લંડનઃ કોરોના વાઈરસ સામેના જંગમાં વેક્સિન બનાવવાની દોડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા કોરોનાની સૂંઘવાની વેક્સીનની ટ્રાયલ શરુ કરાઈ છે. ઇમ્પિરિયલ કોલેજની ક્લિનિકલ ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં ૩૦ લોકો સામેલ થશે. સંશોધકોનું કહેવું છે કે ઇન્જેક્શન કરતાં નાક દ્વારા આપવામાં આવતી વેક્સિનનો લો ડોઝ પણ વાઇરસ સામે રક્ષણ આપે છે. અગાઉ, સુરક્ષાના કારણોસર ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફાર્મા દ્વારા અટકાવાયેલી ત્રીજા તબક્કાની ટ્રાયલ ફરી શરુ દેવાઈ છે.
ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા વેક્સિન ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિમાં અસામાન્ય બીમારીના લક્ષણ દેખાવાના કારણે ટ્રાયલ અટકાવી દેવા નિર્ણય લેવાયો હતો. જોકે, એસ્ટ્રેઝેનેકાએ વેક્સિન AZD1222ની ટ્રાયલ રોકવાને રુટીન એક્શન ગણાવી હતી. વોલન્ટીઅર વેક્સિનની સાઈડ ઈફેક્ટથી જ બીમાર પડ્યો છે કે કેમ તે હજુ સમજી શકાયું ન હતું. વેક્સિનની ટ્રાયલ ત્રીજા એટલે કે છેલ્લા તબક્કામાં હોય તેવી ૯ કંપનીમાંની એક એસ્ટ્રાઝેનેકા ફાર્માએ ત્રીજા ફેઝની ટ્રાયલ માટે ૩૦,૦૦૦ હજાર સભ્યોનું રજિસ્ટ્રેશન ૩૧ ઓગસ્ટથી શરુ કર્યું હતું. ભારત સહિત અનેક દેશોની નજર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન પર ટકેલી છે. આ રસીની ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં ૧૭ અને અમેરિકામાં ૬૦ કરતાં વધુ સ્થળે તેમજ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં પણ ચાલી રહી છે. વેક્સિનની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે ત્યારે જ એસ્ટ્રેઝેનેકાને એક બિલિયન કરતાં વધુ ડોઝનો ઓર્ડર મળી ચૂક્યો છે.
ઓક્સફર્ડ - ઇમ્પિરિયલ કોલેજની સૂંઘવાની વેક્સિન
બ્રિટનમાં ઓક્સફર્ડ અને ઇમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા શરુ કરાયેલી ટ્રાયલમાં નેબુલાઇઝર અને માઉથપીસ દ્વારા વેક્સીનનો ડોઝ અપાશે જે, સીધી ફેફસાં સુધી પહોંચશે અને ઇમ્યુન રિસ્પોન્સની જાણ થશે. ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં ઇન્ફેક્શિયસ ડિસીઝ ડિપાર્ટમેન્ટના ક્રિસ ચિયુનું કહેવું છે કે, ફ્લુમાં મામલે નેસલ સ્પ્રે વેક્સિન અસરકારક રહી હતી. ચેપના કેસીસમાં ઘટાડો જોવા મળવા સાથે આ વાત સાબિત પણ થઈ હતી. અમે કોરોનાના કિસ્સામાં પણ આવી જ વેક્સિન સાથે પ્રયોગ કરી રહ્યા છીએ. નેસલ સ્પ્રે વેક્સીનને નાક (રેસ્પિરેટરી ટ્રેક્ટ) દ્વારા આપવી સુરક્ષિત છે.
રસી બજારમાં મૂકવાની જરાપણ ઉતાવળ નહિ
કોરોનાની વેક્સિન વિકસાવી રહેલી ૯ મોટી કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રસી બજારમાં મૂકવાની જરાપણ ઉતાવળ કરશે નહિ. એસ્ટ્રાઝેનેકાએ ટ્રાયલ અટકાવી દેતા વિશ્વભરના વિજ્ઞાનીઓ ચિંતામાં મુકાયા છે. વિજ્ઞાનીઓ કહે છે કે ટ્રાયલમાં અસરકારક ન નીવડે તેવી વેક્સિન લાવવી માનવજાત માટે ખતરો પેદા કરશે. ભારતમાં પણ વેક્સિન ટ્રાયલમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા સાથે સંકળાયેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ પણ દેશમાં ૧૭ સ્થળોએ ૧૬૦૦ લોકો પર પરીક્ષણો અટકાવી દીધાં હતાં. ભારતમાં આ વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો એકસાથે ચાલી રહ્યાં છે.