશિક ફાયદો પણ છે. એક રિસર્ચ મુજબ હૃદયની બીમારીઓ અને ઈન્ફલામેશન બાબતે તેમનાં જીન્સ મજબૂત છે. • વૃદ્ધો માટે હેલ્થ કવર અને આરોગ્ય સુવિધાઓ સારી છે. • વૃદ્ધો માટે કાઈગો એટલે નર્સિંગ સુવિધા ઉપલબ્ધ છે.

2) તેઓ રોજિંદા ભોજનમાં શું જમે છે?
તેઓ ઓછું ભોજન કરે છે. તેઓ દરરોજ 1800 કેલરીથી વધુ ભોજન લેતા નથી. શક્કરિયા, કારેલા, સમુદ્રી શેવાળ, લીલાં શાકભાજી, ટોફૂ અને હળદર તેમનું મુખ્ય ભોજન છે. રેડ મીટ, ડેરી પ્રોડક્ટ અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું જમે છે.

3) અહીંના લોકો કેટલાં સક્રિય રહે છે?
ઓકિનાવાના રહેવાસીઓ બહુ સક્રિય જીવન જીવે છે. અહીં 80-100 વર્ષના વૃદ્ધો પણ ખેતી કરે છે. કોઇ પણ સહારા વગર ચાલે છે. ઓકિનાવાના ગામડામાં, શહેરોના મોટાભાગના ઘરોમાં બગીચો જરૂર હોય છે. વૃદ્ધો આખો દિવસ બગીચામાં કંઈક ને કંઈક કામ કરતાં જ રહે છે.

4) શું અહીં બધા લોકો તંદુરસ્ત છે?
મોટાભાગના લોકો કે જેઓ જૂની લાઈફસ્ટાઈલથી જીવન જીવી રહ્યા છે તેઓ તંદુરસ્ત છે. જે લોકોએ ફાસ્ટફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, કાર જેવા વાહનનો વધુ ઉપયોગ જેવી પશ્ચિમી જીવનશૈલી અપનાવી છે, તેમને લાંબા આયુષ્યનો ફાયદો મળવાનું ઘટ્યું છે.

આ ત્રણ બાબતો શીખી લો -
તમારું આયુષ્ય પણ વધી જશે

1) દિવસભરના ભોજનમાં જુદા-જુદા પ્રકારની વસ્તુઓ જમો
ઓકિનાવાના લોકો દિવસમાં લગભગ 15-18 પ્રકારની વસ્તુ જમે કે પીએ છે. તેઓ દરરોજ 7-8 પ્રકારના ફળ-શાકભાજી આરોગે છે. તેમના જુદા-જુદા પ્રકારના વ્યંજનોમાં 200થી વધુ જાતના મસાલાનો જરૂરત મુજબ ઉપયોગ થાય છે. તેનાથી શરીરને તમામ પોષક તત્વો મળે છે. તેમના ભોજનમાં હળદર અને આદુ જરૂર હોય છે. આ ભોજન એવું હોય છે જે રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને ઈન્ફલામેશન ઘટાડે છે.

2) હોરા હાચી બૂ મતલબ કે ભૂખના 80 ટકા જ જમવું
ઓકિનાવાની સંસ્કૃતિમાં હોરા હાચી બૂ ખૂબ જ પ્રચલિત છે. એટલે કે અહીંના લોકો જેટલી ભૂખ હોય છે તેના 80 ટકા જ જમે છે. 20 ટકા પેટ હંમેશા ખાલી છોડી દે છે. કેમ કે વિજ્ઞાન કહે છે કે, પેટ ભરાઈ ગયું છે તેનું સિગ્નલ મગજ મોડેથી મોકલે છે. ત્યાં સુધી તમે ઓવર ઈટિંગ કરી ચૂક્યા હોવ છો. વળી, પેટમાં થોડીક જગ્યા ખાલી રાખવાથી ખાધેલા ભોજનનું પાચન પણ બહુ સારી થઇ જાય છે, અને ચરબીના થર જામતા નથી.

3) જમીન પર બેસો - શરીરનો નીચેનો ભાગ મજબૂત થાય છે

અહીંની સંસ્કૃતિમાં જમીન પર બેસવાને વિશેષ મહત્ત્વ અપાય છે. તેનાથી વધતી ઉમરે પણ શરીર લવચિક અને સંતુલિત રહે છે. વૃદ્ધો પડી જતાં નથી. તેમના શરીરનો નીચેનો ભાગ મજબૂત રહે છે. નીચે બેસવાની ટેવથી નાનામોટા કામ માટે વારંવાર ઉઠવું પણ પડે છે, તેનાથી શરીર મજબૂત બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter