ઓક્સફર્ડ કોરોના વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં આવી શકે

Wednesday 22nd July 2020 00:32 EDT
 
 

લંડનઃ સમગ્ર વિશ્વને કોરોના વાઈરસે ભરડો લીધો છે ત્યારે તેની વેક્સિન વિકસાવવા સંદર્ભે હકારાત્મક અહેવાલો મળી રહ્યા છે. વેક્સિન ફ્રન્ટરનર ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બ્રિટિશ ફાર્મા જાયન્ટ એસ્ટ્રાઝેનેકા સાથે મળીને તૈયાર કરાયેલી કોરોના વેક્સિનના સફળ પરીક્ષણનો દાવો કરતા આશાનું કિરણ જણાયું છે. આ વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં આવી જશે તેવો દાવો પણ કરાયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સિન ChAdOx1 nCoV-19ને માનવીઓ પર પહેલા અને બીજા તબક્કામાં સફળતા સાંપડી હતી. અમેરિકાની મોડેરેના ફાર્માના વેક્સિનને પણ માનવ પરીક્ષણમાં સફળતા મળી હતી જેની, ટ્રાયલ અમેરિકામાં આશરે ૩૦,૦૦૦ લોકો પર કરાશે. રશિયાએ પણ તેની વેક્સિન સફળ હોવાની અને ઓગસ્ટના મધ્યભાગમાં બજારમાં મૂકવાની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાને હરાવવા માટે ૨૧ જેટલી  વેક્સિન પરીક્ષણ હેઠળ છે.

મેડિકલ જર્નલ લાન્સેટમાં સોમવારે પ્રકાશિત પરિણામો અનુસાર ટ્રાયલમાં વેક્સિન સુરક્ષિત અને અસરકારક જણાઈ હતી તેમજ માનવી પર કોઇ ઘાતક આડઅસર જોવા મળી ન હતી. ઓક્સફર્ડે જણાવ્યું છે કે આ રસીથી સારો ઈમ્યૂન રિસ્પોન્સ મળ્યો છે. કોરોનાવાઈરસને નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીઝનું સ્તર વધ્યુ હતું એટલું જ નહિ, વાઈરસ સામે લડનારા ઈમ્યુન ટી-સેલ્સ પણ વધાર્યા હતા. જોકે, આ વેક્સિન કોરોના વિરુદ્ધ પ્રભાવી રીતે સુરક્ષા કરે છે કે નહિ તેની પુષ્ટિ માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ જરૂરી છે. બીજી તરફ, વેક્સિનની ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ઓક્સફર્ડના પ્રો. સરાહ ગિલ્બર્ટે કહ્યું કે વેક્સિન કોરોના મહામારીને રોકવામાં કારગત છે કે નહિ તેના વિશે કંઈ કહેતા પહેલાં આપણે ઘણું કામ કરવાનું બાકી છે. હાલ તો એમ કહી શકાય કે આ પરિણામ આશા જગાવે છે. આ વેક્સિનનું હજી હજારો લોકો પર પરીક્ષણ થશે. બ્રિટનના ૮,૦૦૦ તથા દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના ૬,૦૦૦ લોકો પરીક્ષણમાં સામેલ છે.

એસ્ટ્રાઝેનેકાનો ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે કરાર

મહત્ત્વની બાબત એ છે કે વેક્સિન સંશોધન સાથે સંકળાયેલી એસ્ટ્રાઝેનેકાએ ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે દવા ઉત્પાદનનો કરાર કર્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઇઓ અદર પુનાવાલાએ કહ્યું કે અમે ઓક્સફર્ડ વેક્સિન પર કામ કરી રહ્યા છીએ. તે હાલ ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભારતમાં ઓગસ્ટ સુધી માનવી પર ટ્રાયલ શરૂ થશે. ૨૦૨૦ના અંત સુધીમાં આ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.

ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી ZyCoV–Dની હ્યુમન ટ્રાયલ શરૂ કરી છે. ૧૦૦૦ કરતાં વધુ વોલન્ટિયર્સ પર મલ્ટિપલ સ્ટડી હાથ ધરાશે. બીજી તરફ ભારત બાયોટેકે પણ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સની  સાથે મળીને કોવિડ-૧૯ ની સ્વદેશી રસીનું માનવો પર પરીક્ષણ  શરૂ કરી દીધું છે.

સાઈડ ઈફેક્ટ્સનું નહિવત પ્રમાણ

વેક્સિનની ટ્રાયલ ૧૮થી ૫૫ વયજૂથના ૧૦૭૭ લોકો પર લેવાઈ હતી. ઈન્જેક્શન આપ્યાના ૧૪ દિવસમાં લોકોમાં ટી-સેલ્સનું સ્તર ટોચે પહોંચ્યુ હતું. જ્યારે ૨૮ દિવસ પછી એન્ટિબોડી પણ ટોચ પર હતા. વ્હાઈટ બ્લડ સેલ્સનો એક પ્રકાર ટી-સેલ્સ ઈમ્યુન સિસ્ટમને કોઓર્ડિનેટ કરવામાં મદદ સાથે શરીરની ચેપગ્રસ્ત કોશિકાઓને શોધી નષ્ટ કરે છે. એન્ટિબોડી ઈમ્યુન ડિફેન્સનો હિસ્સો છે જે, વાઈરસની સપાટી પર ચોંટી તેને નિષ્ક્રિય કરે છે અને ચેપ ફેલાતા રોકે છે. વેક્સિનની અમુક આડઅસર છે પણ તે વધારે ઘાતક નથી. જે લોકોને વેક્સિન અપાઈ તેમાંથી ૭૦ ટકાએ તાવ કે માથાનો દુઃખાવો થવાની ફરિયાદ કરી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે ટ્રાયલ સમયે કોઈ મોટી આડ અસરો જોવા મળી નથી. ફક્ત થાક લાગવો, માથુ દુઃખવું, ઠંડી લાગવી અને શરીરમાં થોડી બળતરા થવા જેવી તકલીફ દેખાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter